એકસો ને ચુંમાળિસમું પ્રકરણ

પૂર્વછાયો -
વળી વડોદરા શહેરની, કહું વર્ણવી એક વાત । પૂર્યા પરચા જનને, સહુ જાણે એમ સાક્ષાત ।।૧।।
એક એકને અનેક પરચા, આપે છે અવિનાશ । તેણે ખુમારી તનમાં, મન મગન રહે છે દાસ ।।૨।।
આ લોકને પરલોકનું, થયું સુલભ સહુને કાજ । દેહ છતાં દુઃખીયા નહિ, તન છૂટયે આવે મહારાજ ।।૩।।
જોઇ જન એવી રીત્યને, કરે અતિ પ્રિત્યે સત્સંગ । તેણે કરીને તનમાં, ચડે નિત્યે નવલો રંગ ।।૪।।

ચોપાઇ-
ધન્ય ધન્ય આ સત્સંગ માંય, શ્રીહરિ પોત્યે કરે સહાય । જ્યાં જ્યાં સહાય કરી ઘણી સ્વામી, કહું તેતે હવે કરભામી ।।૫।।
એક દ્વિજભક્ત રામચન્દ્ર, રૂડો રોગારી જાણે રાજેન્દ્ર । તેણે સમજીને કર્યો સત્સંગ, ભજે સ્વામી શ્રીજીને અભંગ ।।૬।।
કરતાં સ્મરણ શ્વાસ ઉશ્વાસ, સુતો અંતર દર્શનની આશ । કહે બહુ વિતિ ગયા દન, નથી થયું મને દરશન ।।૭।।
નથી જવાતું મેં તિયાં સુધી, એવો રાખ્યો છે વેવારે રૂંધી । એમ શોચે ઘણું ઘણું મન, હવે ક્યારે થાશે દરશન ।।૮।।
એમ સંભારી સુતો ઢોલિયે, કહે નાથ કમાડ ખોલિયે । ઉઠયો રામચન્દ્ર સુણી સાદ, પ્રભુ પધાર્યા પામ્યો આહ્લાદ ।।૯।।
ઉઠી ઝટ ઉઘાડીયું દ્વાર, આવ્યા હરિ મંદિર મોઝાર । કોટિ કોટિ સૂર્યને સમાન, શોભા કહી ન જાય નિદાન ।।૧૦।।
સુખસાગરમય મૂરતિ, દેખી દુઃખ રહ્યું નહિ રતિ । સંગે ઇંદિરા શોભાની ખાણ્ય, કવિ ક્રોડયે ન થાય વખાણ ।।૧૧।।
નખશિખા સજ્યા શણગાર, શોભે નાથસાથે શ્રી અપાર । કહે રામચન્દ્ર જોડી હાથ, કીધો આજ કૃતારથ નાથ ।।૧૨।।
મારાં ભાગ્ય મોટાં મહારાજ, થયાં અલૌકિ દર્શન આજ । રહો કરાવું રસોઇ ત્યાર, પ્રીત્યે જમીએ પ્રાણઆધાર ।।૧૩।।
ત્યારે બોલ્યા નાથ મીઠી વાણ્યે, અમે આવ્યા હતા તારી તાણ્યે । નથી જમવું જાવું છે વળી, કરો દર્શન સર્વે મળી ।।૧૪।।
દઇ દર્શન પ્રસન્ન કરી, પછી ત્યાંથી પધારીયા હરિ । રામચન્દ્ર કહે ધન્યધન્ય, થયાં આજ મને દરશન ।।૧૫।।
મુજ ઉપર અઢળક ઢળ્યા, પામ્યો પરચો જે પ્રકટ મળ્યા । વળી એક દિવસની વાત, પ્રભુ પધાર્યા પોતે સાક્ષાત ।।૧૬।।
આવ્યા અર્ધિનિશા અવિનાશી, સહુ સુતાંતાં કમાડ વાસી । એની કિંકરીને કહ્યું જાગ્ય, તારા ઘરમાં થઇ છે આગ્ય ।।૧૭।।
