'શ્રીસ્વામિનારાયણો વિજયતેતરામ્'ની કથાનો પ્રારંભ. પાંચે પંડિતોનું મુક્તાનંદ સ્વામી પાસે આગમન.
राजोवाच -
मुक्तानन्दो भगवता प्रेषितो वटपत्तनम् । स मुने ! वादिनो जित्वा वृत्तालयमुपागतः ।। १ ।।
इति श्रुतं मया त्वत्तः कथं तेन जितास्तु ते । गुरो ! एतन्निगदितुं सर्वज्ञो हि त्वमर्हसि ।। २
सुव्रत उवाच -
आसीद्वटपुरे राजन् ! रामचन्द्राभिधो द्विजः । तद्भ्राता च हरिश्चन्द्र उभावेतौ महामती ।। ३
बहुश्रुतौ विशेषेण वैद्यशास्त्रविशारदौ । राजमान्यौ धर्मनिष्ठावास्तिकौ च विवेकिनौ ।। ४
शोभारामाभिधश्चान्यो द्विजस्तत्राभवच्छुचिः । वेदशास्त्रार्थनिपुण आस्तिको राजमानितः ।। ५
नारुपन्ताभिधश्चान्यो राजामात्यो बहुश्रुतः । तथा चिन्मयरावाख्यः क्षत्रवीरश्च तादृशः ।। ६
પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે સુવ્રતમુનિ ! ભગવાન શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને વડોદરા મોકલ્યા ને સ્વામી પ્રતિવાદીઓનો પરાભવ કરી સભા જીતીને વડતાલ આવ્યા.૧
એ કથા તમારા મુખથી સાંભળી. હે ગુરુજી ! તે મુક્તાનંદ સ્વામીએ પ્રતિવાદીઓને કેવી રીતે જીત્યા ? તે વિસ્તારથી કહો, કારણ કે તમે સર્વજ્ઞા છો.૨
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! વડોદરા શહેરમાં રામચંદ્ર નામે એક વિદ્વાન વિપ્ર હતા. તેમને એક હરિશ્ચંદ્ર નામે સગાભાઇ હતા. તે બન્ને વિદ્વાનો અતિશય મહાબુદ્ધિશાળી હતા.૩
બહુ શાસ્ત્રોનું અધ્યયન કરેલું હતું અને વિશેષે કરીને આયુર્વેદશાસ્ત્રમાં પારંગત હતા, ને રાજાને પણ બહુ માનીતા હતા. તે બન્ને ધર્મનિષ્ઠ, આસ્તિક અને સત્ અસત્ને જાણવામાં વિવેકી હતા.૪
એ જ રીતે શોભારામ શાસ્ત્રી નામે અન્ય એક વિપ્ર પણ વડોદરામાં રહેતા હતા. એ શોભારામ શાસ્ત્રી પોતાના આચારમાં શુદ્ધ, વેદશાસ્ત્રમાં વિશારદ, આસ્તિક અને રાજાને માનીતા હતા.૫
અને સિંહજીત નામના રાજાના મંત્રી અને બહુ ભણેલા નારુપંત નામના એક દક્ષિણી બ્રાહ્મણ વડોદરામાં રહેતા હતા. નારુપંતની સમાન ગુણવાળા ક્ષત્રિયોમાં શૂરવીર એક ચિમનરાવ નામના મંત્રી પણ તે વડોદરા શહેરમાં રહેતા હતા.૬
मुमुक्षवो हि पञ्चैते स्रिग्धाश्चाऽसन् परस्परम् । बहुशास्त्रश्रुतेर्नापुः स्वोपास्यैकेशनिश्चयम् ।। ७
तत्रस्थं दाक्षिणात्यं ते बहुशास्त्रविदं द्विजम् । नाम्ना हरिहराचार्यमपृच्छन्नेकदा नृप ! ।। ८
आचार्यवर्य ! पृच्छामो वयं त्वां बहुवित्तमम् । तच्छ्रुत्वैव यथावत्त्वमुत्तरं दातुमर्हसि ।। ९
गोलोकेऽथ च वैकुण्ठे भगवान् ब्रह्मपत्तने । अस्तीति श्रूयते लोके तथैव क्षीरसागरे ।। १०
