ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત સાંભળવાની અંતરમાં ઇચ્છા કરી. શ્રીહરિએ કહેલું કથાશ્રવણનું માહાત્મ્ય. ઉત્તમરાજાના પૂછવાથી શ્રીહરિએ કહેલો કથાશ્રવણનો વિધિ. સભામાં બેસવાની મર્યાદા. વક્તાનાં લક્ષણો. કોની આગળ કથા કરવી અને ન કરવી ?
सुव्रत उवाच -
स्वगृहे निवसन्तं तं निर्दम्भोऽभयनन्दनः । सिषेधे परया भक्त्या सकुटुम्बोऽन्वहं नृप ! ।। १
तत्प्रीतये स कृतवानन्नकूटमहोत्सवम् । प्रबोधन्युत्सवं चापि पूर्ववद्विस्मयावहम् ।। २
भक्तं सपरिवारं तं सुखयन्भगवानपि । भक्तान्देशान्तरेभ्यः स्वानाह्वाय्यचीकरञ्च तौ ।। ३
प्रबोधन्युत्सवेऽतीते स्वस्वदेशं गतेषु च । देशान्तरीयलोकेषु भगवान् लोकभावनः ।। ४
वेदोक्तां स्थापयन्नेव मर्यादां स्वाश्रितेषु सः । पुराणश्रवणारम्भमचिकीर्षञ्च सर्ववित् ।। ५
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પોતાના કુટુંબ પરિવારે સહિત અભયનંદન ઉત્તમરાજા પોતાના રાજભવનમાં નિવાસ કરતા ભક્તવત્સલ ભગવાન શ્રીહરિની નિષ્કપટભાવે પરમ ભક્તિભાવની સાથે પ્રતિદિન સેવા કરવા લાગ્યા.૧
હે રાજન્! તે ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે સૌને વિસ્મય પમાડે તેવા સંવત ૧૮૭૬ના વર્ષના અન્નકૂટ મહોત્સવ તથા પ્રબોધની ઉત્સવ પણ પૂર્વની માફક જ ઉજવ્યા.ર
સકલ ઐશ્વર્યે સંપન્ન ભગવાન શ્રીહરિ પણ દેશદેશાંતરમાંથી પોતાના અનંત ભક્તજનોને તે ઉત્સવો ઉપર બોલાવી પોતાના પરિવારે સહિત એકાંતિક ભક્ત એવા ઉત્તમ રાજાને ખૂબ જ આનંદ પમાડી તેના દ્વારા તે બન્ને મહોત્સવો ઉજવાવ્યા.૩
હે રાજન્ ! પ્રબોધનીનો મહોત્સવ જ્યારે પૂર્ણ થયો ત્યારે દેશાંતરમાંથી આવેલા ભક્તજનો પોતપોતાના દેશ પ્રત્યે જવા રવાના થયા અને વેદોક્ત ધર્મનું પોતાના જીવનમાં આચરણ કરીને લોકોના જીવનમાં પ્રચાર પ્રસાર કરી સમગ્ર લોકોનું પાલનપોષણ કરતા ભગવાન શ્રીહરિએ વેદોક્ત ધર્મમર્યાદાનું પોતાના ભક્તજનોમાં સ્થાપન કરવા માટે સ્વયં સર્વજ્ઞા હોવા છતાં પણ શ્રીમદ્ ભાગવત પુરાણનું શ્રવણ કરવાનો પ્રારંભ કરવાની ઇચ્છા કરી.૪-૫
उषस्युत्थाय षष्ठयां च प्रातःकृत्यं विधाय सः । आकारयत्पुराणज्ञां प्रयागजितमीश्वरः ।। ६
स्वमन्दिरबहिर्वेद्यामासने स उपाविशत् । तत्र पौराणिकश्चान्ये पार्षदाद्या उपाययुः ।। ७
यथोचितं सभायां ते निषेदुश्च व्यवस्थया । ततः स भगवानूचे मयरामद्विजं प्रति ।। ८
श्रीनारायणमुनिरुवाच-शृणु त्वं ब्राह्मणश्रेष्ठ ! ज्योतिः शास्त्रविशारद ! । मासोऽयं मार्गशीर्षोऽस्तिमासानामुत्तमः किल ।। ९
विभूतिर्वासुदेवस्य कथितोऽसौ महर्षिभिः । पुराणश्रवणं कर्तुमत्रेच्छास्ति मम द्विज ! ।। १०
तदारम्भमुहूर्तं त्वं यथाशास्त्रं वदाधुना । निरन्तराया सिद्धिः स्याद्यत्रारम्भे कृते सति ।। ११
હે રાજન્ ! પરમેશ્વર ભગવાન શ્રીહરિએ સંવત ૧૮૭૭ ના માગસર સુદ છઠ્ઠના દિવસે પ્રાતઃકાળે જાગ્રત થઇ સ્નાન સંધ્યાદિ નિત્ય કર્મ કરી પુરાણોના જાણકાર પ્રાગજી પુરાણીને બોલાવ્યા.૬
અને સ્વયં શ્રીહરિ પોતાના મંદિરથી બહાર આવી સ્થાપન કરેલા આસન ઉપર વિરાજમાન થયા. ત્યારે તે સ્થળે પ્રાગજી પુરાણી તથા અન્ય પાર્ષદો અને ભક્તજનો પણ આવી પોતપોતાની મર્યાદા પ્રમાણે બેસી ગયા. ત્યારે શ્રીહરિ મયારામ વિપ્રને કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ! હે જ્યોતિષ શાસ્ત્ર વિશારદ ! તમે મારું વચન સાંભળો. આ માગશર માસ સર્વે માસમાં ઉત્તમ કહેવાય છે.૭-૯
હે દ્વિજ ! વ્યાસાદિ મહર્ષિઓએ આ માગસર મહિનાને શ્રીવાસુદેવ ભગવાનની વિભૂતિ સ્વરૂપ કહ્યો છે. આવા સર્વોત્તમ મહિનામાં મારે ભાગવત પુરાણ શ્રવણ કરવાની ઇચ્છા વર્તે છે.૧૦
