એકસો ને છપનમું પ્રકરણ

પૂર્વછાયો -
વળી કહું એક વારતા, સુંદર છે અતિસાર । જેણી રીત્યે હરિજનની, વળી કરી હરિયે વાર ।।૧।।
ઔબારાં મધ્યે એક બહુ સારું, ગણિએ ગુડેલ ગામ । ખરા ક્ષત્રિ ત્યાં રહે, જેનું છે જીભાઇ નામ ।।૨।।
તેહના તે ગામ ઉપરે, વળી આવી ચોરની ધાડય । ઔલાગ્યા તે સહુને લુંટવા, પાપીએ પડાવી રાડય ।।૩।।
તેહ સુણિ શૂરવીર ધીર, તરત થયા તૈયાર । રુડા રણમાં રમવા, લીધાં હાથ હથિયાર ।।૪।।

ચોપાઇ-
મારી ચોર કર્યા ચકચુર, જે રહ્યા તે ભાગી ગયા દૂર । એક ચોર રહ્યોતો સંતાઇ, કર્યો ઘાવ તેણે શિરમાંઇ ।।૫।।
પછી તે તસ્કરને મારી, કાઢી ધાડય ગામમાંથી બારી । કરી જીત વળ્યા નિજઘેર, સમરતાં સ્વામી રુડિપેર ।।૬।।
રાખી વરતિ તે મૂર્તિમાંઇ, ઘાયા તેની પીડા નહિ કાંઇ । સુખે વીત્યા દશપાંચ દન, આવ્યા ભક્ત પાસે ભગવન ।।૭।।
નિર્ખ્યા જીભાઈએ શ્રીજગદીશ, અતિહરખે નમાવિયું શીશ । કહે ધન્ય દીનપ્રતિપાળ, મારી આ સમે લીધી સંભાળ ।।૮।।
એમ કહિને જોડિયા હાથ, ત્યારે બોલિયા નેહશું નાથ । આજથકી જાણો ત્રિજે દન, તમારે નથી રાખવું તન ।।૯।।
મેલી દેહ આવો બ્રહ્મમોલ, એમ કહી દઇ ચાલ્યા કોલ । ત્યારે રાજી થયા છે જીભાઈ, અતિહરખ પામ્યા મનમાંઈ ।।૧૦।।
જોઇ રહ્યા છે વાયદે વાટ, બ્રહ્મમોહોલમાં જાવું તે માટ । ત્યારે નાથજી થયા તૈયાર, સાથે લઇ દશ તે અશ્વાર ।।૧૧।।
વાલો આવ્યા વડગામમાંઇ, દિધાં દાસને દર્શન ત્યાંઇ । ઔપછી આવ્યા છે ગુડેલ ગામ, કરવા જીભાઈનું હરિ કામ ।।૧૨।।
દિધાં દર્શનદાન બહુને, થયું આશ્ચર્ય જન સહુને । કોટીકોટી સૂર્યને સમાન, દીઠા સખાસંગે ભગવાન ।।૧૩।।
આવ્યા જીવન જીભાઇ પાસ, દીનબંધુ જાણી નિજદાસ । કહે વાલોજી વારમવાર, થાઓ જીભાઇ હવે તૈયાર ।।૧૪।।
ત્યારે જીભાઈ થયા પ્રસન્ન, તરત તજ્યું રાજી થઇ તન । માગી શિખ મૂક્યું જ્યારે તન, જોઇ આશ્ચર્ય પામિયા જન ।।૧૫।।
કહે ધન્યધન્ય મારા નાથ, તેડી ચાલ્યા જીભાઈને સાથ । આવી રીત્ય દીઠી ન સાંભળી, તેવી આજ જોઇ અમે મળી ।।૧૬।।
માટે આથી પર્ચો શિયો અન્ય, હશે પાપી તે નહિ માને મન્ય । આવી રીત્યે તન જાય છૂટી, એથી વાત બીજી કઇ મોટી ।।૧૭।।
