સચ્ચિદાનંદ સ્વામીએ કરેલી દ્વારિકાધીશની સ્તુતિ. સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાધીશનું પ્રત્યક્ષ દર્શન. સચ્ચિદાનંદ સ્વામીએ માગેલ વરદાન.
सञ्चिदानंदमुनिरुवाच -
श्रीरुक्मिणीरमण ! रम्यमुखारविन्द ! श्रीकृष्ण ! शङ्करविधीन्द्रसुरादिवन्द्य ! ।
सद्धर्मभक्तिपरमाश्रय ! पुण्यकीर्ते ! श्री द्वारिकेश ! वरदो भव मे प्रसन्नः ।। १
સચ્ચિદાનંદ સ્વામી સ્તુતિ કરતાં કહે છે, હે રુક્મિણીરમણ ! હે રમણિય મુખારવિંદ વાળા ! હે શ્રીકૃષ્ણ ! હે શંકર, બ્રહ્મા, ઇન્દ્રાદિ સર્વે દેવતાઓએ તથા મનુષ્યાદિકે વંદન કરેલા ! હે સદ્ધર્મ તથા ભક્તિના પરમ આશ્રયરૂપ ! હે શ્રોતા તથા વક્તા બન્નેને પવિત્ર કરનારી કીર્તિવાળા ! હે શ્રીદ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૧
त्वं भक्तसङ्घमवितुं स्वकमासुरेभ्यो दोर्भिर्दधद्दरगदारिसरोरुहाणिनित्यं विराजस इहाखिलशक्तिनाथ ! श्री द्वारिकेश. ! ।। २
હે અખિલ શક્તિઓના સ્વામી ! તમે તમારા ભક્તજનોના સમુદાયનું અસુરો થકી રક્ષણ કરવા માટે ચારે હસ્તમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરો છો. ને અહીં દ્વારિકાપુરીમાં નિત્યે વિરાજો છો એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૨
वस्त्राहृतौ द्रुपदपुत्रिकया स्मृस्त्वं श्रीमच्चमाशु परिहाय च तामुपेत्य । दत्त्वांशुकानि बहुधा ह्नियमाविधास्याः श्री द्वारिकेश. ! ।। ३
કૌરવ સભામાં દુઃશાસન દ્વારા જ્યારે વસ્ત્રો ખેંચાયા ત્યારે દ્રુપદસુતા દ્રૌપદીએ તમારૂં મનથી માત્ર સ્મરણ કર્યું. તેવામાં તમે તત્કાળ રૂક્મિણીના પલંગને છોડીને દ્રૌપદી પાસે આવ્યા ને બહુ વસ્ત્રો પૂરીને તેમની લાજ રાખી હતી. એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૩
तस्या अनन्यनिजभक्तिजुषः सभायां केशग्रहं कुरुकृतं च न मृप्यमाणः । तत्स्त्रीर्हतेशपरिमुक्तकचाश्चकर्थ श्री द्वारिकेश. ! ।। ४
અનન્ય ભક્તિભાવથી પોતાનું સેવન કરનાર તે દ્રૌપદીના કૌરવસભામાં દુઃશાસને કેશ ખેંચ્યા હતા તેને તમે સહન નહીં કરી શકવાથી તે કૌરવ સ્ત્રીઓના પતિઓને મરાવી તેમને વૈધવ્ય અપાવ્યું હતું. એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૪
दुर्वाससो विपदि पाण्डुसुतान्निमग्नानुद्धर्तुमाशु निरूपानदगा अरण्यम् । भक्तप्रियस्य तव तस्य भवामि दासः श्री द्वारिकेश. ! ।। ५