તેણે જાગતાં વાર લગાડી, ત્યારે અમૃતબાઇને જગાડી । કહે ઘર બળે છે તમારૂં, તને સુતાં લાગે કેમ સારૂં ।।૧૮।।
તેણે જગાવીયા વૈદ્યરાજ, કહે જાગો આવ્યા છે મહારાજ । કહ્યું જગાડી મુજને એમ, થઇ લાય સુતી છો તું કેમ ।।૧૯।।
માટે જુવોને બળે છે કિયાં, છે અળગું કે લાગ્યું છે ઇયાં । પછી રામચન્દ્રે જોયું જઇ, લાય પોતાના ઘરમાં થઇ ।।૨૦।।
તેને ઓલવીને કરી સ્તુતિ, ધન્યધન્ય પ્રભુ પ્રાણપતિ । જો ન જગાડો દીનદયાળ, તો આવ્યો હતો અમારો કાળ ।।૨૧।।
તમે કરી શ્રી મહારાજ સાર, અમે આવ્યાં નવે અવતાર । એમ કહી લાગ્યાં સહુ પાય, ત્યારે હસી બોલ્યા હરિરાય ।।૨૨।।
આજ ભક્તની કરવા સાર, અમે લીધો છે આ અવતાર । કોઇ રીત્યે દુઃખી થાય દાસ, એવું ન કરૂં કહે અવિનાશ ।।૨૩।।
માટે આપ્યો છે પર્ચો મેં આજ, એમ કહી ચાલ્યા મહારાજ । પામી આશ્ચર્ય કહે રામચન્દ્ર, ધન્યધન્ય સુખના સમુદ્ર ।।૨૪।।
વળી એક દિવસની કહું, થયો પર્ચો સાંભળજ્યો સહુ । તેડયા જમવા ઘેર મરાળ, કર્યો ઠાકુર અરથે થાળ ।।૨૫।।
શાક પાક ને જલેબી જેહ, ભરી થાળ ધર્યો આગે તેહ । આવી જમિયા જીવનપ્રાણ, પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ ।।૨૬।।
જમી આઠ જલેબીજ લીધી, એક હરિજન બાઇને દીધી । કહે ગયાતા વૈદ્યને ઘેર, આજ જમ્યા અમે સારી પેર ।।૨૭।।
થાળમાંથી લાવ્યો છું પ્રસાદી, જોઇ જલેબી સારી છે સ્વાદી । કહે ભેળી થાય સહુ બાઇ, વહેંચી આપજ્યો મંડળીમાંઇ ।।૨૮।।
આપી મહારાજે પ્રસાદી જેહ, બાઇએ બાઇઓમાં વેંચી છે તેહ । હવે વૈદ્યતણી કહું વાત, થયું જેમ તેમ તે સાક્ષાત ।।૨૯।।
બેઠા જમવા જ્યારે મરાળ, રામચન્દ્રે સંભાળ્યો છે થાળ । આઠ જલેબી ઓછીજ થઇ, સમજ્યા મનમાં વાત ન કઇ ।।૩૦।।
પછી પ્રકટ વાત એ થઇ, ત્યારે રામચન્દ્રે પણ કઇ । એવી રીતનો ચમત્કાર, પામ્યો રામચન્દ્ર બહુવાર ।।૩૧।।
વળી એક વાત છે અનુપ, સતસંગીને છે સુખરૂપ । રામચન્દ્રની ભારજ્યા જેહ, કહે રામચન્દ્ર પ્રત્યે તેહ ।।૩૨।।
જાશું ઉત્સવે આપણે જ્યારે, શું શું પૂજા લઇ જાશું ત્યારે । કહે રામચન્દ્ર તે સાંભળી, કરશું કસુંબી પોશાગ વળી ।।૩૩।।
કહે અમૃત કસુંબી વસન, નાથ પહેરે છે કોઇક દન । શ્વેત પોશાગ પહેરે છે ઝાઝું, માટે એવો કરાવો તો કાજુ ।।૩૪।।
