એકસો ને અઠાવનમું પ્રકરણ

પૂર્વછાયો-
વળી પાંચાળ દેશમાં, કાજુ કારીયાણી ગામ । અનંત લીળા ત્યાં કરી, હરિએ કર્યું નિજધામ ।।૧।।
તેહ ગામમાં જે વસે, નરનારી આદિજન । ભાવાભાવે ભગવાનનાં, સહુને થયાં દર્શન ।।૨।।
સમજુ થયાં સતસંગી, અણસમજુ રહ્યાં એમ । પાપી નરે પરમોદિયાં, તે કુસંગ તજશે કેમ ।।૩।।
પણ દર્શન જેને દયાળનું, તે નિષ્ફળ નવ જાય । અંતસમે અવશ્ય આવી, શ્રીહરિ કરે છે સહાય ।।૪।।

ચોપાઇ-
તેની વાત સાંભળજ્યો સહુ, થયું જેમ તેમ હવે કહું । એક કાઠી કુસંગી અપાર, નામ માણશિયો નિરધાર ।।૫।।
તેતો સાજો શરીરમાં સુખી, લવલેશ દેહ નહિ દુઃખી । ઔસહજ સ્વભાવે બેઠો તો બાર, આવ્યા જમ લેવા તેને ચાર ।।૬।।
અતિકાળા ને કરૂર વાણી, જેને જોઇ જીવે નહિ પ્રાણી । બહુ ભૂખ્યા ભૂંડા ભયંકર, હાથે પાશ પર્સુ હથિયાર ।।૭।।
બેઠા બે જણા લોહને ગાડે, બીજા બે જણા બેઠા છે પાડે । પછી ગાડે પાડેથી ઉતરી, લીધો કાઠિને કબજે કરી ।।૮।।
દઇ માર ને મોર લૈ કિધો, જમે એમનો એમજ લીધો । મારે બહુ પાડે બુમરાણ, તોય મેલે નહિ જમરાણ ।।૯।।
કહે કુસંગી કેમ તું રહ્યો, તજી સ્વામી અમારો શું થયો । જો તું પડયો અમારેજ પાને, તો તું સુખ ઇચ્છે હવે શાને ।।૧૦।।
બોલ્યો માણશિયો તેહ વારે, છે સ્વામીજીનું દર્શન મારે । બીજું તો મેં કાંઇ નવ કર્યું, કર્યું તેમાંતો આવું નિસર્યું ।।૧૧।।
હવે કરે તો કરે સ્વામી વાર, તે વિના બીજો નથી આધાર । એમ કહેતાં આવ્યા અવિનાશ, જમ મેલી ભાગ્યા પામી ત્રાસ ।।૧૨।।
ઔપછી આવ્યો માણસિયો ઘેર, કહે નાથે ઉગાર્યો આ વેર । એમ કરતાં વીતિ ઘડી ચાર, આવ્યા નવ કૃતાંત તે વાર ।।૧૩।।
તેણે તરત મારી લીધો મોર, પાડે માણશિયો બહુ બકોર । ઔજમ કહે રખે ગામ જગાડે, લઇ જાઇએ એને ઉપરવાડે ।।૧૪।।
ત્યારે બીજો કહે જાશું ભાગોળે, એક કહે સંત હશે આગળે । ઔએક કહે સંત નથી જો આંહિ, શિદ બીક રાખો મનમાંહિ ।।૧૫।।
પછી લઇ ચાલ્યા ગામ બાર, આવ્યા અલબેલો તેહવાર । કરી રીસ કિંકરને કહ્યું, કેમ ફુટયું છે મૂરખો હૈયું ।।૧૬।।
ઔઆ ગામમાંહિ વસે છે જન, જેને છે મારૂં સંતદર્શન । તેને લેવા આવોછો અભાગી, શિદને મોત લીયો છો માગી ।।૧૭।।
જાઓ આ ગામની મેલી આશ, એમ કહે જમને અવિનાશ । ઔતે માણશિયે સર્વે સાંભળી, જેવી વીતિ તેવી કહી વળી ।।૧૮।।
સુણિ કહેવા લાગ્યા જન સહુ, આતો પરચો થયો મોટો બહુ । વળી એ ગામમાં એક સઇ, નામ માવો તે સતસંગી નઇ ।।૧૯।।
ઔતેના દેહનો આવિયો અંત, કહું તેનું હવે વરતંત । તેને લેવા આવ્યા જમ ત્રણ, લીધો જીવ પામિયો મરણ ।।૨૦।।
જ્યારે જીવ લઇ જમ વળ્યા, ત્યારે સંતરૂપે સ્વામી મળ્યા । કહે જમપ્રત્યે જન એમ, એ જીવને લીધો તમે કેમ ।।૨૧।।
કહે જમ એ કુસંગી સઇ, તેને જાશું જમપુરે લઇ । ત્યારે સંત કહે નહિ લેવાય, તમે કરશો જો કોટિ ઉપાય ।।૨૨।।
એતો કરેછે કામ અમારું, તેને તેડું ન જોઇએ તમારૂં । ત્યારે જમ કહે નથી તમારો, શીદ એ જીવને લેતાં વારો ।।૨૩।।
ઔએ જે કામ તમારું કરે છે, તેતો કોઇક થકી ડરે છે । ત્યારે સંત કહે સાચું કહ્યું, પણ સંતસેવા ફળ ગયું ।।૨૪।।
માટે એ વાતમાં ખોટય મોટી, જાઓ મેલી થાઓ શીદ ખોટી । પછી જમ ગયા જખ મારી, સંતે લીધો એ જીવ ઉગારી ।।૨૫।।
આવ્યો દેહમાંહિ માવો જ્યારે, વીતિ વાત કહી સર્વે ત્યારે । પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, થયો પરચો કહે જન મળી ।।૨૬।।
