એકસો ને ચોપનમું પ્રકરણ

પૂર્વછાયો-
હવે હિંદુસ્તાનના, વળી લખું પરચા જેહ । સામર્થી શ્રીમહારાજની, સાંભળજ્યો કહું તેહ ।।૧।।
ધન્યધન્ય ધુવા ગામમાં, હરિજન જાતિ લુવાર । ભલા ભક્ત ભગવાનના, જેને હૈયે હેત અપાર ।।૨।।
એક બિંદા નામે જન જાણો, ભજે હરિ કરી ભાવ । તેની કાકી કુસંગણી, દલમાંહિ દુષ્ટ સ્વભાવ ।।૩।।
કરે ખેચરી નિત્ય ખરી, જેને હરિસંગાથે વેર । સતસંગી જાણી રીશ આણી, વાણી વદે જેવી ઝેર ।।૪।।

ચોપાઇ-
બોલે અવળું ને નાખેછે આળ્યું, દિયે વણ વાંકે નિત્ય ગાળ્યું । સુતાંબેઠાં જાગતાં એ જાપ, ખાતાં પીતાં વઢે નિત્ય આપ ।।૫।।
ઔકહે બિંદો તે બગડી ગયો, કરી સતસંગ સ્વામીનો થયો । એવું સહજાનંદમાં શું ભાળ્યું, એમ કહી કહી દીયે ગાળ્યું ।।૬।।
શ્વાસઉશ્વાસે એજ સ્મરણ, ભૂલી નહિ જ્યાં લગી આવ્યું મરણ । ત્રુટી નાડીયો પીડાણા પ્રાણ, આવ્યા લેવા દિઠા જમરાણ ।।૭।।
અતિ કાળા રિસાળા વિક્રાળ, ક્રોધવાળા કરુર કોપાળ । એવા દિઠા જમદૂત જ્યારે, દેવીદેવને સંભાર્યા ત્યારે ।।૮।।
વળી સેવ્યા હતા ભેખધારી, તેહ સર્વેને જોયા સંભારી । પણ કેણે કરી નહિ સાય, ડોશી પડી મહા દુઃખમાંય ।।૯।।
મારોમારો કરે જમરાણ, ડારે ડોશી થઇ છે હેરાણ । પછી તે સમે સ્વામી સંભાર્યા, લીધું નામ જમ સુણી ડર્યા ।।૧૦।।
ત્યારે ડોશીએ વારમવાર, કર્યો સ્વામિનામનો ઉચ્ચાર । આવ્યા અલબેલો એહ વાર, પોતા સાથે સખા અસવાર ।।૧૧।।
આપે બેઠા છે રથ અનુપે, શોભે છે રવિ કોટિ સ્વરૂપે । જોઇ આશ્ચર્ય આવિયાં જન, કર્યાં લાખો લોકે દરશન ।।૧૨।।
આવ્યા ડોશીને પાસે દયાળ, દેખી જમ ભાગ્યા તતકાળ । પછી ડોશીએ કર્યાં દર્શન, કરે સ્તુતિ કહે ધન્યધન્ય ।।૧૩।।
અહો પતિતપાવન ટેક, મારો ન જોયો અવગુણ એક । આ સમે સાય કિધું છે મારું, તેતો બિરૂદ સંભારી તમારું ।।૧૪।।
એમ કરી સ્તુતિ જોડી હાથ, તજી તન ચાલી હરિસાથ । ઔસર્વે લોક કહે ધન્યધન્ય, આવડું શિયું ડોશીનું પુણ્ય ।।૧૫।।
આતો પરચો પૂર્યો ભગવાને, હશે મૂરખ તે નહિ માને । વળી એક કહું બીજી વાત, સહુ સાંભળજ્યો છે સાક્ષાત ।।૧૬।।
વળી એહ ગામે એહ જાત, ભક્ત ઠાકુરદાસ વિખ્યાત । તેની પત્ની નામ ધનુબાઈ, પ્રીત્ય બેઉને મહારાજમાંઇ ।।૧૭।।