ત્યારે રામચન્દ્ર કહે સારૂં, થાશે જેમ મહારાજનું ધાર્યું । એમ કરતાં વિત્યો છે દન, સંધ્યા સમે પધાર્યા જીવન ।।૩૫।।
સારો પહેરી સુંદર સુવાગ, જામો જરી ધરી શિર પાગ । શાલ દુશાલ સર્વે કસુંબી, ફુલહારે રહ્યા ભ્રંગ ઝુંબી ।।૩૬।।
તેની પડોશણ્ય એક બાઇ, દીઠા તેણે તે ચઉટા માંઇ । તેને નાથે વાત એમ કહી, કહેજ્યે અમૃત બાઇને જઇ ।।૩૭।।
તું કહેતિતી કસુંબી વસન, નથી પહેરતા જગજીવન । તે પહેર્યાં છે મેં સરવે આજે, કહેજે કહ્યું છે એમ મહારાજે ।।૩૮।।
નિરખી નાથને આવી છે એહ, કહી વૈદ્ય આગે વાત તેહ । પછી રામચન્દ્ર એની નાર, ધન્ય સામર્થ્ય છે અપરમ પાર ।।૩૯।।
આવા ચમતકારને જોઇ, નહિ માને મંદ મતિ કોઇ । પળે પળે પરચા અપાર, જાણે જન ન જાણે સંસાર ।।૪૦।।
વળી એક વાત અતિ સારી, કહું સહુ લેજ્યો મન ધારી । એક શાસ્ત્રી દ્વિજ શોભારામ, ભજે સહજાનંદ સુખધામ ।।૪૧।।
મન કર્મ વચને હરિદાસ, ખરો મહારાજનો છે વિશ્વાસ । તેના સુતનો આવિયો કાળ, આવ્યા તેડવા પોતે દયાળ ।।૪૨।।
ત્રુટી નાડી ને ન રહ્યા પ્રાણ, બોલી ન શકે નહિ ઓળખાણ્ય । એવું દિઠું શોભારામે જ્યારે, કરી સ્તુતિ મહારાજની ત્યારે ।।૪૩।।
સુણી નાથ થયા છે પ્રસન્ન, આનું તજાવવું નહિ તન । એમ કહિને પ્રકટ થયા, કરી હરિજન પર દયા ।।૪૪।।
દીધું સર્વેને દર્શન દાન, સહુ કહે ધન્ય ભગવાન । ભલે પધાર્યા દિન દયાળ, આજ અમારી લીધી સંભાળ ।।૪૫।।
કહે નાથ તારા સુતકાજ, આવ્યાતા તેડવા અમે આજ । પણ મુકી જાઇએ છીએ અમે, સર્વે શોક તજી દેજ્યો તમે ।।૪૬।।
એમ કહીને અદૃશ્ય થયા, જન જોઇ આશ્ચર્ય પામીયા । પછી સુત તેનો તેહ વારે, થયો બેઠો પથારીથી ત્યારે ।।૪૭।।
કહે આવ્યાતા તેડવા નાથ, હું જાતોતો મહારાજની સાથ । કહે મુકી ગયા નાથ મને, એમ કહી છે વાત સહુને ।।૪૮।।
સુણી સર્વે પામિયાં આનંદ, કહે ધન્ય સ્વામી સહજાનંદ । તમે આપ્યો પરચો આ દયાળ, નાથ જીવાડયો મૃતક બાળ ।।૪૯।।
વળી દર્શન દીધાં સહુને, રાખ્યો મનુષ્યની હારમાં મુને । એમ કહ્યું શોભારામે જ્યારે, લખ્યું નિષ્કુળાનંદે તે વારે ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને ચુંમાળિસમું પ્રકરણમ્ ।।૧૪૪।।