દુર્યોધને પ્રેરીને મૂકેલા દુર્વાસાઋષિના આગમનને કારણે વનમાં આપત્કાળ અનુભવતા પાંડુ પુત્રોનો ઉદ્ધાર કરવા ચરણમાં મોજડી ધારણ કર્યા વિના દ્રૌપદીના સ્મરણ માત્રથી તમે તત્કાળ વનમાં પધાર્યા હતા ને શાકનું એક માત્ર પત્ર જમીને તેમની આપત્તિને હરી હતી. એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૫
भामामनोरथमपि प्रतिपूरयंस्त्वं जित्वा सुरेन्द्रममरैः सह नाकलोकात् । पुर्यामिहानयिथ नाथितपारिजातं श्री द्वारिकेश. ! ।। ६
સત્યભામાનો મનોરથ પૂર્ણ કરવા તમે દેવોએ સહિત દેવેન્દ્રને જીતીને સ્વર્ગમાંથી સત્યભામાએ માંગણી કરેલા કલ્પવૃક્ષને અહીં દ્વારિકાપુરીમાં લાવ્યા હતા. એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૬
वैरावबद्धकुटिलभ्रुकुटीक्षमाणान् शस्त्रैर्घ्नतोऽपि शपतो बहुधाति दुष्टान् । दैत्यानपि त्वमनयः स्वपदं दयालो ! श्री द्वारिकेश. ! ।। ७
હે દયાનિધિ ! વૈરભાવથી પણ તમારી સામે કરડી દૃષ્ટિથી જોતા, શસ્ત્રોથી તમને પ્રહાર કરતા તેમજ અનેક પ્રકારની ગાળો દેતા એવા દુષ્ટ પ્રકૃતિના દૈત્યોને પણ પોતાના વૈકુંઠપદની પ્રાપ્તિ કરાવનારા એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૭
सम्प्राप्यते धनिभिरेव न रङ्कपुंभिस्त्वन्मूर्तिदर्शनसुघेति न वक्तुमर्हम् । निष्किञ्चनप्रिय इति प्रथिते त्वयीश ! श्री द्वारिकेश. ! ।। ८
હે ઇશ્વર ! તમારી મૂર્તિનાં દર્શન કેવળ ધનાઢય ભક્તો જ કરી શકે, નિર્ધન એવા રંક પુરુષોને તે દર્શન થતાં નથી, તેથી નિષ્કિંચન ભક્તપ્રિય એવું જે તમારૂં નામ પહેલાં પ્રસિદ્ધ છે. તે અત્યારે કહેવું મને યોગ્ય લાગતું નથી. એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૮
सद्धर्मवर्त्मपरिपातुमिह त्वमीश ! दैत्यांशभूपगुरुविक्षतमद्य भूमौ । दिव्यां दधन्नरतनुं हि विराजमानः श्री द्वारिकेश. ! ।। ९
હે ઇશ્વર ! તમે આ પૃથ્વી પર દૈત્યોના અંશરૂપ રાજાઓ તથા ગુરુઓ દ્વારા વિનાશના આરે લાવી મૂકાયેલા એકાંતિક ધર્મમાર્ગનું રક્ષણ કરવા માટે અત્યારે મનુષ્ય શરીરધારી વિચરો છો. એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૯
अन्तःस्फुरत्कलिमलामरमर्त्यदैत्यदूरस्थितेरनुगतत्रियुगाभिधान ! । संसारतप्तशरणागतजीवनाथ ! श्री द्वारिकेश. ! ।। १०
હે ઇશ્વર ! અંતરમાં ઉદ્ભવેલા કળિયુગના મળરૂપ કામ, ક્રોધાદિ દોષોથી ભરપૂર મનુષ્યો તેમજ દૈત્યોથી તમે દૂર રહો છો. તેથી તમે ''ત્રિયુગ'' એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા છો અને સંસારના તાપથી તપી ગયેલા અને તમારે શરણે આવેલા જીવાત્માઓના એક નાથ છો. એવા હે દ્વારિકાધીશ ! તમે મારી ઉપર પ્રસન્ન થઇ મને ઇચ્છિત વરદાન આપો.૧૦