चतुर्भुजश्चाष्टभुजो द्विभुजश्चापि सोऽच्युतः । श्रूयतेऽतस्त्वामाख्याहि को वा ध्येयो मुमुक्षुभिः ११
रामं कृष्णं नृसिंहं च भक्ताः केचिदुपासते । अतस्त्वं भगवद्बक्तो ब्रूहि नः स्वविनिश्चितम् ।। १२
હે રાજન્ ! આ પાંચે વિદ્વાનો મુમુક્ષુ હતા અને પરસ્પર અતિશય સ્નેહવાળા હતા અને ઘણાં બધાં શાસ્ત્રોનું શ્રવણ કર્યું હોવાથી પોતાને ઉપાસના કરવા યોગ્ય એક જ ઇશ્વર છે, એવો નિર્ણય કરી શક્યા નહિ.૭
તેથી હે રાજન્ ! તે પાંચે વિદ્વાનો એક વખત વડોદરા શહેરમાં રહેલા દક્ષિણી પંડિત, બહુ શાસ્ત્રોને ભણેલા હરિહરાચાર્ય નામના બ્રાહ્મણ પાસે ગયા ને પૂછવા લાગ્યા કે, હે આચાર્યવર્ય ! બહુ શાસ્ત્રોના જ્ઞાતા તમને અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. અમારો પ્રશ્ન સાંભળી તમે અમને યથાર્થ ઉત્તર આપજો.૮-૯
તે પ્રશ્ન આ પ્રમાણે છે કે, ભગવાન ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર અને ક્ષીરસાગરના કિનારે રહેલા શ્વેતદ્વીપધામને વિષે રહેલા છે. એમ લોકો અને શાસ્ત્ર બન્ને થકી સાંભળ્યું છે.૧૦
એ ભગવાન ચતુર્ભુજ, અષ્ટભુજ અને દ્વિભુજ છે એમ પણ સંભળાય છે. એથી મુમુક્ષુ ભક્તે એ સ્વરૂપોમાંથી કયા ભગવાનનું ધ્યાન કરવું જોઇએ ?૧૧
કોઇ ભક્તો રામની ઉપાસના કરે છે. કોઇ શ્રીકૃષ્ણ વાસુદેવની તો કોઇ નૃસિંહ ભગવાનની ઉપાસના કરે છે. તમે પણ ભગવાનના ભક્ત છો તો તમે શું નિર્ણય કરી રાખ્યો છે ? તે અમને કહો.૧૨
सुव्रत उवाच -
इति पृष्टः स तैर्विप्रो भूरिदम्भविचक्षणः । राजकीयैः सेव्यमानस्तर्कबुद्धिरुवाच तान् ।। १३
द्विजाः ! शृणुत मद्वाक्यं यूयं हि स्थ मुमुक्षवः । अतो हितं हि युष्माकं कथयामि सुनिश्चितम् ।। १४
य ईश्वरोऽस्ति भगवान् गोलोकादिषु धामसु । शास्त्रेषूक्तः स तु कलौ साक्षात् प्राप्यो न कस्यचित् १५
तस्मात्तस्यैव सततं नामसङ्कीर्तनं द्विजाः ! । यूयं कुरुत तेनैव भुक्तिं मुक्तिं च यास्यथ ।। १६
कृते यद्धयायतो विष्णुं त्रेतायां यजतो मखैः । द्वापरे परिचर्यायां कलौ तद्धरिकीर्तनात् ।। १७
इति भागवतोक्तेश्च भक्तिर्नान्या कलौ ततः । तपो योगश्च नियमाः कलौ साध्या न वै नृभिः ।। १८
त्रियुगत्वात्तथा विष्णोर्नावतारोऽत्र तस्य च । अतोऽपरोक्षानुभवः कथामात्रं न वस्तुतः ।। १९
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે જ્યારે તે રામચંદ્રાદિ પાંચે પંડિતોએ પૂછયું ત્યારે દંભ આચરવામાં બહુ જ ચતુર, રાજકીય પુરુષોથી સેવાયેલા તેમજ મહાતાર્કિક બુદ્ધિવાળા, હરિહરાચાર્ય તે પાંચે પ્રત્યે કહેવા લાગ્યા.૧૩
