તોતેરમું પ્રકરણ

ચોપાઇ-
પછી વરતાલે વાલો આવિયા, દિન દોયક પોતે ત્યાં રીહ્યા । પોતે પધાર્યા દેશ પંચાળ, દીનબંધુ જે દીનદયાળ ।।૧।।
સંત સરવે રહ્યા ગુજરાત, કરે હરિજન આગે વાત । સહુ કરી લીયો ઘરકાજ, હમણાં કરશે ઉત્સવ મહારાજ ।।૨।।
આવી હુતાસની દિન થોડે, પ્રભુ પધારશે ચડી ઘોડે । એવું સાંભળી સતસંગી જન, કરે મનોરથ વળી મન ।।૩।।
હવે તેડાવશે પ્રભુ જ્યારે, જાશું સહુ મળી દર્શને ત્યારે । કહે એક કરાવું પોશાગ, શાલ દુશાલ સોનેરી પાઘ ।।૪।।
જામો જરી સુંદર સુરવાળ, સારો સોનેરી છેડે ચોફાળ । એક કહે વેઢ વિંટી કડાં, કરાવીશ કનકનાં રૂડાં ।।૫।।
બાજુ કાજુ કુંડળ રૂપાળાં, રૂડી ઉતરી સાંકળી માળા । એક કહે કરાવું કંદોરો, શિરપેચ ને સોનેરી તોરો ।।૬।।
એક કહે પૂજીશ હું નાથ, ઘસી ચંદન સુંદર હાથ । એક કહે કરીશ આરતી, નમી ચરણ કરીશ વિનતિ ।।૭।।
એમ કરે મનોરથ દાસ, ત્યાંતો આવિયો ફાગણ માસ । દેશો દેશ કંકોતરી ફેરી, ફુલડોલના ઉત્સવ કેરી ।।૮।।
આપી આજ્ઞા જનને મહારાજે, કરજ્યો સમાજ રમવા કાજે । અમે આવશું વરતાલ વહેલા, પંચદિન હુતાસની પહેલા ।।૯।।
પછી સંતે કરાવ્યો સમાજ, હેતે હરિશું રમવા કાજ । રૂડી રીત્યના કઢાવ્યા રંગ, ભર્યા હોજ યમુના ને ગંગ ।।૧૦।।
સુંદર પીચકારી કરાવી, રમશે હરિ હરિજન આવી । બહુપેરે કરાવ્યા સમાજ, ત્યાંતો પોતે પધાર્યા મહારાજ ।।૧૧।।
આવી દાસને દર્શન દીધાં, નિર્ખિ નાથ જને સુખ લીધાં । આપ્યો દાસને અતિ આનંદ, પોતે પધાર્યા પૂરણચંદ ।।૧૨।।
આવ્યા હરિ સખાની હેડીએ, ઉતર્યા જોબનની મેડીએ । પછી તેડીયા સંત સમસ્ત, આવ્યા સાંખ્યયોગી ઘણા ગૃહસ્થ ।।૧૩।।
મળ્યા મનુષ્ય અતિ અપાર, પછી પ્રભુ આવ્યા પુર બહાર । દિયે દર્શન દીનદયાળુ, અતિકરૂણાએ ભર્યા કૃપાળુ ।।૧૪।।
તિયાં આવ્યો ઉત્સવનો દન, કર્યું રસિયે રમવાનું મન । ભરી ઝોળી ઉડાડે ગુલાલ, તેણે સખા થયા સહુ લાલ ।।૧૫।।
નાખે પીચકારી ભરી રસ, રંગે સખા કીધા રસબસ । સખા શોભે છે સુંદર રંગે, રમે અલબેલો ઉછરંગે ।।૧૬।।
પછી સખે કર્યો તો હિંડોળો, સારો શોભિત સુંદર પહોળો । બાર બારણે ઓપે અનૂપ, જોયા જેવું છે જાળિનું રૂપ ।।૧૭।।
પાંચ શિખરે શોભે નિદાન, જાણીયે વૈકુંઠનું વિમાન । કાજુ કનકનાં કોટિમાં લેકે, બહુ ફુલને હારે તે બેકે ।।૧૮।।
રૂડો રચ્યો મળી મુનિરાજ, એવે હિંડોળે બેઠા મહારાજ । પછી ધર્યો મુગટ સુજાણે, શોભે સૂર્યતેજ પરમાણે ।।૧૯।।
અતિશોભા દિયે છે અપાર, નંગ પંગતિનો નહિ પાર । જડયાં મણિ માણ્યક ને મોતિ, કરે છે હીરા ઝવેર જ્યોતિ ।।૨૦।।
જોઇ વજ્ર રુચકની જાત્ય, લાલ નીલે પીળે પાડિ ભાત્ય । નંગ ઝગમગ કરે જોત્ય, જાણું રવિ શશિ થયા ઉદ્યોત ।।૨૧।।
