ચોરાણુંમું પ્રકરણ

પૂર્વછાયો-
વળી લીળા વરતાલની, કહું એકાદશીની અનૂપ । પોતે પ્રભુજી પધારિયા, શ્યામળિયો સુખરૂપ ।।૧।।
સુંદર સમૈયો આવિયો, કાર્તિક શુદી એકાદશી । આવ્યો દિન ઉત્સવનો, કહે સંતને હરિ હુલશી ।।૨।।
અવશ્ય સમૈયો આપણે, કરવો તે વરષો વરષનો । સતસંગી ત્યાં સહુ મળે, લિયે લાભ દર્શ સ્પર્શનો ।।૩।।
એમ કહિને કંકોતરી, મેલી લખીને મહારાજ । વરતાલ વહેલા આવજ્યો, સતસંગી સહુ મુનિરાજ ।।૪।।

ચોપાઇ-
પછી પોતે થયા છે તૈયાર, સંગે લઇ સખા અસવાર । પહેર્યાં અંબર સુંદર અંગે, શોભે શ્યામળો સખાને સંગે ।।૫।।
કરે મજલે મજલે મુકામ, પૂરે જનના મનની હામ । કારીયાણી કમીયાણું ગામ, આવ્યા આડેવે સુંદર શ્યામ ।।૬।।
ત્યાંથી વાલો આવ્યા વરતાલ, નિર્ખિ જન થયા છે નિહાલ । જન જોઇ પામ્યા છે આનંદ, જયજય બોલે જનવૃંદ ।।૭।।
દિયે દર્શન પ્રસન્ન નાથ, નિર્ખિ સુખ લિયે સહુ સાથ । હરિ હસિ જોયું સહુ સામું, પુરી જનના મનની હામું ।।૮।।
જન જોડી ઉભા સહુ હાથ, આપો આગન્યા અમને નાથ । કરાવિયે રસોઇ તમ કાજ, જમો મહેર કરીને મહારાજ ।।૯।।
હરિએ ભાવ ભગતનો જોઇ, કહ્યું કરો ઉત્તમ રસોઇ । પછી જને ભોજન બનાવ્યાં, જમ્યા જીવન તે મન ભાવ્યાં ।।૧૦।।
પછી વસન ભૂષણ પહેરાવી, કરી આરતી તે મન ભાવી । પછી જન લાગ્યાં સહુ પાય, રહેજ્યો નાથજી અંતરમાંય ।।૧૧।।
અમે છીએ નાથજી તમારાં, સગાં સંબંધી સહુ અમારાં । તેને કહે છે હસિ જીવન, સારૂં કરજ્યો સહુ ભજન ।।૧૨।।
એમ જમે જનને ઉતારે, જન જમાડી કારજ્ય સારે । કોઇ ચરચે ચંદન ઉતારી, કોઇ છાંટે ગુલાબનાં વારિ ।।૧૩।।
કોઇ ચોળે અત્તર આવી અંગે, કોઇ પહેરાવે હાર ઉમંગે । કોઇ તોરા ગજરા ફુલના, પહેરાવે હાર મોંઘા મુલના ।।૧૪।।
એમ લાવો લિયે સહુ જન, પ્રભુ છે સહુ પર પ્રસન્ન । પછી એમ બોલ્યા અવિનાશી, સુણો સતસંગી મુનિ સંન્યાસી ।।૧૫।।
જુવો રાધાકૃષ્ણની મૂરતિ, અમારી પણ શોભે છે અતિ । તેમ નારાયણ લક્ષ્મીપતિ, સારાં શોભે છે ધર્મ ભગતિ ।।૧૬।।
થયો જેદિથી એહનો સ્થાપ, થયાં તેદિથી સહુ નિષ્પાપ । એમ વાત કરે છે મહારાજ, સુણે સત્સંગી મુનિરાજ ।।૧૭।।
સાંભળી જન હરખ્યાં અપાર, જયજય બોલે નરનાર । તેદિ વ્રત હતું એકાદશી, પુરી દીપમાળા તેહ નિશિ ।।૧૮।।
તિયાં બપોરીયા અંજવાળે, નાથ સભા ઉભા થઇ ભાળે । આજ મળ્યાં મનુષ્ય અપાર, બહુ પુરૂષ ને બહુ નાર ।।૧૯।।
સારા સમૈયા સુંદર થયા, એમ કહિને હરિ હસિયા । પછી દ્વાદશી પારણાં કરી, આવી બેઠા છે ચોતરે હરિ ।।૨૦।।
તિયાં વાજીંત્ર વાજે અપાર, કરે દર્શન સહુ નરનાર । લાવે પૂજા પૂજવા આધાર, ફળ ફુલ ને અમૂલ્ય હાર ।।૨૧।।