હે વિપ્રો ! મારૂં વાક્ય સાંભળો. તમે મુમુક્ષુ છો. તેથી તમને મેં જે સ્પષ્ટ નિર્ણય કર્યો છે, તે તમારા હિત માટે સંભળાવું છું.૧૪
ગોલોકાદિક ધામોને વિષે જે સર્વેશ્વર પરમાત્માનું વર્ણન આવે છે, તેતો માત્ર શાસ્ત્રમાં કહેલું છે. પરંતુ આવા કલિયુગમાં તે પ્રત્યક્ષ કોઇને મળતા નથી.૧૫
તેથી હે વિપ્રો ! તમે તેનું સતત નામ સંકીર્તન કરો. માત્ર નામ સંકીર્તન કરવાથી જ ભુક્તિ અને મુક્તિ બન્ને મળી જાય છે.૧૬
હે વિપ્રો ! સત્યયુગમાં વિષ્ણુ ભગવાનની ધ્યાનયોગ ઉપાસના કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય, ત્રેતાયુગમાં યજ્ઞોદ્વારા વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી પુરુષને જે ફળની પ્રાપ્તિ થાય, દ્વાપરયુગમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભગવાનની પૂજા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય તે સર્વે એના એજ ફળ આ કળિયુગમાં કેવળ હરિનામ સંકીર્તનથી જ પ્રાપ્ત થાય છે.૧૭
આ પ્રમાણે શ્રીમદ્ ભાગવતનું વચન હોવાથી બીજા પ્રકારની ભક્તિ કરવાની જ હોતી નથી. તપ, યોગ, નિયમ પાળવાં વગેરે સાધનો તો આવા કળિયુગમાં મનુષ્યોને અતિશય કઠિન છે.૧૮
એ જ રીતે વિષ્ણુને ત્રિયુગી એટલે કે, ત્રણયુગમાં પ્રગટ થનારા કહેલા છે. તેથી કળિયુગમાં તેના અવતારો થતા જ નથી. એથી કળિયુગમાં પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તો માત્ર કથનરૂપ છે, તે સત્ય હકીકત નથી.૧૯
सुव्रत उवाच -
एवमुक्ता द्विजास्तेन ते तद्वाक्यप्रतीतयः । कलौ केवलनाम्नैव निश्चिक्युः श्रेय आत्मनः ।। २०
ततो विवादं चक्रुस्ते तत्र तत्र च शास्त्रिभिः । स्वमतं स्थापयन्ति स्म सभासु बहुयुक्तिभिः ।। २१
विदुषो युक्तिनिपुणान् राजमान्यांश्च तान्नृप ! । जेतुं शशाक न कापि सभायां कोऽपि पूरुषः ।। २२
હે રાજન્ ! આ પ્રમાણે તે હરિહરાચાર્યે સર્વેને સમજાવ્યું તેથી રામચંદ્રાદિ વિપ્રોએ તેમના વચનમાં વિશ્વાસ રાખી કળિયુગમાં આત્મકલ્યાણ કેવળ હરિનામ સંકીર્તનથી જ થાય છે, એ પ્રમાણે માનવા લાગ્યા.૨૦
પછી તે રામચંદ્રાદિ પાંચે પંડિતો તે તે સ્થળે શાસ્ત્રવેત્તા વિપ્રોની સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા ને સભાઓમાં બહુ પ્રકારની યુક્તિઓ દ્વારા પોતાના ઉપરોક્ત મતનું સ્થાપન કરવા લાગ્યા.૨૧
હે રાજન્ ! યુક્તિઓમાં નિપુણ અને રાજમાન્ય એવા એ પાંચેને સભામાં જીતવા અન્ય કોઇ પંડિતો ક્યારેય પણ સમર્થ થઇ શક્યા નહિ.૨૨
भक्तानां तु हरेः प्राय उपहासं त आचरन् । प्रत्यक्षभगवत्प्राप्या श्रेयः स्यादिति वादिनाम् ।। २३