તેથી જે મુહૂર્તમાં પ્રારંભ કરવાથી પુરાણ શ્રવણની નિર્વિઘ્ન સિદ્ધિ થાય તેવું મુહૂર્ત તમે અત્યારે જ શાસ્ત્રાનુસાર નિર્ણય કરીને મને જણાવો.૧૧
पञ्चाङ्गपत्रं निष्कास्य स तदा स्थूलवेष्टनात् । दृा प्राह हरिं स्वामिन् ! मुहूर्तः श्वोऽस्ति तादृशः ।। १२
योगोऽस्ति मित्रसंज्ञो यद्धनिष्ठाबुधवारयोः । पुराणश्रवणारम्भस्तत्र कार्यस्त्वया प्रभो ! ।। १३
इत्युक्ते तेन भगवान् प्राह पौराणिकं वचः । प्रारम्भः श्वोऽस्ति कर्तव्यः श्रीमद्बागवतस्य मे ।। १४
उषस्युत्थाय कर्तव्यं दिनाद्यप्रहरावधि । त्वयाऽस्माभिश्च विप्रर्षे ! नैत्यकं कर्म चान्वहम् ।। १५
ततः कथायाः प्रारम्भं कृत्वा मध्याह्न एव सा । समापनीया च ततः कार्यो माध्याह्विको विधिः ।। १६
पुनस्तृतीययामान्ते सायंसन्ध्यावधि द्विज ! । प्रारभ्य च समाप्या सा भवतो रुचिरस्ति चेत् ।। १७
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનું વચન સાંભળી મયારામ વિપ્ર પોતાની મોટી પાઘડીમાંથી પંચાગપત્ર કાઢી મુહૂર્તનો નિર્ણય કરીને શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! એવું મુહૂર્ત તો આવતી કાલે જ છે.૧૨
હે પ્રભુ ! જે મુહૂર્તમાં ધનિષ્ઠા નક્ષત્ર અને બુધવારનો યોગ વર્તતો હોય તે યોગને ''મિત્ર'' નામનો યોગ કહેલો છે. સપ્તમી તિથિ અને બુધવારનો યોગ હોવાથી સિદ્ધિયોગ પણ છે. આવા સુંદર યોગમાં તમારે પુરાણ શ્રવણનો પ્રારંભ કરવો યોગ્ય છે.૧૩
હે રાજન્ ! મયારામ વિપ્રે આ પ્રમાણે કહ્યું તેથી ભગવાન શ્રીહરિ પોતાની આગળ જ સભામાં બેઠેલા પ્રાગજી પુરાણી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પુરાણી ! આવતી કાલે મારે શ્રીમદ્ભાગવત પુરાણની કથા સાંભળવાનો પ્રારંભ કરવો છે.૧૪
હે વિપ્ર ! આપણે બન્નેને પ્રાતઃકાળમાં ઉઠીને દિવસના પ્રારંભ પ્રહર સુધીમાં સ્નાન સંધ્યાદિ નિત્યકર્મ પ્રતિદિન કરી લેવું.૧૫
ત્યારપછી કથાનો પ્રારંભ કરવો ને મધ્યાહ્ન સમયે સમાપ્તિ કરવી. ત્યારપછી મધ્યાહ્નકાલિન વિધિ કરવો.૧૬
હે દ્વિજ ! ફરી ત્રીજા પ્રહરને અંતે કથાનો પ્રારંભ કરવો ને સાયંકાળની સંધ્યા સુધી કથા વાંચવી. ત્યારપછી કથાની સમાપ્તિ કરવી. આ બાબતમાં તમારી કેવી રુચિ છે ? તે જણાવો.૧૭
पौराणिक उवाच-
एवमेव करिष्यामि कृपानाथाहमन्वहम् । वाचयिष्ये यथाकालं कथामत्र दृढासनः ।। १८
विश्रान्तिर्या कृता मध्ये त्वया स्वामिंस्तया मम । जातं मनः प्रसन्नं वै देहक्लेशोऽन्यथा भवेत् ।। १९
आगम्यतां श्व इत्युक्त्वा ततस्तं भगवान्निजान् । भक्तान् पुराणश्रोतृंश्च जगादानन्दयन् वचः ।। २०
હે રાજન્ ! શ્રીહરિએ આ પ્રમાણે પ્રાગજી પુરાણીને કહ્યું ત્યારે અત્યંત ઉત્સાહમાં આવેલા પુરાણી કહેવા લાગ્યા કે, હે કૃપાનાથ ! તમારા કહેવા પ્રમાણે જ હું પ્રતિદિન દૃઢ સ્થિર આસને બેસી સમયને અનુસારે તમારી આગળ કથા વાંચીશ.૧૮
હે સ્વામિન્ ! તમે કથાના મધ્યભાગે જે વિશ્રાંતિનો અવકાશ રાખ્યો છે. તેનાથી મારું મન અત્યંત પ્રસન્ન છે. નહીં તો શરીરને કષ્ટ થાય એ નિશ્ચિત વાત છે.૧૯
આ પ્રમાણે પુરાણીનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ તેમને કહ્યું કે, આવતી કાલથી કથા વાંચવા આવજો. ને ત્યારપછી કથા સાંભળવાની ઇચ્છાવાળા પોતાના ભક્તજનો પ્રત્યે આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા.૨૦
श्रीनारायणामुनिरुवाच-
भक्ताः ! शृणुत भद्रं वः सर्वेषां हितमुच्यते । पुराणश्रवणं कार्यं सर्वैरेव मदाश्रितैः ।। २१
चतुर्णामपि वर्णानां तथैवाश्रमिणामपि । अधिकारो भवत्येव पुराणश्रवणे सदा ।। २२
एष साधारणः पन्थाः साक्षात्सर्वार्थसिद्धिदः । मुनिजनैः प्रोक्तो देवैरपि सुपूजितः ।। २३