ઔએક ચડોતરે બોચાસણ, તિયાં કાશીદાસ શિરોમણ । તેને સાચી સમજાણી વાત, રહ્યો સંશયવત એનો તાત ।।૧૮।।
તેને કાશીદાસ કહે એમ, તમે સ્વામીને સમજોછો કેમ । ઔત્યારે કાનદાસે એમ કહ્યું, શુકસરિખા એવું મેં લયું ।।૧૯।।
ત્યારે કાશીદાસ કહે તાત, સ્વામી સ્વયં શ્રીહરિ સાક્ષાત । ત્યારે કાનદાસ કહે હશે, પણ મટયો નહિ મનસંશે ।।૨૦।।
એમ કરતાં વીત્યા કાંઇ દન, થયાં કાનદાસને દર્શન । દીઠા પરમહંસ લાખો લેખે, તન તેજ સૂર્યથી વશેખે ।।૨૧।।
કોઇ દિઠા છે નારદ જેવા, કોઇ શુકસમાન છે એવા । કોઇક દિઠા સનક સમાન, કોઇ વાલ્મીક મુનિ નિદાન ।।૨૨।।
ઋષિ સહસ્ર અઠયાશી છે જેહ, દિઠા તેજના અંબાર તેહ । જોઇ આશ્ચર્ય અંતરે પામ્યા, સંશય સર્વે મનનો વામ્યા ।।૨૩।।
પછી લાગ્યા છે સહુને પાય, અતિ રાજી થઇ મનમાંય । કહે ધન્ય ધન્ય મુનિજન, ધન્ય સહજાનંદ ભગવન ।।૨૪।।
તમે મુનિ ને જે મહારાજ, આવ્યા જીવ ઉધારવા કાજ । આવો પ્રકટ પરચો પામી, નહિ માને જે હશે હરામી ।।૨૫।।
વળી ચડોતરમાં મેઘવે, કહું વાત કણબીની હવે । નરોત્તમ ને નાગરદાસ, કરે સત્સંગની ઉપહાસ ।।૨૬।।
ધન જોબનને બળે કરી, પગ ન ભરે પ્રભુથી ડરી । કરે ભક્તની નિંદા અમટ, તે પાપે વળગ્યાં ભૂત ષટ્ ।।૨૭।।
બે ભોઇ બે ભંગિયા નિદાન, એક ખત્રી એક મુસલમાન । ઔવળગ્યાં નરોત્તમને એ ષટ્, આપે અંગમાં દુઃખ અમટ ।।૨૮।।
જ્યારે આવે અંગમાંઇ ભોઇ, ત્યારે ભાર લિયે શિર ઢોઈ । જ્યારે મુલ્લાં આવે અંગમાંયે, ત્યારે માગેછે કાંઇનું કાંયે ।।૨૯।।
આવે ભંગિયા બે ભેળા મળી, માગે ખાવા અખાજ તે વળી । જ્યારે ખત્રી કરે પરવેશ, ત્યારે કરે હોયેશ હોયેશ ।।૩૦।।
જ્યારે જેજે વસે આવી અંગ, ત્યારે તેવો જ કરેછે રંગ । એમ ભૂત વળગ્યાં એ છોય, મુવા લગી મુકે નહિ કોય ।।૩૧।।
વળી ધડપર નહિ જેને શિશ, વળગ્યો તે નાગરને ખવિશ । વળી એકને વળગ્યો કોળી, થઇ ભેળી ભૂતતણી ટોળી ।।૩૨।।
કોઇ મુંઝવે કોઇ રોવારે, કોઇ જગાવે કોઇ સુવારે । કોઇ ધુણવે ધ્રુજવે વળી, એમ દિયે દુઃખ સહુ મળી ।।૩૩।।
તે કાઢવા ઉપાય બહુ કરીયા, કર્યા ભેળા ભૂવા ને જાગરિયા । ધુણીધુણી ધન ગયા ખાઇ, તોયે ફેર પડયો નહિ કાંઇ ।।૩૪।।
પછી ચાલ્યા ત્રણ્યે ત્યાંથી મળી, આવ્યા વરતાલે સ્વામી સાંભળી । કર્યાં દર્શન લાગીયા ચરણ, સ્વામી અમો છું તમારે શરણ ।।૩૫।।