अथ ते नाथजिद्बक्तगृहे शुश्रुवुरागतम् । मुक्तानन्दं हरेर्भक्तमुख्यं प्राक्श्रुतसद्गणम् ।। २४
ततः संहत्य पञ्चापि तद्दर्शनमिषेण ते । आजग्मुस्तस्य निकटं स्थितस्य जनसंसदि ।। २५
मानितास्तेन मुनिना तं प्रणम्य च तत्पुरः । निषेदुः प्रहसद्वक्त्रा विनीता इव साधवः ।। २६
પાંચે પંડિતોનું મુક્તાનંદ સ્વામી પાસે આગમન :- હે રાજન્ ! એ પાંચે વિપ્રો પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય તો જ જીવનું કલ્યાણ થાય છે. એ પ્રમાણે કહેતા શ્રીહરિના ભક્તજનોની અતિશય ઠેકડી ઉડાવતા ને ઉપહાસ કરતા.૨૩
એ અવસરે તે વિપ્રોએ સાંભળ્યું કે, સ્વામિનારાયણના સંતોમાં અગ્રેસર અને પૂર્વે નાથભક્ત પાસે જેના ગુણો સાંભળ્યા છે, એવા મુક્તાનંદ સ્વામી નાથજી ભક્તને ઘેર આવેલા છે.૨૪
તેથી તેઓ પાંચે વિપ્રો સાથે મળીને સ્વામીનાં દર્શનના બહાને મનુષ્યોની સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા.૨૫
ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેનો ખૂબજ આદર સત્કાર કર્યો. તેઓ પણ મુખેથી મંદમંદ હાસ્ય કરી ઉપરથી સાધુઓની જેમ જ વિનયથી યુક્ત થઇ મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરીને તેમની આગળ બેઠા.૨૬
पौराणिकाः शास्त्रिणश्च बहवो वैष्णवास्तथा । तत्राजग्मुः शाम्भवाश्च प्रेक्षकाश्चेतरे जनाः ।। २७
ततः सभायां जनसङ्कुलायां तान्प्रष्टुमुत्कान् स्फुरदोष्ठयुग्मान् ।
स्मरन्स्वचित्ते हरिमेव मुक्तानन्दो जगाद क्षितिपाल ! पूर्वम् ।। २८ ।।
હે રાજન્ ! તે સભામાં લક્ષ્મીરામ આદિક અનેક પુરાણીઓ, રઘુનાથાદિ શાસ્ત્રીઓ, દેવશંકરાદિ વૈષ્ણવો, જયશંકરાદિ શિવભક્તો, તેમજ બીજા ઘણા જીજ્ઞાસુ જનો પણ આવીને બેઠા.૨૭
હે રાજન્ ! તે સમયે પોતાના ચિત્તમાં પોતાના ઇષ્ટદેવ સાક્ષાત્ સ્વામિનારાયણનું સ્મરણ કરતા મુક્તાનંદ સ્વામીને ઘણા બધા મનુષ્યોની બેઠેલી સભામાં પ્રશ્નો પૂછવા અતિ ઉતાવળા થઇ રહેલા ને હોઠ ફફડાવી રહેલા તે પાંચે વિદ્વાનો પ્રત્યે પ્રથમ સ્વામી કહેવા લાગ્યા.૨૮
इति सत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे त्रियुगशब्दार्थनिर्णये वादिप्रतिवादिसमागमनिरूपणनामा चतुस्त्रिंशोऽध्यायः ।। ३४ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં હરિહરાચાર્યના સમાગમથી તૈયાર થયેલા રામચંદ્રાદિ પાંચ પંડિતો વિવાદમાં ત્રિયુગનો નિર્ણય કરવા છેલ્લે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યાનું નિરૂપણ કર્યું એ નામે ચોત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૪--