स्वरूपबोधो न हरेः कथायाः श्रवणं विना । भवेन्नृणां विना तं च कथं स्यात्संसृतिक्षयः ।। २४
तस्माद्व्यासकृतानां हि पुराणानां निरन्तरम् । श्रवणं भारतस्यापि कार्यं रामायणस्य च ।। २५
अज्ञानतिमिरान्धानां दीपोऽयं ज्ञानसिद्धिदः । पुराणश्रवणं विष्णोरौषधं भवरोगिणाम् ।। २६
सर्वथैवात्मनः श्रेयो येऽभिवाच्छन्ति देहिनः । ते शृण्वन्तु सदा भक्त्या कथां पौराणिकीं शुभाम् ।। २७
अशक्तो यः सदा श्रोतुं कथां भगवतः स तु । मुहूर्तं वापि शृणुयान्नियतात्मा दिनेदिने ।। २८
શ્રીહરિએ કહેલું કથાશ્રવણનું માહાત્મ્ય :- ભગવાન શ્રી નારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! મારું વચન તમે સાંભળો, તમારું સર્વેનું કલ્યાણ થાઓ. હું તમારા સર્વેને માટે હિતકારી વચન કહું છું કે, મારા આશ્રિત સર્વે ભક્તજનોએ પુરાણનું શ્રવણ અવશ્ય કરવું.૨૧
બ્રાહ્મણાદિ ચારે વર્ણના તથા બ્રહ્મચર્યાદિ ચારે આશ્રમના મનુષ્યોને શ્રીમદ્ભાગવત આદિ સર્વ પુરાણોના શ્રવણનો સદાય અધિકાર રહેલો છે.૨૨
આ કથા શ્રવણના માર્ગને સર્વ સાધારણ જનતા માટે મહામુનિજનોએ સકલ પુરુષાર્થની પ્રત્યક્ષ સિદ્ધિ માટે ધોરીમાર્ગ કહેલો છે. અને દેવતાઓ પણ આ માર્ગનો અતિ આદર કરે છે.૨૩
કારણ કે કથાશ્રવણ વિના મનુષ્યને ભગવાન શ્રીહરિના સ્વરૂપનું મહાત્મ્યજ્ઞાને સહિત યથાર્થજ્ઞાન થતું નથી. અને ભગવાનના જ્ઞાન વિના જન્મમરણના પ્રવાહરૂપ સંસૃતિની નિવૃત્તિ કેમ થાય ? ન જ થાય.૨૪
હે ભક્તજનો ! તેટલા માટે જ ભગવાન વ્યાસજીએ રચેલા શ્રીમદ્ભાગવતાદિ પુરાણો તથા મહાભારત અને વાલ્મીકમુનિએ રચેલા રામાયણાદિ ઇતિહાસોનું પણ શ્રવણ નિરંતર કરવું જોઇએ.૨૫
કારણ કે, પુરાણોનું શ્રવણ ભગવદ્સ્વરૂપના અજ્ઞાનરૂપી અંધકારથી અંધદશામાં જીવતા મનુષ્યોને માટે ભગવાનના જ્ઞાનની સિદ્ધિ કરાવનાર દીપસ્વરૂપ છે. તેમજ સંસૃતિરૂપ મહારોગમાં ઘેરાયેલા મનુષ્યોને માટે મહા ઔષધીરૂપ છે.૨૬
જે દેહધારી મનુષ્યો સર્વપ્રકારે પોતાનું કલ્યાણ ઇચ્છતા હોય તેમણે આ પુરાણોની પવિત્ર કથાઓ નિરંતર સાંભળવી.૨૭
જે મનુષ્યો ભગવાનની આ કથા પ્રતિદિન નિરંતર સાંભળવા માટે અસમર્થ હોય તેમણે સ્થિર મન કરીને દિવસમાં માત્ર એક મુહૂૂર્ત કે અર્ધમુહૂર્ત પણ કથા શ્રવણ કરવું.૨૮
यस्तु प्रतिदिनं श्रोतुमशक्तः सोऽपि मानवः । पुण्यमासेषु शृणुयात्पुण्यासु च तिथिष्वति ।। २९
मुहूर्तं वा तदर्धं वा क्षणं वा पावनीं कथाम् । ये शृण्वन्ति नरा भक्त्या न तेषांमस्ति दुर्गतिः ।। ३०
यत्फलं सर्वयज्ञोषु सर्वदानेषु यत्फलम् । भक्त्या पुराणश्रवणात्तत्फलं विन्दते नरः ।। ३१
कलौ युगे विशेषेण पुराणश्रवणादृते । नास्ति धर्मः परः पुंसां नास्ति मोक्षपथः परः ।। ३२
कलौ हीनायुषो मर्त्या दुर्बलाः श्रमपीडिताः । दुर्मेधसो दुःखभाजो धर्माचारविवर्जिताः ।। ३३
इति सञ्चिन्त्य कृपया भगवान्बादरायणः । हिताय तेषां विदधे पुराणाख्यं रसायनम् ।। ३४
હે ભક્તજનો ! જે મનુષ્યો આ રીતે પ્રતિદિન કથા શ્રવણ કરવા અસમર્થ હોય તેમણે પવિત્રમાસ કે એકાદશી જેવી પવિત્ર તિથિએ પણ કથાનું શ્રવણ કરવું.૨૯
જે મનુષ્યો મુહૂર્ત કે અર્ધમુહૂર્ત કે માત્ર ક્ષણવારનો પણ સમય કાઢીને ભક્તિભાવ પૂર્વક આ પાવનકારી ભગવદ્કથાનું શ્રવણ કરે છે. તે મનુષ્યોની ક્યારેય પણ દુર્ગતિ થતી નથી.૩૦
જે ફળ સર્વ યજ્ઞો કરવાથી કે સર્વ પ્રકારનાં દાન આપવાથી પ્રાપ્ત થાય છે. તે ફળ મનુષ્યોને ભાવપૂર્વક માત્ર પુરાણોની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે.૩૧
હે ભક્તજનો ! આ કળિયુગમાં તો વિશેષપણે કરીને મનુષ્યોને માટે પુરાણશ્રવણ સિવાય અન્ય કોઇ શ્રેષ્ઠ ધર્મ કહ્યો નથી. તેમજ મોક્ષનો માર્ગ પણ આનાથી બીજો કોઇ કહ્યો નથી.૩૩
