પૂર્વછાયો-
કહું દેશ કાનમમાં, એક ઇટોલું ગામ । ભક્ત ભલા કણબી કુળે, જાણો જીજીભાઇ નામ ।।૧।।
સતસંગમાં શિરોમણિ, વળી હરિમાં ઘણું હેત । અચળ કીધો આશરો, સોંપી તન મન ધન સમેત ।।૨।।
આયુષ્ય ખૂટે આવિયો, ભાઇ એના દેહનો અંત । તેને આવ્યા તેડવા, નિજભક્ત જાણી ભગવંત ।।૩।।
નિજ સખા બહુ સંત સાથે, મોટા મોટા મુનિરાજ । સુવર્ણમય રથમાંઇ, બેસી પધાર્યા મહારાજ ।।૪।।
ચોપાઇ-
આવ્યા અર્ધરાત્રે અવિનાશ, થયો ગામમાં બહુ પ્રકાશ । એક દ્વિજ ભક્ત બાપુભાઇ, છોડયો રથ તેના ફળિમાંઇ ।।૫।।
જાગી લાગિયા બાપુજી પાય, નિર્ખિ નાથને તૃપ્ત ન થાય । કહે થયો કૃતારથ આજ, તમે ઘેર પધાર્યા મહારાજ ।।૬।।
હવે રહો રાજી થઇ નાથ, એમ કહે ઉભો જોડી હાથ । પછી બોલિયા શ્રી મહારાજ, અમે આવ્યા જીજીભાઇ કાજ ।।૭।।
એને તેડી જાશું આજ અમે, સત્ય માનો બાપુભાઇ તમે । ત્યારે બોલ્યા બાપુભાઇ એમ, એને મેલી જાઓ કહીએ કેમ ।।૮।।
પણ સત્સંગમાં એહ જેવા, બીજા નથી શિખામણ્ય દેવા । ત્યારે નાથ કહે નહિ લૈયે, લેશું એના બળધને તૈયે ।।૯।।
ત્યારે બોલ્યા બાપુ હરિજન, પ્રભુ એવું શિયું એનું પુણ્ય । ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે, જુત્યોતો એ રસોઇને રથે ।।૧૦।।
માટે લઇ જાશું એને આજ, એમ કહી પધાર્યા મહારાજ । પછે બાપુભાઇ તેહ પળે, ગયો જીજીભાઇને પાસળે ।।૧૧।।
કહે હમણાં પધાર્યાતા નાથ, બહુ સંત હતા હરિ સાથ । તેતો તેડવા આવ્યાતા તમને, પણ રાખી ગયા કહ્યું અમને ।।૧૨।।
પણ એ વાત સાચી તો મળે, જાયે બળદ તમારા પાસળે । પછી કરી દિવો જોયું જઇ, ત્યાંતો બળદિયાના પ્રાણ નઇ ।।૧૩।।
પછી સહુને તેડી કરી વાત, જે દિઠિતી નજરે સાક્ષાત । તેહ સાંભળી આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।।૧૪।।
ઔકહે પરચો થયો છે આ ભારી, એમ કહેવા લાગ્યાં નરનારી । વળી વાત બીજી એક કહું, તમે સાંભળજ્યો જન સહુ ।।૧૫।।
કાનમમાં માંગરોળ ગામે, કણબી ભક્ત ત્યાં બેચર નામે । કરે ખેતી તે નિર્વાહ કાજ, મુખે ભજે સ્વામી શ્રીમહારાજ ।।૧૬।।
પાળે વ્રત પ્રતિમામાં પ્રીત, ખેતીવાડીમાં ન બેસે ચિત્ત । ત્યારે સરકારે કહ્યું બોલાવી, ભર રૂપૈયા અમને લાવી ।।૧૭।।