તેણે શોભે છે શ્યામ મૂરતિ, થાય ઉત્તર પ્રશ્ન અતિ । એમ લીળા કરે ભગવાન, દિયે દનભર દર્શનદાન ।।૨૨।।
સર્વે સુખ લિયે જન જોઇ, એમ કરતાં વિત્યા દન દોઇ । પછી આવ્યો પુન્યમનો દન, આવ્યા દરશને બહુ જન ।।૨૩।।
તેને દર્શન દિધાં દયાળે, અતિ સામર્થ્ય સહિત કૃપાળે । તેતો દર્શન કરીને ગયા, સતસંગી ત્યાં સર્વે રહ્યા ।।૨૪।।
પછી સાંજે પૂરી દીપમાળ, બેઠા આસન ઉચ્ચે દયાળ । સર્વે જન જોઇ રહ્યા સામું, નિર્ખિ નાથ પૂરે હૈયે હામું ।।૨૫।।
પછી નાથ બોલ્યા એમ વાણ, સર્વે સાંભળો સંત સુજાણ । પૂરો થયો ઉત્સવનો દન, જાજ્યો જ્યાં જ્યાં કહ્યું ત્યાં જન ।।૨૬।।
કાંઇક સંત રહેજ્યો અમ સાથ, જાવું સુરત બોલ્યા એમ નાથ । એમ કહીને ઉભા થયા વળી, આવો મળિયે મંડળી મંડળી ।।૨૭।।
અલબેલોજી અઢળ ઢળ્યા, સર્વે સંતને હેતે શું મળ્યા । સંત ચાલ્યા સહુ શિખ માગી, પ્રીતે પાય પ્રભુજીને લાગી ।।૨૮।।
પછી પોતે કરી છે તૈયારી, ચાલ્યા સુરતપર સુખકારી । અલબેલોજી અંતરજામી, આવ્યા બોચાસણે બહુનામી ।।૨૯।।
તિયાં સુંદર કરી રસોઇ, જમ્યા નાથ સખા સંત સોઇ । રહી રાત્ય ચાલ્યા તતકાળ, આવ્યા દેવાણે દીનદયાળ ।।૩૦।।
પુરપતિ સુમતિ છે સારો, કર્યો તેને તે ઘેર ઉતારો । સહુ રાજી થયા નિજજન, કરી મહારાજનાં દરશન ।।૩૧।।
સુંદર કરાવી સારી રસોઇ, જમ્યા નાથ ભાવ તેનો જોઇ । કરવા અનેક જીવનાં કાજ, પછી મહી ઉતર્યા મહારાજ ।।૩૨।।
તેને તડે આવ્યું તળાવ, તિયાં બેસી બોલ્યા પછી માવ । આંહિથી આવશે કોણ ગામ, કિયાં કરશું આજ વિશરામ ।।૩૩।।
તૈયે એક બોલ્યો હરિજન, વાલા આવો અમારે ભવન । પછી મુનિ એકે જોડયા હાથ, હવે સિધા પધારિયે નાથ ।।૩૪।।
બહુ દિનની અર્જી છે મારી, પ્રભુ પૂરી કરો ત્યાં પધારી । ત્યાંથી નાથ થયા અસવાર, ઉતર્યા ગામ કારેલી બહાર ।।૩૫।।
તિયાં કરાવ્યો સુંદર થાળ, જમ્યા દયા કરીને દયાળ । આપી સખાને સુખડી સારી, રહ્યા રાત્ય તિયાં સુખકારી ।।૩૬।।
ત્યાંથી ચાલ્યા છે દીનદયાળ, મહેર કરી સંભાર્યા મરાળ । જાઓ લાવો મુનિને બોલાવી, કરે દર્શન સંત સહુ આવી ।।૩૭।।
પછી ત્યાંથી ચાલ્યા અલબેલ, ચાલે વેગે કરે નહિ વેલ । આવ્યું અરણ્યે એક સરોવર, તિયાં ઉતર્યા શ્યામ સુંદર ।।૩૮।।
નાહ્યા નીર જોઇ નિરમળ, પૂજા કરી પિધાં મિષ્ટ જળ । પછી ત્યાંથી થયા અસવાર, આવ્યા આમોદ્યે પ્રાણઆધાર ।।૩૯।।
તિયાં ભટ્ટ વસે દીનાનાથ, સદા રહેછે જે શ્યામને સાથ । વળી વણિક હરજીવન, નિર્ખિ નાથને થયો મગન ।।૪૦।।
પછી ઉભો જોડી આગે હાથ, કરો ભોજન રહો આંહિ નાથ । ત્યારે શ્યામ કહે સાંભળો જન, કરાવજ્યો મુનિને ભોજન ।।૪૧।।