સાધારણપણે બીજા યુગની અપેક્ષાએ કલિયુગમાં મનુષ્યો અલ્પ આયુષ્યવાળા અને અલ્પ સામર્થ્યવાળા હોય છે. અનેક પ્રકારના પરિશ્રમથી પીડિત હોય છે. કુબુદ્ધિવાળા અને આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ કષ્ટને ભોગવનારા હોય છે. તેમજ પોતપોતાના વર્ણાશ્રમને ઉચિત સદાચારનું પાલન કરતા હોતા નથી. આવા પ્રકારનો પોતાના મનમાં વિચાર કરીને જ ભગવાન વેદવ્યાસજીએ આવા મનુષ્યોના કલ્યાણને માટે કૃપા કરીને શ્રીમદ્ભાગવત આદિ પુરાણોરૂપી ઔષધનું નિર્માણ કરેલું છે.૩૪
पिबन्नेवामृतं यत्नादेकः स्यादजरामरः । पुराणामृतपः कुर्यात्कुलमप्यजरामरम् ।। ३५
विना पुराणश्रवणं नरः पशुसमो मतः । तस्मादवश्यं यत्कार्यं विधिना स्वहितार्थिभिः ।। ३६
હે ભક્તજનો ! મહા પ્રયત્ને કોઇ મનુષ્ય અમૃતપાન કરે, તો તે પાનકરનારો માત્ર એક મનુષ્ય જ અજર અમર થાય છે. પરંતુ પુરાણોની કથામૃતનું પાન કરનારો તો પોતાના સમગ્ર કુળને પણ અજર અમર કરે છે.૩૫
પુરાણોની કથા વિનાનું મનુષ્યનું જીવન પશુ સમાન કહેલું છે. તેથી પોતાનું હિત ઇચ્છનાર મનુષ્યોએ વિધિપૂર્વક કથાનું શ્રવણ તો અવશ્ય કરવું.૩૬
सुव्रत उवाच -
इत्युक्तवन्तं तं नत्वा हरिमुत्तमभूपतिः । पप्रच्छ प्राञ्चलिर्भक्त्या पुराणश्रवणोत्सुकः ।। ३७
राजोवाच-
पुराणश्रवणस्येश ! श्रोतुमिच्छाम्यहं विधिम् । कस्मिन्काले च तत्कार्यं देशे कीदृग्विधे तथा ।। ३८
वक्ता पुराणस्य विभो ! कीदृशः परिकीर्तितः । श्रोतारः कीदृशाश्च स्युः किं देयं तैः समापने ।। ३९
एतन्मे ब्रूहि भगवन्निति पृष्टो नृपेण सः । सर्वेषां शृण्वतामूचे तच्छुश्रूषां विदन् विभुः ।। ४०
ઉત્તમરાજાના પૂછવાથી શ્રીહરિએ કહેલો કથાશ્રવણનો વિધિ :- સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું ત્યારે પુરાણોની કથા શ્રવણની ઉત્કંઠા ધરાવતા ઉત્તમરાજા ભગવાન શ્રીહરિને બેહાથ જોડી નમસ્કાર કરી ભક્તિભાવપૂર્વક પૂછવા લાગ્યા.૩૭
હે ઇશ્વર ! હું પુરાણશ્રવણનો વિધિ સાંભળવા ઇચ્છુ છું. તો તે પુરાણોની કથાનું શ્રવણ ક્યારે કરવું જોઇએ ? તથા ક્યાં બેસીને કરવું ?૩૮
હે વિભુસ્વરૂપ શ્રીહરિ ! પુરાણોની કથાના વક્તા અને શ્રોતાઓ કેવા હોવા જોઇએ ? પુરાણ કથાની સમાપ્તિમાં શ્રોતાઓએ વક્તાને શું આપવું જોઇએ ?૩૯
હે ભગવાન ! મને આવા પ્રશ્નો થાય છે તો આપ મને યથાર્થ ઉત્તર આપો. હે રાજન્ ! આ પ્રમાણે ઉત્તમરાજાએ જ્યારે પૂછયું, ત્યારે પ્રશ્નોના ઉત્તર આપવામાં સમર્થ ભગવાન શ્રીહરિ તેમની શ્રવણ ઇચ્છાને બરાબર જાણતા હોવાથી સભામાં બેઠેલા સર્વે ભક્તજનોના સાંભળતાં કહેવા લાગ્યા.૪૦
श्री नारायणमुनिरुवाच -
सर्वपापविनिमुक्तिकरणे यस्य मानसम् । भवेत्तेनादरान्नित्यं पुराणं श्रव्यमुत्तमम् ।। ४१
आनुकूल्यं न चेन्नित्यं तदावश्यं पुमान्नृप ! । पुराणश्रवणं कुर्याञ्चातुर्मास्ये च पर्वसु ।। ४२
विधानं तस्य यद्राजन्यथोक्तफलदायकम् । तत्स्कान्दादिपुराणोक्तं कथयामि समासतः ।। ४३
कृताह्निकः समाहूय वक्तारं शास्त्रकोविदम् । सम्भाव्यासनदानेन नमस्कुर्यात्तमादरात् ।। ४४
उच्चासने पुस्तकं च संस्थाप्यैव ततोऽवरे । व्यासासनेऽतिमृदुले वक्तारमुपवेशयेत् ।। ४५
सम्पूज्य पुस्तकं त्वादौ ततो वक्तारमर्चयेत् । चन्दनेनाक्षतैः पौष्पैर्हाराद्यैर्धूपदीपकैः ।। ४६
नैवेद्यफलताम्बूलदक्षिणाभिश्च भक्तितः । सम्पूज्यारार्त्रिकं कृत्वा नमस्कुर्वीत सादरम् ।। ४७
नमस्ते भगवन्व्यास ! वेदशास्त्रार्थकोविद ! । ब्रह्मविष्णुमहेशानां मूर्ते ! सत्यवतीसुत ! ।। ४८
શ્રીનારાયણમુનિ કહે છે, હે ઉત્તમભૂપતિ ! જેનું મન સર્વપ્રકારના પાપોથકી મુક્તિ ઇચ્છતું હોય તે મનુષ્યે નિરંતર આદરપૂર્વક પુરાણ કથાનું શ્રવણ કરવું.૪૧