વળી એ ગામમાં સથવારો, નામ ત્રિકમ સતસંગી સારો । તેને આવ્યું ટુંટિયું અનાડી, પેશી તનમાં તાણી છે નાડી ।।૨૭।।
ઔહાથ પગ રગ લીધી તાણી, થયો પરવશ બોલી બંધાણી । પછી તરત જીવ તેનો કાઢી, ચાલ્યું ટુંટિયું તેહને પાડી ।।૨૮।।
ત્યારે ત્રિકમે કર્યું સ્મરણ, આવો નાથ હું પામિયો મરણ । એવું સુણી આવ્યા અવિનાશ, સંગે ભક્ત માંચો વીરદાસ ।।૨૯।।
કહે નાથ ટુંટિયાને એમ, એહ જીવને લિધો તેં કેમ । એતો શરણ છે જો અમારે, તેને લેવા ન આવવું તારે ।।૩૦।।
આ ગામમાં તારે ન ગરવું, જો તું ઇચ્છે મનમાં ઉગરવું । કાઢયું ટુંટિયું તગડી બાર, વાલે કરી છે જનની વાર ।।૩૧।।
મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ । પછી ત્રિકમે તનમાં આવી, કરી વાત સહુને બોલાવી ।।૩૨।।
કહે મારે માથે બહુ થઇ, મને ગયું તું ટુંટિયું લઇ । તેને હાથથી નાથે મુકાવી, મને મેલ્યો આ દેહમાં લાવી ।।૩૩।।
મારે સાટે જશે પુરીબાઇ, વાત સાચી માનો મનમાંઇ । સુણી સહુ થયાં છે વિસમે, તજ્યું તન પુરિયે તે સમે ।।૩૪।।
મળી વાત લાગી નહિ વાર, પામ્યાં આશ્ચર્ય સહુ નરનાર । કહે થયો પરચો આ મોટો, હશે પાપી તે પરઠશે ખોટો ।।૩૫।।
વળી ગઢડે વણિક એક, તેતો કુળે સહિત નાસ્તિક । કહે કર્મવડે સર્વ થાય, એવું સમજી રાખ્યું મનમાંય ।।૩૬।।
રામ કૃષ્ણ આદિક અવતાર, તેનો પણ નહિ તેને ભાર । એવો ઢુંઢિયે ઢાબરી પાડયો, મોક્ષમારગ કર્મે દેખાડયો ।।૩૭।।
કર્યું પાપિએ પાપિનું કામ, ટાળી નાખ્યું બિચારાનું ઠામ । ત્યાંતો આવિયો દેહનો કાળ, આવ્યા તેડવા જમ વિકરાળ ।।૩૮।।
આવી ઘેરી લીધો ઘરમાંઇ, મોટા મુદગર છે કરમાંઇ । મારોમારો કરે મુખવાણ, કાઢો બારે કહે જમરાણ ।।૩૯।।
પછી હીમે હૈયામાં વિચારી, જોયા ઢુંઢિયા સર્વે સંભારી । પણ કોઇથી કાજ ન સર્યું, તેમતેમ જમે જોર કર્યું ।।૪૦।।
ત્યારે થયો નિરાશી અત્યંત, પછી સંભાર્યા સ્વામી ને સંત । કરતાં ચિંતવણી ચિત્તમાંઇ, આવ્યા સંત ને મહારાજ ત્યાંઇ ।।૪૧।।
લાવ્યા લોહની ગેડિયો હાથે, આવી મારિયો જમને માથે । પાડી રાડય ભાગ્યા જમરાણ, દિઠા હીમે તે પ્રકટ પ્રમાણ ।।૪૨।।
પામ્યો આશ્ચર્ય પરચો થયો, કેને ન કહ્યું સમજી રહ્યો । થયું સુખ શરીરમાં જ્યારે, કરી વાત વિસ્તારી તે ત્યારે ।।૪૩।।
કહે પામ્યો હું પરચો મોટો, આપણો મત માનજ્યો ખોટો । જો ન કરે સ્વામી સંત વાર, તો હું મરત ખાઇખાઇ માર ।।૪૪।।
મેં દિઠું નજરે મોત મારું, પામ્યો દુઃખ હું શું શું સંભારૂં । આપણામાં કાંઇ ન ઉઘડયું, ખરા ખોટાનું પારખ્યું પડયું ।।૪૫।।
હવે જ્યાં લગી રહેશે આ તન, કરીશ મહારાજનું ભજન । એમ પર્ચાનો નહિ આવે પાર, થાય હમેશ હજારો હજાર ।।૪૬।।
કેતાં કેતાં કિયાં લગી કહીએ, અપરમનો પાર ન લહીયે । આગે પરચા કવિએ કહ્યા, તેતો ઠીક એટલાજ થયા ।।૪૭।।
પણ આજનો અંત ન આવે, મર કોટી કવિ મળી ગાવે । મેં કહ્યું વિચારી મનમાંઇ, નથી કરતો હું વાત વડાઇ ।।૪૮।।
જેમ છે તેમ કહ્યું મેં જન, સત્ય માનજ્યો મારૂં વચન । હશે સત્યવાદી સંત જેહ, સત્ય માનશે મનમાં તેહ ।।૪૯।।
હશે દુષ્ટ દંભી ને નાસ્તિક, કહેશે ખોટી ખાંચ્યો ખોળી છેક । તેતો ભોગવશે ફળ તેનું, નથી નિષ્કુળાનંદને એનું ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને અઠાવનમું પ્રકરણમ્ ।।૧૫૮।।