सुव्रत उवाच -
इति स्तुवन्नतिप्रेम्णा कृष्णलीनमना मुनिः । तिस्रोऽवस्था व्यतीत्यैव तुरीयं पदमभ्यगात् ।। ११
भगवान् द्वारिकानाथो भक्तवत्सल ईश्वरः । तद्बाववित्सुप्रसन्नो ददौ तस्मै स्वदर्शनम् ।। १२
निशायां विजयाख्याया एकादश्या यदूद्वहः । तदन्तिकमुपेयाय तुरीयप्रहरे हसन् ।। १३
आविर्बभूव हृत्पद्मे प्रथमं तस्य योगिनः । लक्ष्मीभामार्जुनोपेतः सात्यक्युद्धवसंयुतः ।। १४
सहसा स्फुरितं तं च कोटिसूर्याधिकप्रभम् । आश्चर्यदर्शनं वीक्ष्य प्रेम्णा स विवशोऽभवत् ।। १५
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સ્તુતિ કરી અતિશય પ્રેમના લીધે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં મનને લીન કરી સચ્ચિદાનંદ સ્વામી ત્રણ અવસ્થાથી પર થયા ને સમાધિદશાને પામ્યા.૧૧
એ સમયે ભક્તવત્સલ શ્રીદ્વારિકાધીશ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીના હૃદયના અભિપ્રાયને જાણી અતિશય પ્રસન્ન થયા ને સ્વામીને પોતાનું પ્રગટ દર્શન આપ્યું.૧૨
યદુકુળમાં પ્રગટ થયેલા શ્રીકૃષ્ણ ભગવાન મંદમંદ હાસ્ય કરતા સંવત ૧૮૮૧ ના મહાસુદ વિજયા એકાદશીની તિથિએ રાત્રીના ચોથા પહોરમાં સચ્ચિદાનંદ સ્વામીની સમીપે પધાર્યા.૧૩
તેમાં પ્રથમ શ્રીકૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીના હૃદયમાં રૂક્મિણીજી, સત્યભામા, અર્જુન, સાત્યકી અને ઉદ્ધવજીએ સહિત પ્રગટ થયા.૧૪
તે સમયે પોતાના હૃદયકમળમાં આવિર્ભાવ પામેલા કોટિ કોટિ સૂર્યના પ્રકાશ કરતાં પણ અધિક કાંતિવાળા તેમજ દર્શન માત્રથી આશ્ચર્ય ઉપજાવતા શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં. તેથી સચ્ચિદાનંદ સ્વામી અતિશય આનંદને પામ્યા.૧૫
सहसान्तर्दधे तत्र भगवान् व्युत्थितोऽथ सः । ससम्भ्रमो बहिः साक्षात्तमेवैक्षत संस्थितम् ।। १६
उद्यन्नीरदनीलरम्यवपुषं विद्युत्प्रभं बिभ्रतं वासोऽनेकविभूषणं सुमुकुटं सत्पद्मपत्रेक्षणम् ।
नानामौक्तिकपुष्पहारविलसत्कण्ठं प्रसन्नाननं दोर्भिः शङ्खगदासुदर्शनसरोजानि स्फुटं बिभ्रतम् १७
लक्ष्म्या दिव्यबिभूषणाम्बरधृता पद्मं च सद्वीजनं बिभ्रत्या च भुजद्वयेन सुरुचा प्रेम्णेक्ष्यमाणं प्रभुम् ।
लावण्यातिशयातिरूपवपुषा हैमं च भृङ्गारकं बिभ्रत्यैव कटाक्षवीक्षितमुखं पार्श्वस्थया भामया ।। १८
धृत्वा चामरमुद्धवेन विनयात्संवीजितं दक्षिणे वामे सात्यकिना च चामरघृता राजाधिराजश्रियम् ।