હે નૃપ ! જો નિરંતર કથા શ્રવણ કરવાની અનુકુળતા ન હોય તો મનુષ્યે ચાતુર્માસમાં કે પર્વના દિવસોમાં અવશ્ય શ્રવણ કરવું.૪૨
હે રાજન્ ! યથાર્થ ફળને આપનારું જે જે પુરાણનું શ્રવણ ફળ તે તે સ્કંદાદિ પુરાણોમાં વિધાન કરેલું છે. તે હું તમને સંક્ષેપથી સંભળાવું છું.૪૩
હે રાજન્ ! શ્રોતાજનોએ પ્રથમ આહ્નિક વિધિ પૂર્ણ કરીને સકલ શાસ્ત્રોના અર્થને જાણનારા પુરાણી વક્તાને આમંત્રણ આપવું. અને તે પધારે ત્યારે આદરપૂર્વક તેમને નમસ્કાર કરવા.૪૪
પછી સર્વથી ઊંચી પીઠ ઉપર પુસ્તકને પધરાવવું અને તેનાથી થોડી નીચેની અતિશય કોમળ વ્યાસપીઠ ઉપર વક્તા-પુરાણીને બેસાડવા.૪૫
પ્રથમ પુસ્તકનું પૂજન કરી પછીથી વક્તાનું પૂજન કરવું, તે પૂજનમાં પ્રથમ ચંદન, ચોખા, સુગંધીમાન પુષ્પોના હાર, તોરા, બાજુબંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફુલ, તાંબૂલ અને દક્ષિણાવડે ભક્તિભાવપૂર્વક પૂજન કરીને આરતી ઉતારવી ને ત્યારપછી પ્રથમ પુસ્તકને નમસ્કાર કરીને વક્તાને નમસ્કાર કરીને મંત્ર બોલવો કે, હે ભગવાન ! હે વેદવ્યાસસ્વરૂપ વક્તા મહોદયશ્રી! હે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિ સ્વરૂપ ! હે સત્યવતીના પુત્રસ્વરૂપ ! તમને અમારા નમસ્કાર છે.૪૬-૪૮
मन्त्रेणानेन वक्तारं नमस्कृत्य ततो नृप ! । श्रोतृन्विप्रान्सतश्चार्चेन्मुख्यः श्रोता यथोचितम् ।। ४९
आसनादवरे वक्तुरुपविश्यासने ततः । पुराणं शृणुयुः सर्वे नत्वा तं स्वस्थमानसाः ।। ५०
उपवेश्यं ब्राह्मणानां पृष्ठतस्तत्र बाहुजैः । तेषां च पृष्ठतो वैश्यैस्तेषां शूद्रैश्च संसदि ।। ५१
ये च सङ्करजातीयाः शूद्राणां पृष्ठतस्तु तैः । मर्यादयैवोपविश्य श्रोतव्या भगवत्कथाः ।। ५२
ज्ञानवृद्धास्तपोवृद्धा ब्रह्मनिष्ठाश्च ये द्विजाः । उपवेश्याः श्रोतृभिस्ते सर्वेषामग्रतो नरैः ।। ५३
धनुर्मानान्तरे पुम्भ्यः स्त्रीभिश्चापि महीपते ! । मर्यादयैवोपवेश्यं तत्र श्रोतुं हरेः कथाः ।। ५४
पत्रं पुष्पं फलं वापि रौप्यकं ताम्रढब्बुकम् । निवेद्य वा धान्यमुष्टिं वक्रे तु शृणुयात्कथाम्। ।। ५५
સભામાં બેસવાની મર્યાદા :- હે ઉત્તમભૂપ ! આ પ્રમાણેનો મંત્ર બોલી વક્તાને નમસ્કાર કરવા ને ત્યારપછી મુખ્ય શ્રોતાએ કથા સાંભળવા બેઠેલા વિપ્રો અને સંતોનું યથાયોગ્ય પ્રમાણે પૂજન કરવું.૪૯
ત્યારપછી વક્તાના આસનથી નીચે આસને બેસી સર્વ શ્રોતાજનોએ સ્વસ્થ મને વક્તાશ્રીને નમસ્કાર કરવા અને પુરાણની કથા સાંભળવી.૫૦
તે સભામાં બ્રાહ્મણોને સર્વ કરતાં આગળ બેસાડવા અને તેમની પાછળ ક્ષત્રિયોએ બેસવું .તેમની પાછળ વૈશ્યોને બેસાડવા અને તેમની પાછળ શૂદ્રોને બેસાડવા અને જે વર્ણસંકર જાતિના હોય તેમણે શૂદ્રોથી પણ પાછળ બેસવું, આ પ્રમાણેની પોતપોતાની મર્યાદામાં બેસીને કથા સાંભળવી.૫૧-૫૨
હે રાજન્ ! સર્વ શ્રોતાઓની મધ્યે જે બ્રાહ્મણો જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને બ્રહ્મનિષ્ષ્ઠ હોય તેમને સર્વ કરતાં આગળ બેસાડવા.૫૩
હે મહિપતિ ! સ્ત્રીઓએ પણ તે સભામાં પુરુષો કરતાં એક ધનુષ-ચારહાથ દૂર પ્રદેશમાં મર્યાદાપૂર્વક બેસવું.૫૪
અને જ્યારે કથા સાંભળવા બેસવું ત્યારે વક્તાને પત્ર, પુષ્પ, ફુલ, રૂપિયો, તામ્રનો ઢબુ, ધનની મૂઠી કે જે કાંઇ પણ ભેટ મૂકીને સર્વે શ્રોતાઓએ કથા સાંભળવી.૫૫
बालो युवाऽथवा वृद्धो दरिद्रो दुर्बलोऽपि वा । पुराणज्ञाः सदा वन्द्यः पूज्यश्च सुकृतार्थिभिः ।। ५६
न प्राकृतमतिः कार्या पुराणज्ञो कदाचन । यस्य वक्त्रोद्ग वाणी कामधेनुः शरीरिणाम् ।। ५७
गुरवः सन्ति लोकस्य जन्मतो गुणतश्च ये । तेषामपि च सर्वेषां पुराणज्ञाः परो गुरुः ।। ५८