કહે માંહોમાંહિ નરનાર, હવે તજવો વિષય વિકાર । થયાં સાંખ્યયોગી નરનારી, રહે ભેળાં પાળે વ્રત ભારી ।।૧૮।।
કોઇ કોઇનું અડે અંબર, કરે ઉપવાસ નારીનર । અજાણ્યે જો બેઉમાં બોલાય, તેહ દિવસે અન્ન ન ખવાય ।।૧૯।।
જ્યારે ઘરમાંઇ હોય નાર, ત્યારે પુરૂષ બેસે જઇ બાર । ઔજ્યારે પુરૂષ હોય ઘરમાંઇ, ત્યારે બાર બેસે જઇ બાઇ ।।૨૦।।
પાળે વ્રત એવું માંહોમાંઇ, વિષયવાસના ન ઇચ્છે કાંઇ । એવી રીત્યે વીત્યા બહુ દન, કરે સ્વામીશ્રીજીનું ભજન ।।૨૧।।
તેતો સત્સંગી સર્વે જાણે, વર્તે છે સાંખ્યયોગ પ્રમાણે । હરિભક્તને લાગે એ સારું, બીજા વિમુખને લાગે ખારૂં ।।૨૨।।
કહે વિમુખ એમ અભાગી, જોજ્યો થઇ બેઠાં બેઉ ત્યાગી । શું સમજીને તજ્યો સંસાર, એમ બોલે બહુ નરનાર ।।૨૩।।
ઔસતસંગ કહો કેમ કરિએ, કરિએ તો એ જેવાં થઇ ફરીએ । માટે વાત તો છે ઘણી સારી, પણ ધારીયે તો થાય ખુવારી ।।૨૪।।
એવું જાણીને જગજીવન, દિધાં એ બેઉને દર્શન । ભેળા બ્રહ્મચારી છે મુકુંદ, આવ્યા જન પાસે જગવંદ ।।૨૫।।
કહે ઠાકુરદાસને સ્વામી, થયું પુરૂં વ્રત નિષ્કામી । એહ ટેક ગ્રહી છે જે તમે, આજ મુકાવિએ છીએ અમે ।।૨૬।।
જે પાળે ગૃહસ્થ વ્રતમાન, તે સહુ સાંખ્યયોગીને સમાન । માટે માની અમારું વચન, કર્મયોગી થઇ કરો ભજન ।।૨૭।।
એમ કહી એને અવિનાશ, ગયા બીજા હરિજન પાસ । દિધાં દશવિશને દર્શન, થઇ પોત્યે પ્રભુજી પ્રસન્ન ।।૨૮।।
કૈક કુસંગીએ પણ દિઠા, પ્રકટ પ્રમાણ રથે બેઠા । નરનારી સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્યધન્ય કહી શિશ નામ્યાં ।।૨૯।।
કહે સાચા સ્વામી સાચા જન, થયાં એ વડયે અમને દર્શન । આતો પરચો અલૌકિક જાણો, સહજાનંદ સમર્થ પ્રમાણો ।।૩૦।।
વળી એ ગામે લુવારમાંઇ, હરિજન નામ ગાંગુબાઇ । અતિહેત પ્રીત્યે ભજે હરિ, પાળે નિયમ સર્વે ભાવે કરી ।।૩૧।।
ઔએક દિવસ બાઇને સંગે, ગઇ ઇધણાં લેવા ઉમંગે । વીણે ઇધણાં ગરબી ગાય, અતિહેત હૈયામાં ન માય ।।૩૨।।
ઔજોઇ પ્રેમ એનો અવિનાશ, આવ્યા પ્રકટ પ્રભુજી પાસ । દિધાં સહુ બાઇયોને દર્શન, નિર્ખિ નાથને થયાં મગન ।।૩૩।।
વાલો ગાવા લાગ્યા સંગે ગીત, જોઇ પોતાના જનની પ્રીત । નિર્ખિ સ્વામી શ્રીસુખદાઇને, થઇ સમાધિ ગાંગુબાઇને ।।૩૪।।