ત્યારે ભૂતને ભયજ લાગી, રહી ન શક્યાં નિસર્યાં ભાગી । જોઇ મહારાજનો પરતાપ, થયો ભૂતતણે તન તાપ ।।૩૬।।
ન ખમાણું તે નિસર્યાં ખશી, જે રહ્યાંતાં એ ત્રણ્યમાં વશી । પછી ત્રણ્યે સતસંગી થયા, ધારી નિયમ નિજઘેર ગયા ।।૩૭।।
તે જોઇ સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં । થયો પરચો જાણ્યો સહુ જને, કાઢયાં ભૂત પોત્યે ભગવને ।।૩૮।।
ઔવળી એ દેશે મુમધા ગામ, તિયાં બ્રાહ્મણ ઇશ્વર નામ । તેહને બ્રહ્મરાક્ષસ વળગો, આપે દુઃખ થાય નહિ અળગો ।।૩૯।।
તે રાક્ષસને કાઢવા માટ, ઘેરે બેસાર્યો શાસ્ત્રીય પાઠ । ધુણીધુણી ને થયો બેહાલ, તોય ભૂતે મેલ્યો નહિ ખ્યાલ ।।૪૦।।
ભણે શ્લોક ભેળા શ્લોક તેહ, થયો ભૂત તે ભણેલો એહ । ઔકૌમુદી ન્યાય વ્યાકરણ જાણે, બોલે ગીર્વાણી સંગે ગીર્વાણે ।।૪૧।।
કોઇ રીત્યની ન માને વાત, દિયે દુઃખ દિવસ ને રાત્ય । પછી બ્રાહ્મણ જેતલપુરે, આવ્યો શ્રીહરિની તે હજુરે ।।૪૨।।
આવી લાગ્યો મહારાજને પાય, ત્યારે ભૂત બોલ્યો એહમાંય । હવે હું ક્યાં જાઉં મુરારી, આવ્યો બ્રાહ્મણ શરણ તમારી ।।૪૩।।
ઔકહે નાથ રહે સંતમાંય, ભૂત કહે પાસે કેમ અવાય । ઔતારે નાથ કહે જા બદ્રીવન, કર્ય નરવીરનું દર્શન ।।૪૪।।
પછી ભૂત શિખ માગી ગયો, દ્વિજ ઇશ્વરજી સાજો થયો । તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીયે મુખથી ઘણોઘણો ।।૪૫।।
વળી જેતલપુરને માંઇ, કણબી નામ તેનું રાઇબાઇ । તેને વળગી ચુડેલ સયાણી, દિયે દુઃખ નિત્યપ્રત્યે ઘણી ।।૪૬।।
ઔલઇ જાય પહેર્યાનાં લુગડાં, જાય ઝોંટી ખાવાનાં ઠામડાં । થાય પાંચ દશ દન જ્યારે, નાખી જાય ફોડી ત્રોડી ત્યારે ।।૪૭।।
એમ ચુડેલ પડી છે કેડયે, જાય ચડાવી પાડરૂં મેડે । પછી તે બાઇ પ્રભુને પાસ, આવી કરી એની અરદાસ ।।૪૮।।
ત્યારે બોલિયા શ્રીભગવાન, થા સત્સંગી લે વ્રતમાન । પછી તે બાઇએ તેમજ કર્યું, ત્યારે ભૂત તે ભાગી નિસર્યું ।।૪૯।।
તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીએ વળી મુખથી ઘણો । એમ આપે જનને આનંદ, નયણે નિર્ખિ કહે નિષ્કુળાનંદ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને છપનમું પ્રકરણમ્ ।।૧૫૬।।