એવાં રૂડાં રતનનો જડયો, ઘણેઘણે હેતે કરી ઘડયો । એવો મુકુટ ધર્યો છે નાથે, પહેર્યાં કનકનાં કડાં બે હાથે ।।૨૨।।
કરે વેઢ વિંટી બાંયે બાજુ, મકરાકૃત કુંડળ કાને કાજુ । શિર પેચ ને સોનેરી તોરો, કેડે બાંધ્યો કનક કંદોરો ।।૨૩।।
હૈયે પહેર્યા છે હેમના હાર, શોભે ફુલની માળા અપાર । કર્યાં તિલક કેશરતણાં, તેણે શોભે છે સુંદર ઘણાં ।।૨૪।।
પછી જને કરી છે આરતિ, થાય જયજય શબ્દ ત્યાં અતિ । મળ્યા જન ત્યાં અતિ અપાર, લઇ ઉભા છે ફુલના હાર ।।૨૫।।
પણ પ્રભુને કેમ અપાય, અતિ ભિડય પાસે ન જવાય । તેના મનોરથ પુરા કીધા, હાથ છડીવડયે હાર લીધા ।।૨૬।।
પછી માથેથી મુગટ ઉતારી, સુંદર સોનેરી પાઘ તે ધારી । તેનાં દીધાં સહુને દર્શન, કર્યાં જનનાં મન પ્રસન્ન ।।૨૭।।
પછી સહુની પૂરવા હામ, ઝુલે હિંડોળે સુંદર શ્યામ । હાલે હિંડોળો વાયુને વેગ, થઇ મગન ઝરે તિયાં મેઘ ।।૨૮।।
તિયાં આવિને થોભ્યાં વિમાન, ગાય ગાંધર્વ ત્યાં ગુણગાન । તિયાં જયજય બોલે છે જન, એમ લીળા કરે છે જીવન ।।૨૯।।
વીતિ એમ આનંદમાં રાત્ય, ઉગ્યો સૂર હવું પરભાત્ય । ત્યારે શ્યામળીયો સજ્જ થયા, સખાને સંગ રમવા રહ્યા ।।૩૦।।
ચાલે ચૌદિશે પિચકારી ઘણી, ચડી ગરદી ગુલાલતણી । ચડયા રમતે રસિયો રાજ, સુખ સંતને આપવા કાજ ।।૩૧।।
રમે સામ સામા નવ હારે, વચમાં પડી કોઇ ન વારે । એમ ખેલે છે ખાંતિલો હોળી, નાખે ભરી ગુલાલની ઝોળી ।।૩૨।।
વાજે વાજાં ત્યાં ઢોલ નગારાં, ત્રાંસા શરણાઇ રવાજ સારાં । બહુ મચીછે રંગની ઝડી, જુવે અમર વિમાને ચડી ।।૩૩।।
રમે હરિસંગે હરિજન, કરે નર અમર ધન્ય ધન્ય । પછી પ્રભુજી ચડીયા ઘોડે, સખા લીધા છે સરવે જોડે ।।૩૪।।
ફરે સંઘમાં દિયે દર્શન, કરે જનનાં મન પ્રસન્ન । એમ લીળા કરે છે લાડીલો, રંગમાં રસબસ છે છેલો ।।૩૫।।
એમ પ્રભુ રમ્યા સખા સાથ, પછી નાવા ને ચાલિયા નાથ । નાહિ નાથ ને આવ્યા ઉતારે, થયો જમણ થાળ તે વારે ।।૩૬।।
જમિયા પોતે જીવનપ્રાણ, જમાડયા છે જને કરી તાણ । પછી સંતની પંક્તિ બેસારી, આવ્યા પિરસવા ગિરિધારી ।।૩૭।।
જમે જન જમાડે જીવન, એમ લીળા કરી બહુ દિન । આપ્યું સુખ એમ બહુ વિધિ, પછી સંતને શીખજ દીધી ।।૩૮।।
એમ ઉત્સવ કર્યો અવિનાશે, કરાવ્યો બાપુ રણછોડદાસે । કરી વરતાલ દેશ વિદિતિ, ધન્ય નર એ નારીની પ્રીતિ ।।૩૯।।
કર્યો ઉત્સવ જગજીવને, ફાગણસુદિ પુન્યમને દને । તેદિ સુંદર ઉત્સવ કરી, પછી પાંચાળે પધાર્યા હરિ ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે મહારાજ હિંડોળે ઝુલ્યા ને ઘણું જ ઐશ્વર્ય જણાવ્યું એ નામે તોતેરમું પ્રકરણમ્ ।।૭૩।।