ચુંમોતેરમું પ્રકરણ

રાગ સામેરી-
ઘણું રહે હરિ ગઢડે, ને આવે જાય બીજે દેશ । સંત ફરે સર્વે દેશમાં, કરે હિતનો ઉપદેશ ।।૧।।
લીળા સંભારી લાલની, તેની કરે માંહોમાંહિ વાત । ઉતરે નહિ કેફ અંગથી, ઘણું રહે રાજી રળિયાત ।।૨।।
અષ્ટમી ને એકાદશી, ફુલડોલ દીવાળીને દન । રામનવમી ને વસંતપંચમી, વાટ જોઇ રહે સહુ જન ।।૩।।
વાટ જોતાં વરતાલમાં, આવ્યા દયાળુ દયા કરી । હેત જોઇ હરિજનનાં, તેને દિયે દર્શન ફરીફરી ।।૪।।
ફરે સર્વે દેશમાં, અને જુવે સઘળાં ગામ । વરતાલ્ય ડભાણ જેતલપુર, તે કરીયાં નિજધામ ।।૫।।
અલબેલો પધારીયા, કાર્તિક સુદી એકાદશી । તેદિ જેતલપુરે કરી ઉત્સવ, તેડાવિયા સર્વે ઋષિ ।।૬।।
તિયાં જામ ચારનું જાગરણ કરી, ગાયા ગુણ ગોવિંદ તણા । રમતાં ગાતાં ગરબીયો, સુખ સંતે તે લીધાં ઘણાં ।।૭।।
નિત્ય નવી લીળા કરે, ભેળા મુનિજનને લહિ । પવિત્ર કરે પૃથિવી, ચરણની રજે સહિ ।।૮।।
જીયાં જીયાં જીવન ફર્યાં, તિયાં જનનાં કર્યાં કાજ । અનેક જીવ ઉધ્ધારવા, ફરે મુનિ ને મહારાજ ।।૯।।
એમ કરતાં આવિયો, રૂડો તે ફાગણ માસ । રમવા રૂડી હુતાસની, હૈયે હરખિયા હરિદાસ ।।૧૦।।
પછી પ્રભુજી બોલિયા, સંતો શોધો સુંદર ઠામ । ઓણ કરીએ હુતાસની, એવું ગોતી કાઢો ગામ ।।૧૧।।
વારમવાર વરતાલમાં, ઉત્સવ કર્યા અતિઘણા । ખુંદ્યું ખમ્યા તે સતસંગી, ધન્ય જન એમાં નહિ મણા ।।૧૨।।
માટે બીજી જાયગા, જોઇ કાઢો તમે જન । સંતે માંડયું શોધવા, સુણી વાલ્યમજીનું વચન ।।૧૩।।
બામણગામ ને બોચાસણે, સતસંગી સારા સહિ । પણ જળ છાયાની જુગતિ, વરતાલ જેવી બીજે નહિ ।।૧૪।।
વાલ્યમ કહે વરતાલ જેવું, નથી બીજું કોઇ ગામ । સતસંગના મધ્યમાં, સુંદર છે એહ ઠામ ।।૧૫।।
જાઓ તમે ત્યાં મોરથી, સારો કરાવજો સમાજ । આ દિને અમે આવશું, એમ બોલિયા મહારાજ ।।૧૬।।
વારમવાર વર્ષોવર્ષ, હલાંમણ છે હોજની । કરો ચિરાબંધ ચોકસી, થાય સુંદર રમત્ય મોજની ।।૧૭।।
પછી પાકા હોજ કરાવીને, એક ચોતરો ચણાવીઓ । અલબેલાને બેસવા, સુંદર સારો બણાવીઓ ।।૧૮।।
પછી શ્રીજી પધારીયા, બેઠા એહ ચોતરે । આસપાસ બહુ દાસ દિસે, સુખે સહુ દર્શન કરે ।।૧૯।।
અનેક જન જોઇ રહ્યા, નરનારીનાં વળી વૃંદ । શોભે સુંદર શ્યામળો, જેમ તારામંડળમાં ચંદ ।।૨૦।।
દિયે સુખ બહુ દાસને, વળી દયાળુ દયા કરી । જન મન રંજન કરવા, કરે લીળા ફરીફરી ।।૨૧।।
કર્યો તો ઉત્સવ આગળે, વળી તેવાનો તેવો કર્યો । અતિ આનંદે અલબેલડો, વળી રમે હોળી રંગેભર્યો ।।૨૨।।