એમ કહીને બેસાર્યો તર્ત, આપે ક્યાંથી ગાંઠે નહિ ગર્થ । બેઠાં વિતિ ગયા બેઉ દન, લેવા દિધું નહિ જળ અન્ન ।।૧૮।।
ત્યારે બેચરે કર્યો વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર । મારેતો બળ એક તમારૂં, બીજો નથી તમ વિના વારૂં ।।૧૯।।
એમ કહેતાં પધાર્યા મહારાજ, નિજજન છોડાવવા કાજ । દેખી દુષ્ટ ગયા દલે ડરી, ભાંગી બેડી તોડી ચાલ્યા હરિ ।।૨૦।।
લઇ સર્વે એનો જે સમાજ, પહોંચાડયો જ્યાં બીજાનું રાજ । સરવે જખ મારી રહ્યા જોઇ, કેડયે આવી શક્યા નહિ કોઇ ।।૨૧।।
એમ કરી અલૌકિક કાજ, પછી પધાર્યા ત્યાંથી મહારાજ । વળી વાત કહું એક સારી, સુણો સર્વે છે ચમતકારી ।।૨૨।।
એક કાનમે કરાલી ગામ, બહુ ભક્ત વસે એહ ઠામ । અતિ હેત પ્રીત્યનો નહિ પાર, એવા હરિજન નરનાર ।।૨૩।।
તિયાં પરચા થયા છે બહુ, લખું કેટલા કેટલા કહું । અંતકાળે તજે જન તન, આવે તેડવા શ્રીભગવન ।।૨૪।।
રથ વેલ્ય વિમાન ને વાજી, બેસી જાય તેપર થઇ રાજી । એવા પરચા થાય છે લાખું, તેતો કેટલાક કહી દાખું ।।૨૫।।
પણ કહું વાત એક વળી, સર્વે જન લેજ્યો તે સાંભળી । એક પાટીદાર નાનોભાઇ, થાય દુઃખી મંદવાડમાંઇ ।।૨૬।।
તજ્યું ખાવું પિવું જળ અન્ન, તેને વીતિ ગયા બહુ દન । જેજે જોવા આવે જન પાસ, તેને નહિ એના જીવ્યાની આશ ।।૨૭।।
પછી એક દાડે એમ થયું, નાડી પ્રાણાદિ કાંઇ ન રહ્યું । પછી સંબંધિ સર્વે ત્યાં મળી, કાઢો કાઢો કહે વળી વળી ।।૨૮।।
થયા તૈયાર લઇ સમાજ, ત્યારે પધાર્યા શ્રીમહારાજ । લાવ્યા રથ વેલ્ય ને વિમાન, આવ્યા સંત ભેળા ભગવાન ।।૨૯।।
સહુ જનને દર્શન થયાં, કોઇ દર્શન વિના ન રહ્યાં । જોઇ જન થયાં છે મગન, કહે ભલે આવ્યા ભગવન ।।૩૦।।
ત્યારે બોલિયા શ્રીમહારાજ, અમે આવ્યા નાનાભાઇ કાજ । તેને તેડી લઇ જાવાતા સાથ, પણ મેલી જાશું કહે નાથ ।।૩૧।।
પછી નાનાને કહે મહારાજ, તને તેડી નહિ જાઇએ આજ । માટે અન્ન જળ હવે લેજ્યે, સુખે સ્વામિનારાયણ કહેજ્યે ।।૩૨।।
એમ કહી ચાલ્યા ભગવન, જગજીવન જીવાડી જન । જોઇ આશ્ચર્ય પામિયાં સહુ, કહે આતો વાત મોટી બહુ ।।૩૩।।
આથી પર્ચો બીજો શિયો કહીએ, સહુ વિચારી જુવોને હૈયે । વળી વાત કહું બીજી એક, સુણો સામર્થી હરિની વિશેક ।।૩૪।।
એક ભક્ત છે જેઠિયો બાળ, તેના દેહનો આવિયો કાળ । થયો માંદો ને ન બોલે મુખ, તેને જોઇને કહે વિમુખ ।।૩૫।।