पृष्ठे स्वातपवारणं च दधता संमानितं जिष्णुना वीक्ष्य श्रीरमणं मुनिः स सहसा चक्रे नतिं दण्डवत् ।। १९
સચ્ચિદાનંદ સ્વામીને દ્વારકાધીશનું પ્રત્યક્ષ દર્શન :- હે રાજન્ ! એજ સમયે શ્રીકૃષ્ણ ભગવાન સ્વામીના હૃદયમાંથી અંતર્ધાન થયા, તેથી સ્વામી સમાધીમાંથી જાગ્રત થયા. અને નેત્રો ખોલ્યા તો પોતાની સમક્ષ પ્રત્યક્ષ ઊભેલા શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરવા લાગ્યા.૧૬
તે સમયે શ્રીકૃષ્ણ ભગવાન આકાશમાં ઉદય પામેલા નવીન મેઘની સમાન શ્યામ શરીરથી શોભતા હતા. વીજળીની કાંતિની સમાન ચળકતા પીળાં વસ્ત્રો તથા અનેક પ્રકારના અલંકારો ધારણ કર્યાં હતાં. મસ્તક ઉપર શોભાયમાન મુગટ ધારણ કર્યો હતો. લાલ કમળના પત્રની સમાન વિશાળ નેત્રો શોભતાં હતાં. અનેક પ્રકારના મોતીઓ અને પુષ્પોના હારથી કંઠ શોભી રહ્યો હતો. મંદમંદ હાસ્યથી શોભતા અને ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મને સ્પષ્ટપણે ધારણ કર્યાં હતાં.૧૭
દિવ્ય આભૂષણો તથા વસ્ત્રોને ધારી રહેલાં તેમજ એક હાથમાં કમળ અને બીજા હાથમાં વીંજણાને ધારી રહેલાં સુંદર કાંતિવાળાં લક્ષ્મીજી અતિશય પ્રેમના લીધે શ્રીકૃષ્ણનું દર્શન કરી રહ્યાં હતાં. તેવી જ રીતે સર્વે અંગોમાં દિવ્ય લાવણ્યતાથી શોભતાં સત્યભામા પરમાત્માની સમીપે ઊભાં રહીને સુવર્ણની જળઝારી હાથમાં ધારણ કરી કટાક્ષભરી દૃષ્ટિથી ભગવાનનું દર્શન કરી રહ્યાં હતાં.૧૮
જમણી બાજુએ ઉદ્ધવજી હાથમાં ચામર ધારણ કરી ભગવાન ઉપર ઢોળી રહ્યા હતા. પાછળના ભાગે ઊભેલા અર્જુનજી રાજાધિરાજની શોભાએ સંપન્ન શ્રીકૃષ્ણ ભગવાન ઉપર સુવર્ણના દંડવાળું વિશાળ શોભાયમાન છત્ર ધારણ કરી પ્રભુનું સન્માન કરી રહ્યા હતા. આવા પ્રકારની શોભા સંપત્તિવાળા શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરી સચ્ચિદાનંદ સ્વામી એકાએક દંડની માફક પૃથ્વી પર પડી નમસ્કાર કરવા લાગ્યા.૧૯
तं प्रेमाश्रुकलावरुद्धनयनं रोमाञ्चिताङ्गं मुनिं सन्त्यज्यादशवासरं जलमपि स्वं संस्मरन्तं हृदा ।
विप्राद्यैरतिनिर्दयैः प्रतिहतस्वक्षेत्रयात्राविधिं त्यक्त्वा शङ्खमरिं हरिस्त्वतिमुदोत्थाप्याऽश्लिषत्सत्वरम् २०
तन्मूर्धांसउरःस्थले च भगवान् पाणिं निजं भ्रामयन् प्राह प्रेमपरिप्लुतं मुनिवरं धन्योऽसि भक्तोत्तम ! ।
तुष्टोऽस्म्यद्य ततो मनोभिलषितं याचस्व मत्तो वरं नादेयं मम किञ्चिदत्रभवते तुभ्यं त्रिलोक्यामपि ।। २१
इत्थं श्रीरमणेन तेन परया प्रीत्या वरार्थे मुनिर्भक्तः प्रेरित आह तत्करतलस्पर्शाद्गतक्षुद्व्यथः ।