લાવ્યા ગુલાલનાં ગાડલાં, તે વહેંચી આપ્યાં સંતને । ભર્યા હોજ બેઉ રંગના, રમવા ભક્ત ભગવંતને ।।૨૩।।
પછી અલબેલો ઉભા થઇ, વળી ફેંકી ફાંટું ગુલાલની । તે સમાની શોભા મુખથી, કહી ન જાયે લાલની ।।૨૪।।
પછી સખા સજ્જ થયા, ખેલ ખૂબ ખરો મચાવિયો । લાગી ઝડી બહુ રંગની, અરૂણ વર્ણ અંબર થયો ।।૨૫।।
પરસ્પર પિચકારિયોની, છુટે શેડયું સામટી । આંખ્ય ન દિયે ઉઘાડવા, જાણું આવ્યો ઘન ઘણો ઉલટી ।।૨૬।।
ગુલાલ લાલ નાખે ઘણો, ઝળકે કરમાં કડાં વળી । થાય સલાવા તેહના, જાણું ચમકે ઘનમાં વિજળી ।।૨૭।।
રસબસ થયા રસિયો, શોભે સખા રંગમાં લાલ । આનંદ દેવા દાસને, એવો કરે અલૌકિક ખ્યાલ ।।૨૮।।
રમતાં રમતાં રંગમાં, વળી પહોર દોયે વહી ગયા । હરિ હરિજન હોળી રમતાં, હોડમાં નવ્ય હારીયા ।।૨૯।।
પછી નાથે હાથશું, વળી પાડી તાળી તે ઘડી । જીત્યા જીત્યા સહુ આપણે, હવે મેલો પીચકારી પડી ।।૩૦।।
પછી જન મગન થઇને, નાવા ચાલ્યા નીરમાં । રંગ સોરંગે શ્યામળો, ઘણું શોભે છે શરીરમાં ।।૩૧।।
નાહિને આવ્યા નાથજી, જન જમાડયા ભાવે ભરી । પછી મુનિમંડળને, પોતે પિરસ્યું હાથે કરી ।।૩૨।।
જેજેકાર કરી જીવન, આવ્યા પુર બહાર ફરી । આવી બેઠા આંબલે, હરિજન ને પોતે હરિ ।।૩૩।।
ત્યાં ગાય પદ ને થાય વાતો, પ્રશ્ન ઉત્તર અતિ ઘણાં । એમ સંતને સાંજ સુધી, દીધાં સુખ દર્શન તણાં ।।૩૪।।
પછી હાથ જોડી હરિજન કહે, તમે હિંડોળે બેસો હરિ । મનોરથ જન મનના, તમે પુરો પ્રભુ કૃપા કરી ।।૩૫।।
પછી પ્રભુ પ્રસન્ન થઇને, હિંડોળે બેઠા હરિ । જને જીવનને મુગુટ ધરી, કરી પૂજા ભાવે ભરી ।।૩૬।।
અંબર સુંદર આભૂષણ, પ્રભુને પહેરાવીયાં । કુસુમમાળા કંઠે અર્પિ, સુંદર છોગાં ધરાવીયાં ।।૩૭।।
પછી ઉતારી આરતી, પ્રેમે પાય લાગ્યા નાથને । પછી હરિ હિંડોળે ઝુલી, આપ્યાં સુખ સહુ સાથને ।।૩૮।।
એમ લીળા અતિ ઘણી, કરી કૃપાનિધિયે । જનમન રંજન કર્યાં, વાલ્યમે બહુ વિધિએ ।।૩૯।।
એવી રીત્યે કરી ઉત્સવ, પાંચાળે પ્રભુ ગયા । સંત સર્વે મંડળી વળી, ગુજરધરમાંહિ રહ્યા ।।૪૦।।
એક જીભે અનંત લીળા, કહીએ મુખથી કેટલી । શેષ મહેશ ને શારદા કહે, તોય કહેવાય નહિ તેટલી ।।૪૧।।
અપરમપાર લીળા કરી, ફાગણશુદી પુન્યમ દને । કરી લીળા વરતાલમાં, કરાવી હરિજન જોબને ।।૪૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે વડતાલે ઉત્સવ કર્યો ને રંગે રમ્યા એ નામે ચુંમોતેરમું પ્રકરણમ્ ।।૭૪।।