એમ કહિને ચાલિયા સ્વામી, આવ્યા ગામ બુવે બહુનામી । તિયાં ભક્ત વસે કાનદાસ, આવ્યા તેને ઘેર અવિનાશ ।।૪૨।।
કરી ભોજન રજની રહ્યા, તિયાં ઉત્તર ને પ્રશ્ન થયા । આવ્યા ત્યાં મોટા મહિપતિ, નિર્ખિ નાથને કરી વિનતિ ।।૪૩।।
પ્રભુ અમે તમારા જો છીએ, ઘણું ઘણું મુખથી શું કહીએ । તિયાં કવિએ કર્યું સ્તવન, દ્વિજ નામ તે ગોવરધન ।।૪૪।।
સુણી નાથે કર્યો સતકાર, તેં કહ્યા એવા છે જગદાધાર । એમ કહી ઉઠયા અવિનાશી, સદા શ્યામ સુંદર સુખરાશી ।।૪૫।।
રહ્યા રાત્ય સુખે એહ ઠામ, પછી આવ્યા છે કેલોદ ગામ । તિયાં પુર્યો જન મન ભાવ, ત્યાંથી આવી ઉતર્યા તળાવ ।।૪૬।।
સુંદર સારૂં ત્યાં શરકરા વારી, કરી પાન ચાલ્યા સુખકારી । આવ્યા શહેર ભરૂચમાં શ્યામ, પૂરી જનના મનની હામ ।।૪૭।।
પછી ત્યાર કરાવિયાં ઝાઝ, સંઘે સહિત ઉતર્યા મહારાજ । નદી નર્મદા નામે તે સઇ, સ્પર્શિ ચરણ પાવન થઇ ।।૪૮।।
ઘડી બેઠા વાલો તેને તટ, તિયાં રાજી કર્યા છે ખેવટ । ત્યાંથી ચાલ્યા ચતુર સુજાણ, કર્યાં અંકલેશ્વરે મેલાણ ।।૪૯।।
આવી પાય લાગ્યો પુરપતિ, આજ આવ્યા નાથ અમવતિ । હતી ઘણા દિવસની હામ, આજ નિર્ખિ સર્યાં મારાં કામ ।।૫૦।।
દઇ દરશન તેને દયાળ, પછી જમ્યા નાથ ને મરાલ । પછી વેલ્ય પર પોઢયા શ્યામ, રહ્યા રાત્ય વાલો એહ ગામ ।।૫૧।।
થયું સવાર ચાલિયા સંત, સંઘભેળા શોભે ભગવંત । કહે સખાને શ્રી ભગવાન, હાલો હવે જાઇએ હિન્દુસ્થાન ।।૫૨।।
સુંદર જનમભૂમિ અમારી, એમ કહે સખાને સુખકારી । એવી વાત કહેતાં વાટમાંઇ, આવી નદી ઉતરીયા ત્યાંઇ ।।૫૩।।
કરી સ્નાન પૂજા એહ ઠામ, સુંદર સાથું જમી ચાલ્યા શ્યામ । શોભે સખા સંગે વાલો આપ, નિર્ખિ નરનારી થાય નિષ્પાપ ।।૫૪।।
ત્યાંથી આવી છે એક તલાઇ, શોભે વૃક્ષ ત્યાં સુંદર છાઇ । તિયાં ભદ્ર થયા ભગવાન, દીધાં દાસને દરશન દાન ।।૫૫।।
ત્યાંથી ચાલિયા દીનદયાળ, આવ્યા નાથજી ગામ કોશાલ । આવી ઉતર્યા વાટિકા જોઇ, તિયાં કરી છે આપે રસોઇ ।।૫૬।।
કર્યાં સુંદર સુરણ શાક, ઘણે ઘીએ પકાવિયા પાક । આપે જમી જમાડિયા જન, રહ્યા રજની ત્યાં ભગવન ।।૫૭।।
તિયાં આવ્યા સુરતના વાસી, નરનારી જે પ્રકટ ઉપાસી । રથ વેલ્ય લાવ્યા ઘણી ગાડી, જેમ મેઘ ગરજે અષાડી ।।૫૮।।

પૂર્વછાયો-
કહું લીળા હું કેટલી, એક જીભે જશ અપાર । અનંત લીળા લાલની, કોય નર ન પામે પાર ।।૫૯।।
પછી ત્યાંથી પધારિયા, ઉતર્યા તાપી તીર । સંઘે સહીત શ્યામળો, નાહ્યા નિરમળ નીર ।।૬૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે વરતાલ્યે પ્રબોધનીનો ઉત્સવ કર્યો એ નામે ચોરાણુંમું પ્રકરણમ્ ।।૯૪।।