तत्कारुण्यशरण्यतादिगुणसंवीक्षान्तरप्रस्फुरत्प्रेमोद्रेकदृगश्रुगद्गदगलो बद्धाञ्जलिश्चानतः ।। २२
હે રાજન્ ! તે સમયે શ્રીકૃષ્ણ ભગવાને પોતાનો શંખ, તથા સુદર્શન ચક્રનો ત્યાગ કરી અતિશય હર્ષથી રોમાંચિત થયેલા સચ્ચિદાનંદ સ્વામીને ઊભા કરી તત્કાળ ભેટી પડયા. સ્વામીના નેત્રોમાં પ્રેમના અશ્રુ ભરાયા હતાં. દશ દિવસથી જેમણે જળ પણ પીધું ન હતું, (તિથિ પ્રમાણે ૧૧ દિવસ થાય પરંતુ પાંચમનો ક્ષય હોવાથી દશ) આવા સચ્ચિદાનંદ સ્વામી અંતરથી પરમાત્માનું સ્મરણ કરી રહ્યા હતા. અતિશય નિર્દય ગૂગળી બ્રાહ્મણોએ સ્વામીને વિધિ પણ કરવા દીધો ન હતો.૨૦
આવા સચ્ચિદાનંદ સ્વામીના મસ્તક, વક્ષસ્થલ અને ખભા ઉપર શ્રીકૃષ્ણ ભગવાને પોતાનો કરકમળ મૂકી પ્રેમના રંગે રંગાયેલા સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તરાજ ! તમને ધન્ય છે આજે હું તમારી ઉપર ખૂબજ પ્રસન્ન થયો છું. તેથી તમારા મનમાં જે ઇચ્છા હોય તે વરદાન મારી પાસે માગો. સર્વે લોકમાં પૂજ્ય એવા તમને આ બ્રહ્માંડમાં ન આપવા યોગ્ય એવી કોઇ વસ્તુ નથી જે હું ન આપું. સર્વસ્વ આપવા યોગ્ય છે.૨૧
આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને પરમ સ્નેહથી વરદાન માગવાનું કહ્યું ત્યારે ભગવાનના હસ્તકમળનો સ્પર્શ થવાથી જેની ભૂખ અને તરસ સમી ગયાં છે એવા સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનની કરૂણા અને શરણાગતની રક્ષા આદિ અનંત સદ્ગુણોના દર્શન થવાથી અંતરમાં પ્રેમ ઊભરાયો તેથી નેત્રમાં અશ્રુઓ વહેવા લાગ્યાં અને સ્વામીનો કંઠ રૂંધાયો. બે હાથ જોડી નમસ્કાર કરી એકાંતિક ભક્ત સચ્ચિદાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા.૨૨
सच्चिदानन्दमुनिरुवाच -
नमो नमो मङ्गलमूर्तये ते नमो नमो यादवभूषणाय । अपारकारुण्यसुधासमुद्र ! श्री द्वारिकाधीश ! नमोऽस्तु तुभ्यम् ।। २३ ।।
निःशेषपापौघविनाशनाय भक्तप्रियायाखिलकारणाय । श्री सत्यभामारमणाय नित्यं नमोऽस्तु नारायण ! देव ! तुभ्यम् ।। २४
कृष्णाय जिष्णुप्रियकारणाय वृष्णिप्रवीराय च विष्णवे ते । नमोऽस्तु नानाविधराजकन्यामनोभिलाषप्रतिपूरकाय ।। २५
भूमारराजन्यदवानलाय सद्धर्मसाधुप्रतिपालकाय । श्रीदामदारिद्रयविनाशनाय नमोऽस्तु ते चोद्धववल्लभाय ।। २६
સ્વામી પ્રથમ સ્તુતિ કરતાં કહે છે, હે અપાર કરૂણાના સિંધુ ! હે શ્રી દ્વારિકાધીશ ! તમને મારા વારંવાર નમસ્કાર છે. હે મંગલમૂર્તિ ! હે યાદવવંશના આભૂષણ ! હે નારાયણ ! હે દેવ ! તમને મારા નમસ્કાર. તમે આશ્રિતજનોના સમગ્ર પાપના સમૂહનો વિનાશ કરનારા છો. તમને ભક્તો બહુજ વહાલા છે. તમે સકલ વિશ્વના કારણ છો, આ રૂક્મિણી અને સત્યભામાનું સદાય રંજન કરનારા, તમને હું નિત્યે નમસ્કાર કરૂં છું.૨૩-૨૪