भवकोटिसहस्रेषु भूत्वा भूत्वावसीदते । यो ददाति हरेर्ज्ञानं कोऽन्यस्तस्मात्परो गुरुः ।। ५९
હે રાજન્ ! પુરાણનો વક્તા બાળક હોય, વૃદ્ધ કે યુવાન હોય અથવા દરિદ્ર કે શરીરે દુર્બળ હોય છતાં પણ પુણ્યની ઇચ્છાવાળા શ્રોતાઓએ સદાય તેમને વંદન કરવા અને પૂજા કરવી.૫૬
તે પુરાણીમાં ક્યારેય પણ સાધારણ મનુષ્યની બુદ્ધિ ન કરવી. કારણ કે, પુરાણી વક્તાના મુખથકી નીકળતી ભગવાનની કથારૂપ સરસ્વતી, કથા સાંભળવા બેઠેલા શ્રોતાઓને માટે કામધેનુની જેમ સમગ્ર પુરુષાર્થનું દોહન કરનારી છે.૫૭
જે જન્મથી, જાતિમાત્રથી કે વિદ્યા આદિક ગુણો વડે મનુષ્યોના ગુરુ સ્થાને વિરાજતા હોય છે. તેવા ગુરુઓની મધ્યે પણ જે પુરાણી વક્તા હોય તે શ્રેષ્ઠ ગુરુ કહેલો છે.૫૮
કારણ કે તે પુરાણી ચોરાસી લાખ યોનિમાં જન્મ ધારણ કરીને દુઃખ ભોગવતા મનુષ્યોને ભગવાનનું જ્ઞાન આપે છે. તેથી તેનાથી બીજો શ્રેષ્ઠ ગુરુ કોણ હોઇ શકે ? કોઇ નહીં.૫૯
पुराणज्ञाः शुचिः शान्तो दान्तो विजितमत्सरः । साधुः कारुण्यवान्वाग्मी जात्या विप्रः कथां वदेत् ६०
द्विजातिरन्यो यः प्राप्तो दीक्षां भागवतीं स तु । अष्टाङ्गब्रह्मचर्याढयो निर्लोभश्चेद्वदेत्कथाम् ।। ६१
व्यासासनं समारूढो यदा पौराणिको भवेत् । आसमाप्तेस्तदा कञ्चिन्नमस्कुर्यान्न भूपते ! ।। ६२
एकान्तिका हरेर्भक्ता हरिर्वा मानुषाकृतिः । तत्रागच्छेद्यदि तदा नमस्कृर्वीत तांश्च तम् ।। ६३
વક્તાનાં લક્ષણો :- હે રાજન્ ! જે વક્તા બહાર તથા અંદર પવિત્ર હોય, અંદર તથા બહાર ઇન્દ્રિયોને વશ કરી શાંત વર્તતા હોય, મત્સરને જીતી લીધો હોય, સદાચારવાળો હોય, લોકો ઉપર દયાળુ સ્વભાવે વર્તતા હોય, વાચાળ અને જાતિએ કરીને વિપ્ર હોય, એવા પુરાણીએ કથાનું વાંચન કરવું.૬૦
અથવા અષ્ટપ્રકારે બ્રહ્મચર્યવ્રતનું પાલન કરી લોભને છોડી દેનારા, તેમજ ભાગવતી દીક્ષાને પામેલા અન્ય કોઇ પણ ત્રણ વર્ણના દ્વિજાતિ પુરુષોએ પણ કથાનું વાંચન કરવું.૬૧
હે રાજન્ ! ઉપરોક્ત પ્રકારના કોઇ પણ પુરાણી વક્તા જ્યારે વ્યાસઆસન ઉપર આરુઢ થાય ત્યારથી માંડીને કથાની સમાપ્તિ સુધી વચ્ચે કોઇને પણ નમસ્કાર ન કરવા.૬૨
કદાચ કોઇ વખત ભગવાનના એકાંતિક મોટા ભક્તો આવે કે મનુષ્યાકૃતિ ધરી રહેલા સ્વયં પરમેશ્વર ભગવાન શ્રીહરિ સભામાં પધારે તો તેઓને વક્તાએ નમસ્કાર કરવા અને જો ન કરે તો બળભદ્રના આગમન વખતે વક્તા રોમહર્ષની જે દશા થઇ હતી તેવી દશા થવાની શક્યતા રહે તેથી નમસ્કાર કરવા.૬૩
ये धूर्ता ये च दुर्वृत्ता ये चान्यविजिगीषवः । तेषां कुटिलवृत्तीनामग्रे नैव वदेत्कथाम् ।। ६४
न दुर्जनसमाकीर्णे न शूद्रश्वापदाकुले । देशे न द्यूतसदने वदेत्पुण्यकथां सुधीः ।। ६५
सद्ग्रामे सद्बिराकीर्णे सुक्षेत्रे देवतालये । नदीतटे शुचौ गेहे कथा वाच्याऽशनालये ।। ६६
श्रद्धाभक्तिसमायुक्ता नान्यकार्येषु लालसाः । वाग्यताः शुचयोऽव्यग्राः श्रोतारः पुण्यभागिनः ।। ६७
पुराणं ये त्वसम्पूज्य गन्धाद्यैर्नमनेन वा । शृण्वन्ति च कथां भक्त्या दरिद्राः स्युर्नरास्तु ते ।। ६८
કોની આગળ કથા કરવી અને ન કરવી ? :- હે રાજન્ ! જે મનુષ્યોને છેતરનારા ધૂર્તજનો હોય, દુરાચારી હોય, કથા સાંભળ્યા પછી તે જ્ઞાન દ્વારા બીજાને જીતીને દબાવી દેવાની મનમાં ઇચ્છા ધરાવતો હોય, કુટિલ વર્તન રાખતા હોય, તેવા મનુષ્યોની આગળ ક્યારેય કથા ન કરવી.૬૪
વળી બુદ્ધિમાન વક્તાએ દુર્જનોથી ઘેરાયેલા પ્રદેશમાં આવી પવિત્ર ભગવદ્કથા ન કરવી. તેમજ નીચ જાતિના હલકા સ્વભાવના મનુષ્યોથી ઘેરાયેલા પ્રદેશમાં કે દ્યુતભવનમાં કથા ન કરવી.૬૫
પરંતુ સદાચારનિષ્ઠ પુરુષોના ગામમાં, કોઇ પુણ્યક્ષેત્રમાં, કોઇ દેવાલયમાં, ગંગાઆદિ નદીના તટ ઉપર, પવિત્ર ઘરે, ભોજનશાળામાં કથાનું વાંચન કરવું.૬૬
જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત હોય, કથા સમયે અન્ય કાર્ય કરવાની લાલસાનો ત્યાગ કરી, વાણીને નિયમમાં રાખીને બહાર અંદર પવિત્રપણે વર્તીને સ્થિર મને જે કથા સાંભળતા હોય તે જ શ્રોતાઓ પુણ્યના ભાગીદાર થાય છે.૬૭
જે મનુષ્યો ચંદન પુષ્પાદિક ઉપહાર વડે કે નમસ્કાર વડે પુરાણીનું પૂજન કર્યા વગર ભલેને ભક્તિભાવપૂર્વક કથા સાંભળે છે તે મનુષ્યો દરિદ્રી થાય છે.૬૮
कथायां कीर्त्यमानायां ये गच्छन्त्यन्यतो नराः । भोगकाले प्रणश्यन्ति तेषां दाराश्च सम्पदः ।। ६९
सोष्णीषैर्न कथा श्रव्या पूगताम्बूलभक्षणम् । श्रोतृभिर्नैव कर्तव्यं न तमालादिसेवनम् ।। ७०
तुङ्गासने नोपवेश्यं न च वक्तृसमासने । प्रौढपादैर्नोपवेश्यं नैव वीरासनेन च ।। ७१
वस्त्रवेष्टितपादैश्च नोपवेश्यं तथा क्वचित् । न शयानैः कथा श्रव्या दैहिकापदमन्तरा ।। ७२
હે રાજન્ ! જે મનુષ્યો કથા વંચાતી હોય તે દરમ્યાન બીજી જગ્યાએ ચાલ્યો જાય છે, તે મનુષ્યોની પત્ની અને સંપત્તિ તેના ઉપભોગના સમયે જ નાશ પામે છે.૬૯
માથા ઉપર પાઘડી બાંધી રાખીને કથા ન સાંભળવી, પાન સોપારી આદિ ચાવતાં ચાવતાં પણ કથા ન સાંભળવી, તમાકુ, ભાંગ, ગાંજો આદિ કેફ કરનાર દ્રવ્યોનું સેવન કરતાં કરતાં કથા ન સાંભળવી.૭૦
શ્રોતાજનોએ વક્તાથી ઊંચા આસન ઉપર બેસવું નહિ, તેમજ વક્તાના સરખા આસન ઉપર બેસવું નહિ, પગ લાંબા કરીને કે પગ ઉપર પગ ચઢાવીને કે પછી વીર આસને તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને પણ ક્યારેય બેસવું નહિ, તથા કોઇ દૈહિક આપત્તિ વિના સૂતાં સૂતાં પણ કથાનું શ્રવણ કરવું નહિ.૭૧-૭૨
स्त्रीणां मुखानि पश्यन्तो ये शृण्वन्ति कथां हरेः । कामिनस्ते तु पुरुषा भवन्ति ग्रामशूकराः ।। ७३
कथायां वर्तमानायामन्या वाचो वदन्ति ये । ते गर्दभाः प्रजायन्ते तथा वाददुराग्रहाः ।। ७४
कथायां श्रूयमाणायां विघ्नं कुर्वन्ति ये शठाः । पिशाचत्वं प्रपद्यन्ते ते नूनं नृपसत्तम ! ।। ७५
ये निन्दन्ति पुराणज्ञान्कथां वा पापनाशिनीम् । ते तु जन्मशतं मर्त्याः शुनकाः सम्भवन्ति हि ।। ७६
तस्मात्सविनयं राजन्सादरं च हरेः कथा । श्रो तव्या नियमेनैव यथा वक्तुः सुखं तथा ।। ७७
तैलेन गात्रं सम्मर्द्य स्नपनीयः पुराणवित् । अन्नैः सुमृष्टैः सरसैर्भोजनीयस्तथान्वहम् ।। ७८
देयं तस्मै च पूर्वा प्रत्यहं स्वरशुद्धये । सशर्करं तु गोक्षीरं गालितं कथितं तथा ।। ७९
खण्डपर्वस्कन्धपूर्तौ व्रताहेषु च पर्वसु । विशिष्टपूजा कर्तव्या देया शक्त्या च दक्षिणा ।। ८०
હે રાજન્ ! જે પુરુષો સ્ત્રીઓનાં મુખ જોતાં જોતાં હરિ કથા સાંભળે છે, તે પુરુષો ગામનાં ભૂંડ થાય છે.૭૩
જે મનુષ્યો કથા વંચાતી હોય એ દરમ્યાન બીજા સાથે વાતો કરે છે. તે પુરુષો બીજા જન્મે ગધેડાના જન્મને પામે છે. તેવીજ રીતે જે પુરુષો વક્તા સાથે વાદ કરવાનો દુરાગ્રહ સેવે છે, તે પણ બીજા જન્મે ગધેડાના જન્મને પામે છે.૭૪
હે રાજન્ ! જે શઠ પુરુષો ચાલુ કથાની વચ્ચે વિઘ્ન કરે છે, તે પુરુષો પિશાચપણાને પામે છે, એ નક્કી વાત છે.૭૫
હે રાજન્ ! જે મનુષ્યો પુરાણીની નિંદા કરે છે, અથવા પાપનો નાશ કરનારી કથાની જ નિંદા કરે છે. તે મનુષ્યો તો સો જન્મ સુધી કૂતરાના અવતારને પામે છે. એ નક્કી વાત છે.૭૬
તેથી વિનયસહિત આદરપૂર્વક વક્તાને જેમ સુખ થાય તેમ સમય અને સાવધાનીમાં વર્તીને,પ્રતિદિન શરીરપર તૈલમર્દન કરી સ્નાન કરાવવું અને પવિત્ર સ્વાદુ અન્નવડે ભોજન કરાવવું.૭૭-૭૮
પ્રતિદિન સવારે વક્તાના સ્વરની શુદ્ધિને માટે ગાળેલું અને સાકર નાખીને ઉકાળેલું ગાયનું દૂધ વક્તાને આપવું.૭૯