દિઠો બ્રહ્મમહોલ ગોલોક, શ્વેતદ્વીપ વૈકુંઠ વિશોક । અક્ષરધામ ને ધામના વાસી, દિઠા સમાધિમાં સુખરાશી ।।૩૫।।
જોયાં ધારણામાં જેજે ધામ, જાગી લીધાં છે તેહનાં નામ । સુણી આશ્ચર્ય પામિયાં સહુ, કહે આતો વાત મોટી બહુ ।।૩૬।।
ઔજોને પ્રભુજી પ્રકટ પ્રમાણ, દિધાં દર્શન શ્યામ સુજાણ । આતો વાત અલૌકિક ભારી, થયો પરચો કહે નરનારી ।।૩૭।।
ઔવળી દ્વિજભક્ત એહ ગામે, ભાઈ બે બુદ્ધ મદારી નામે । ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, જાણી સતસંગ સાચો સુજાણ ।।૩૮।।
કરે ઉદ્યમ નિર્વાહકાજ, ભાવેશું ભજે શ્રીમહારાજ । એક દિવસ વેવાર સારૂં, કર્યું માંહોમાંહિ મારૂં તારૂં ।।૩૯।।
તેને વીતિ ગઇ ઘડી ચાર, ત્યારે બુદ્ધે કર્યો છે વિચાર । ધિકધિક એ વહેવારમાંઈ, એક હરિભક્ત મારો ભાઈ ।।૪૦।।
તે શું બોલ્યો હું તાણ્યમતાણ્ય, મું જેવો નહિ કોઇ અજાણ્ય । ઔએમાં કુરાજી થાશે મહારાજ, એથી ખોટય મોટી શી છે આજ ।।૪૧।।
એમ કહીને બેઠો ભજને, માનસી પૂજા કરવા મને । પછી માનસી પૂજામાં ઘણી, કરી સ્તુતિ સ્વામી સંતતણી ।।૪૨।।
અતિ દીનપણું દલ આણી, બોલ્યા ગદ્ગદ્ કંઠે વાણી । ઔથયો અપરાધ મુંથી મહારાજ, તેનો ગુનો બક્સજ્યો આજ ।।૪૩।।
એવી સાંભળી જનની વાણી, આવ્યા દીનબંધુ દીન જાણી । દિધાં દાસને દર્શન નાથે, નિરખ્યા બાઇ ભાઇ સહુ સાથે ।।૪૪।।
બુદ્ધ લળી લાગ્યો પ્રભુ પાય, નિર્ખિ નાથ હરખ ન માય । ઔકહે ધન્યધન્ય મારા નાથ, આજ મુજને કર્યો સનાથ ।।૪૫।।
પછી તરત કર્યો દુધપાક, કર્યાં પાસળે સુંદર શાક । બીજાં કર્યાં છે બહુ ભોજન, વળી વિધવિધનાં વ્યંજન ।।૪૬।।
તેણે જમાડયા જગજીવન, જનભાવે જમ્યા ભગવન । બોલ્યા જમતાં જમતાં નાથ, હેત રાખીયે હરિજન સાથ ।।૪૭।।
સાચા સગા સતસંગી જાણો, આ લોક પરલોકના પ્રમાણો । તેશું વઢી ન કિજીયે વેર, માંહોમાંહિ ન વાવીયે ઝેર ।।૪૮।।
એમ વાત કરી ભગવન, દીધાં બહુ જનને દર્શન । દિઠા સહુ જને પ્રકટ પ્રમાણ, પછી ન દિઠા શ્યામ સુજાણ ।।૪૯।।
ત્યારે આશ્ચર્ય પામ્યા તેવાર, થયો પરચો કહે નરનાર । એમ કહીને પામ્યા આનંદ, નિશ્ચે જાણો કહે નિષ્કુળાનંદ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને ચોપનમું પ્રકરણમ્ ।।૧૫૪।।