પોતાના મિત્ર અર્જુનની ઇચ્છાઓને સદાય પૂર્ણ કરો છો, તમે વૃષ્ણિકુળમાં શ્રેષ્ઠ છો, સર્વના અંતર્યામી વિષ્ણુ છો, અનેક રાજકન્યાઓના પાણિગ્રહણ કરી તેઓના મનોરથો પૂર્ણ કરેલા છે. એવા હે શ્રીકૃષ્ણ ભગવાન ! હું તમને વારંવાર નમસ્કાર કરૂં છું.૨૫
તમે પૃથ્વીના ભારરૂપ કંસ, જરાસંધ આદિ રાજાઓરૂપી દાવાનળનો વિનાશ કરનારા છો, ભાગવતધર્મ અને ધર્મનિષ્ઠ સંતોનું સદાય પાલન કરો છો, શ્રીદામ ભક્તના દારિદ્રયનો વિનાશ કરનારા છો, ઉદ્ધવજીને પ્રિય છો. એવા હે શ્રીકૃષ્ણ ભગવાન ! હું તમને વારંવાર નમસ્કાર કરૂં છું.૨૬
श्री मन्महाराज ! विकुण्ठनाथ ! श्रीदेवकीनन्दन ! चक्रपाणे ! । द्वारावतीनायक ! वासुदेव ! नित्यं प्रसन्नो भव रुक्मिणीश ! ।। २७
दयानिधे ! महाराज ! भक्तेषु करुणेदृशी । त्वय्येव राजते नित्यं नह्यन्यत्र तु कुत्रचित् ।। २८
मनोरथो मे सफलः कृतोऽद्य भवता प्रभो ! । पूर्णकामोऽस्म्यहं नूनं दर्शनादेव तेऽधुना ।। २९
साक्षात्त्वच्चरणाम्भोजमशेषानन्दसंश्रयम् । सम्प्राप्यातः परं किंनु वृणोमि त्वत्त ईश्वर ! ।। ३०
હે શ્રીમાન્ ! હે મહારાજ ! હે વૈકુંઠનાથ ! હે દેવકીનંદન ! હે ચક્રપાણિ ! હે દ્વારિકાના નાયક વાસુદેવ ! હે રૂક્મિણીના સ્વામીનાથ ! તમે નિરંતર મારા ઉપર રાજી રહો.૨૭
હે દયાનિધિ ! ભક્તજનો ઉપર આવા પ્રકારની કરૂણા તમારા વિષે જ નિત્ય વિરાજે છે. પરંતુ અન્યને વિષે આવી દયા સંભવી શકે નહિ.૨૮
હે પ્રભુ ! તમે મારો મનોરથ અત્યારે સફળ કર્યો છે. હું તમારા દર્શનથી અત્યારે પૂર્ણકામ થયો છું.૨૯
હે ઇશ્વર ! સર્વના આધાર એવા તમારા પ્રત્યક્ષ ચરણકમળને પામ્યો, તો આનાથી બીજું અધિક હું તમારી પાસે શું માગું ?૩૦
अस्त्येकं याचितव्यं तच्छ्रुत्वा वितर मे प्रभो ! । भक्तप्रियस्य सततं तवाशक्यं न किञ्चन ।। ३१
आज्ञा तवैवास्ति हरेस्त्यागिनां गृहिणां तथा । यात्रा कार्या द्वारिकाया इति साम्प्रतमच्युत ! ।। ३२
तत्र ये धनिनस्तेषां दुष्करा नैव सा किल । सर्वथा दुष्करैवास्ति निर्धनानां नृणां प्रभो ! ।। ३३
औद्धवीयाः साधुजना ये सन्ति भुवि सत्पते ! । तेषां तु दुष्करतरा यात्रैषास्ति विशेषतः ।। ३४
न जातं गोमतीस्नानं तप्तमुद्राङ्कनं न च । कष्टैर्दशाहोपवासैर्जातं मेऽद्य त्वदीक्षणम् ।। ३५