ખંડ, પર્વ, અંશ, સંહિતા કે કાંડ આદિકની સમાપ્તિ થાય ત્યારે કે વચ્ચે આવતા વ્રત કે પર્વના દિવસોમાં પણ વક્તાનું વિશેષ પૂજન કરવું. ને નિત્યપૂજન કરી વિશેષમાં પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા પણ આપવી.૮૦
समाप्तौ तु पुराणस्य कर्तव्यं पूजनं महत् । यथाशक्त्याखिलैर्देया श्रोतृभिर्हेमदक्षिणा ।। ८१
रौप्यं वा ताम्रमुंद्रा वा वस्त्रं वान्नं च वाहनम् । काष्ठं दरिद्रोऽपि मृदं तस्मै दद्यात्स्वशक्तितः ।। ८२
आरोप्य वाहने रम्ये वस्त्रालङ्कारपूजितम् । गीतवाद्यैर्नयेयुस्तं श्रोतारस्तद्गृहं ततः ।। ८३
इति सामान्यतः प्रोक्तः सर्वेषामेव भूपते ! । पुराणोपपुराणानां श्रवणस्य विधिर्मया ।। ८४
विधिनानेन शृणुयुर्ये पुराणानि भूपते ! । सम्पूर्णे स्यात्फलं तेषां पुराणोक्तं न संशयः ।। ८५
आदौ विधिमिमं श्रुत्वा पुराणश्रवणं ततः । कर्तव्यं विधिनानेन ततः सिद्धयति वाञ्छितम् ।। ८६
હે રાજન્ ! પુરાણ શ્રવણની જ્યારે સમાપ્તિ થાય ત્યારે તો સર્વે શ્રોતાઓએ પોતપોતાની શક્તિ અનુસારે સુવર્ણની દક્ષિણા આપીને મોટી પૂજા કરવી.૮૧
દક્ષિણામાં રૂપાની મુદ્રા, તાંબાની મુદ્રા, કે ઉત્તમ વસ્ત્ર, અન્ન કે વાહન પણ પોતપોતાની શક્તિ પ્રમાણે આપી શકાય છે. કોઇ દરિદ્ર શ્રોતા હોય તો, તે રસોઇ પકાવવા માટે કાષ્ઠ અર્પણ કરી શકે અથવા કર શુદ્ધિ માટે કે વાસણ શુદ્ધિ માટે ઉપયોગી માટી પણ આપી શકે છે.૮૨
હે રાજન્ ! આ રીતની વક્તાની વસ્ત્ર તેમજ આભૂષણોથી પૂજા કર્યા પછી શ્રોતાઓએ શણગારેલા વાહન ઉપર બેસાડીને ગીત વાજિંત્રોનો ધ્વનિ કરતાં કરતાં તેમના ઘર સુધી વળાવવા જવું.૮૩
હે રાજન્ ! આ પ્રમાણે મેં સર્વે પુરાણો તથા ઉપપુરાણોના કથાશ્રવણનો વિધિ સર્વને માટે સામાન્યપણે કહ્યો.૮૪
હે રાજન્ ! જે મનુષ્યો મેં કહેલા વિધિ પ્રમાણે કથાનું શ્રવણ કરશે તેને પુરાણોક્ત સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે, તેમાં કોઇ સંશય નથી.૮૫
પ્રથમ આ વિધિનું શ્રવણ કરવું, ત્યારપછી કહેલા વિધિ પ્રમાણે પુરાણશ્રવણ કરવું. તેનાથી ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે.૮૬
श्रीमद्बागवतं नाम पुराणं यन्महन्नृप ! । अस्ति तस्य तु सर्वेभ्यो विशेषोऽप्यस्ति कश्चन ।। ८७
विधिना श्रवणं तस्य पुरश्चर्यो च शक्तितः । दानं वा येऽत्र कुर्वन्ति तेषां सुकृतमक्षयम् ।। ८८
सुव्रत उवाच -
आश्रुत्य नारायणवाचमित्थं विशुद्धबुद्धिः स पुनर्नरेशः । जिज्ञासितं स्वस्य हरिं तमीशं पप्रच्छ नत्वा विनयेन राजन् ! ।। ८९
હે રાજન્ ! શ્રીમદ્ ભાગવત નામે જે મહાપુરાણ છે. એ પુરાણની અન્ય સર્વ પુરાણો કરતાં કાંઇક વધુ વિશેષતા છે.૮૭
જે મનુષ્યો તે શ્રીમદ્ભાગવત મહાપુરાણનું વિધિપૂર્વક શ્રવણ, એકસો ને આઠ પારાયણના લક્ષણવાળું પુરશ્ચરણ, તથા ગ્રંથનું દાન એ આદિક પોતપોતાની શક્તિ પ્રમાણે આલોકમાં જે કાંઇ કરે છે, તે મનુષ્યોને અવિનાશી પુણ્યની પ્રાપ્તિ થાય છે.૮૮
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીનારાયણનું વચન સાંભળી વિશુદ્ધમનવાળા ઉત્તમનરેશ પરમેશ્વર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી, પોતાને વધુ જાણવાની મનમાં ઇચ્છા થતાં ફરી વિનયપૂર્વક શ્રીહરિને પૂછવા લાગ્યા.૮૯
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे पुराणश्रवणोत्सवे सामान्यतः सकलपुराणोपपुराणश्रवणविधिनिरूपणनामा प्रथमोऽध्यायः ।। १ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ ઉત્તમરાજાના પૂછવાથી સાધારણ રીતે સકલ પુરાણો તથા ઉપપુરાણોના કથા શ્રવણનો વિધિ કહ્યો એ નામે પહેલો અધ્યાય પૂર્ણ થયો. --૧--