કહે આને તો વળગ્યું ઝોડ, શું જોઇ રહ્યા કરોને ધ્રોડ । ત્યારે બોલિયો છે એનો તાત, એવી કરશો માં કોઇ વાત ।।૩૬।।
મરે જીવે તેનું નહિ કાંય, પણ ભૂવા પાસે ન જવાય । થાશે હરિનું ગમતું હશે, તેનો શિદને કરવો સંશે ।।૩૭।।
એહ વાત સુણી નહિ કાન, ત્યાંતો પધારિયા ભગવાન । એક બાઇ હતી હરિજન, દિધાં આવી તેને દરશન ।।૩૮।।
બાઇ પાય લાગી જોડી હાથ, કહે ક્યાંથી પધારિયા નાથ । કહે નાથ આવ્યા અમે આજ, જેઠિયાને તેડવાને કાજ ।।૩૯।।
પણ મેલી જાશું આજ એને, કહેજ્યે વાત જઇને તું તેને । તેનું આપીએ તને એંધાણ, આપ્યું કુંકુમ અલૌકિ જાણ્ય ।।૪૦।।
કરજ્યે ચાંદલો આનો તું જઇ, સ્વામિનારાયણ નામ લઇ । બેઠો થઇને બોલશે બાળ, એમ કહીને ચાલ્યા દયાળ ।।૪૧।।
પછી બાઇ આવી તેને પાસ, કહ્યું આવ્યા હતા અવિનાશ । આપ્યું કુંકુમ ચાંદલો કરવા, કહ્યું નથી જેઠિયાને મરવા ।।૪૨।।
પ્રભુ પધાર્યા હતા સાક્ષાત, કહી સરવે મુજને વાત । સહુ સાંભળી થકિત થયાં, ધન્ય ધન્ય પ્રભુ કહે રહ્યાં ।।૪૩।।
દિઠું કુંકુમ અલૌકિ એહ, થયો તર્ત બેઠો જેઠો તેહ । મળી વાત કહી હરિજનને, થયો પર્ચો એ માનિયું મને ।।૪૪।।
ઔવળી એક વારતા અનુપ, સહુ સાંભળજ્યો સુખરુપ । એહ દેશમાંયે રણુગામ, ત્યાં જોગી પ્રભાતગર નામ ।।૪૫।।
સહુ જાણે એ મોટો છે સિદ્ધ, રાજા પ્રજામાંહિ તે પ્રસિદ્ધ । તેણે સુણી સંતની વારતા, જાણ્યા સ્વામીને કલ્યાણ કરતા ।।૪૬।।
પછી તજી સંન્યાસિની રીત્ય, કરી પ્રકટ પ્રભુજીશું પ્રીત્ય । એમ કરતાં વીત્યા બહુ દન, અવધ્યે ત્યાર થયા તજવા તન ।।૪૭।।
ત્યારે તેડવા આવ્યા મહારાજ, લાવ્યા બહુ વિમાન બાવાકાજ । આવી કંઠમાં આરોપ્યો હાર, આપ્યો તોરો કહ્યું થાઓ ત્યાર ।।૪૮।।
પછી બાવોજી બેઠા વિમાન, તેડી ચાલ્યા પોત્યે ભગવાન । આપ્યો હતો હાર તોરો જેહ, રહ્યો પ્રકટ કોટમાં તેહ ।।૪૯।।
સહુ દેખીને પામ્યા આશ્ચર્ય, કહે જુવો આ તોરો ને સ્રજ । આતો અલૌકિક વાત બહુ, એમ કહે જન મળી સહુ ।।૫૦।।
આતો પ્રતાપ મહારાજ તણો, સ્વામી સહજાનંદજીનો ઘણો । એમ પરચા બહુબહુ થાય, તે નિષ્કુળાનંદે ન લખાય ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને પચાશમું પ્રકરણમ્ ।।૧૫૦।।