સચ્ચિદાનંદ સ્વામીએ માગેલ વરદાન :- હે પ્રભુ ! આમ હોવા છતાં મનમાં જે એક વસ્તુ માગવાની ઇચ્છા વર્તે છે તે આપવાની કૃપા કરો. ભક્તજનો ઉપર સતત કૃપા વરસાવનારા તમારા માટે કાંઇ પણ આપવું અશક્ય નથી. તમે બધું જ આપી શકો છો.૩૧
હે અચ્યુત ! શ્રી નારાયણમુનિ સ્વરૂપે વિચરતા આપની જ અત્યારે આજ્ઞા થઇ છે કે, ત્યાગી તથા ગૃહસ્થોએ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી.૩૨
તેમાં જે ધનવાન ભક્તો છે તેને તો એ આજ્ઞા પાળવી કઠિન નથી. પરંતુ નિર્ધનને માટે તો એ આજ્ઞા સર્વથા દુષ્કર છે.૩૩
હે સ્વામિન્ ! આ પૃથ્વી પર ઉદ્ધવસંપ્રદાયના આશ્રિત જે સ્ત્રી-ધનના ત્યાગી સંતો છે તેમને તો એ તમારી આજ્ઞા પાળવી બહુ જ કઠિન છે.૩૪
અત્યારે મને ગોમતીસ્નાન કરવા મળ્યું નથી. તપ્તમુદ્રાઓ પણ ધારણ કરવા મળી નથી. અને અતિશય કષ્ટપ્રદ આપનું દર્શન માંડ અત્યારે થયું છે.૩૫
एवंविधेऽत्र देशे तु यात्रा तेषां सतां कथम् । भवेत्कथं च भगवंस्त्वदाज्ञापरिपालनम् ।। ३६
यथा त्वद्दर्शनं तेषां भवेत्त्वत्पादचेतसाम् । तथा कुरु त्वं कृपया ममेत्येतद्धि याचितम् ।। ३७
હે ભગવાન ! આવા દયા વગરના આ પ્રદેશમાં ઉદ્ધવસંપ્રદાયના સંતોની યાત્રા કેમ થશે ? અને યાત્રા કરવી એવી તમારી આજ્ઞાનું પાલન પણ કેમ થશે ? મને તો એમ જણાય છે કે એ શક્ય નથી.૩૬
માટે તમારા ચરણકમળનું સેવન કરનારા સંતોને જે પ્રકારે તમારૂં દર્શન થાય, તેવી કૃપા કરો. આવી મારી અંતરની અભિલાષા સાથે આ મારી માગણી છે.૩૭
सुव्रत उवाच -
इति स्तुतः प्रार्थितश्च मुनिना तेन स प्रभुः । प्रीणयंस्तमुवाचेदं नृपते ! भक्तवत्सलः ।। ३८
श्री भगवानुवाच -
त्वया यत्प्रार्थितं भद्र ! तत्करिष्याम्यसंशयम् । मद्दर्शनं सतां तेषामिह न स्यादिति ध्रुवम् ।। ३९
अत्रातिनिर्दयाः सन्ति तैर्थिका धनलोलुपाः । द्रुह्यन्ति मम भक्तेभ्यस्तेभ्यो जानामि निश्चितम् ।। ४०
अतो वृत्तालयपुरे लक्ष्मीनारायणस्य मे । मूर्तिर्भवति या तस्यामेत्य दास्ये स्वदर्शनम् ।। ४१
ददामि दर्शनं यद्वदिह तत्र तथैव हि । दास्ये स्वदर्शनं तेभ्यो लक्ष्मीनारायणाख्यया ।। ४२
ततश्च द्वारिकायात्रा तेषां तत्रैव सेत्स्यति । अत्र ते मास्तु सन्देहो यत्राहं तत्र सा यतः ।। ४३
अद्य गच्छ त्वमायामीत्युक्त्वा सोऽन्तर्दधे प्रभुः । सोऽप्यद्बुतं तदालक्ष्य विस्मितोऽस्थात्क्षणं नृप ! ४४
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાની સ્તુતિ-પ્રાર્થના કરીને જ્યારે માગણી કરી ત્યારે ભક્તવત્સલ શ્રીકૃષ્ણ ભગવાન સચ્ચિદાનંદ સ્વામીને રાજી કરતા કહેવા લાગ્યા.૩૮
હે સર્વના કલ્યાણકારી સંત ! તમે જે પ્રાર્થના કરી છે તેને હું ચોક્કસ પૂર્ણ કરીશ. તેમાં તમારે જરાય સંશય કરવો નહિ. અને આ દ્વારિકાપુરીમાં તે ઉદ્ધવ સંપ્રદાયના સંતોને મારૂં દર્શન તો સો એ સો ઉપાયે પણ શક્ય નથી એ સત્ય હકીકત છે.૩૯
આ ક્ષેત્રમાં તો અતિશય નિર્દય અને ધનલોલુપ તીર્થવાસી ગૂગળીજનો વસે છે. તે સર્વે મારા ભક્ત એવા ઉદ્ધવસંપ્રદાયના સંતોનો દ્રોહ પણ કરે છે એ હું જાણું છું.૪૧
તેથી હે મુનિ ! વડતાલપુરમાં શ્રીલક્ષ્મીનારાયણ સ્વરૂપની જે મારી મૂર્તિ સ્થાપન કરવામાં આવી છે, તે મૂર્તિમાં હું પ્રગટપણે આવીને મારૂં દર્શન આપીશ. જે પ્રકારે હું અહીં સર્વેને દર્શન આપું છું. તે જ રીતે હવેથી વડતાલપુરમાં શ્રીલક્ષ્મીનારાયણ સ્વરૂપે રહીને સર્વેને મારૂં દર્શન આપીશ.૪૨
ત્યાં મારા દર્શનથી સંતોને દ્વારિકાની યાત્રા વડતાલમાં જ સિદ્ધ થશે. આ મારા વચનમાં તમારે કોઇ સંશય કરવો નહિ. કારણ કે રૂક્મિણીની સાથે હું જ્યાં પણ જઇને વસુ છું, ત્યાં જ દ્વારિકાક્ષેત્ર સાથે વસે છે.૪૩
હે મુનિ ! તમે આજે જ પ્રયાણ કરો, હું તમારી સાથે જ અત્યારે ચાલું છું. હે રાજન્ ! શ્રીકૃષ્ણ ભગવાન આ પ્રમાણે કહીને ત્યાં જ અંતર્ધાન થયા. તે સચ્ચિદાનંદ સ્વામી પણ આવું અદ્ભૂત આશ્ચર્ય નિહાળી એકક્ષણ તો અતિશય વિસ્મય પામી ગયા ને ત્યાંજ સ્થિરપણે ઊભા રહ્યા.૪૪
लीलैव स्वप्रभोरेषा भवतीत्यवधार्य सः । कस्मैचिदपि तद्वार्तां न ब्रुवन्निरगात्ततः ।। ४५
पुरुधृतिरतिभक्तिमानस साक्षाद्यदुपतिवीक्षणलब्धभूरिमोदः ।
गजवरगमनो मुनिः स्मरंस्तं झटिति जगाम पुनश्च गोमतीं ताम् ।। ४६ ।।
હે રાજન્ ! પછી સચ્ચિદાનંદ સ્વામીએ આવું આશ્ચર્ય નિહાળી મનમાં નક્કી કર્યું કે, આ બધી મારા પ્રભુ શ્રીહરિની જ લીલા છે. પછી આ વૃત્તાંતને કોઇને પણ કહ્યા વિના તે બેટદ્વારકાથી નીકળી ચાલતા થયા.૪૫
અતિશય ધીરજશાળી અને ભક્તિવાળા સચ્ચિદાનંદ સ્વામી ભગવાનના પ્રત્યક્ષ દર્શનથી આનંદઘેલા થયેલા માર્ગમાં શ્રી દ્વારિકેશ ભગવાનનું સ્મરણ કરતા ફરી ગોમતી તીરે આવ્યા.૪૬
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे वृत्तालयमाहात्म्ये द्वारिकानाथदर्शनतद्वरप्राप्तिनिरूपणनामैकत्रिंशोऽध्यायः ।। ३१ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં સચ્ચિદાનંદ સ્વામીએ દ્વારિકાધીશની સ્તુતિ પ્રાર્થના કરી વરદાન મેળવ્યું એ નામે એકત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૧--