એકસો ને પિસ્તાળિસમું પ્રકરણ

પૂર્વછાયો-
વળી શહેર વડોદરે, કરી જનની જીવને સાર । સંભળાવું સંક્ષેપશું, સહુ સુણજ્યો નરનાર ।।૧।।
સામર્થી પોત્યે શ્રીહરિ, આજ વાવરે છે અપરિમિત । તે કહી ન જાય કોઇથી, છે એવી અલૌકિક રીત ।।૨।।
આગે પરચા પૂરીયા, જન હેતે લઇ અવતાર । પણ એ થકી રીત્ય આજની, છે જો અપરમપાર ।।૩।।
કહીકહી કહીએ ક્યાં લગી, એક જીભે જશ અપાર । પણ જે આવે મારી જાણ્યમાં, કરૂં કાંઇક તેનો ઉચ્ચાર ।।૪।।

ચોપાઇ-
એક દ્વિજભક્ત છે દક્ષિણી, કહું વાત હવે તેહ તણી । નારુપંતનાના તેનું નામ, કરે રાજ સમાજનું કામ ।।૫।।
એમ કરતાં થયો સતસંગ, ચડયો ચિત્તે તેનો અતિ રંગ । વળી એમ સમજ્યો સુજાણ, મળ્યા પ્રભુ પ્રકટ પ્રમાણ ।।૬।।
રહી નહિ ઉધારાની વાત, તેણે કરી રહે રળીયાત । સાચો સમજાણો સતસંગ, ભજે શ્રીહરિ કરી ઉમંગ ।।૭।।
કહે સ્વામી સહજાનંદ સત્ય, તેહ વિનાતો તે બીજું અસત્ય । એવી અંતરમાં ગાંઠય પાડી, ઉખડે નહિ કેની ઉખાડી ।।૮।।
એમ કરતાં વીત્યા કાંઇ દન, આવ્યું સંસાર સંબંધિ વિઘન । એનો સુત બાપુ નામ જેહ, થયો મંદ શરીરમાં તેહ ।।૯।।
તેને દેખીને તેની જનિતા, કરી અંતરમાં અતિ ચિંતા । મારે પુત્ર એક જ છે એહ, કોઇ રીત્યે રહે એનો દેહ ।।૧૦।।
પછી તે સારૂં સમરી દેવી, સુત સારૂં અકળાણી એવી । નાવી દેવી આવ્યા અવિનાશ, થયો કોટિ સૂર્યનો પ્રકાશ ।।૧૧।।
અતિ તેજ તણો નહિ પાર, ભેળા સંત હજારો હજાર । પછી એમ બોલ્યા મહારાજ, આવ્યા બાપુને તેડવા કાજ ।।૧૨।।
તે તું કોટિ ઉપાય જો કરે, તોય તારો સુત ન ઉગરે । માટે ભૈરવ ભવાની ભૂત, સમર જે રાખે તારો સુત ।।૧૩।।
ત્યારે બોલી છે એમ તે બાઇ, એનો ભાર નથી મારે કાંઇ । પણ જીવ જનનીનો એવો, તેનો દોષ મને નવ દેવો ।।૧૪।।
સુખે તેડી જાઓ મારો તન, હું તો અતિશે છું પરસન । એમ કહીને જોડીયા હાથ, ત્યારે બોલિયા સંત હતા સાથ ।।૧૫।।
મહારાજ એને એક બાળ, તેને તેડી ન જાઉં દયાળ । સંસારીને તો એટલું સુખ, સુત વિત્ત વિના માને દુઃખ ।।૧૬।।
ત્યારે એમ બોલ્યા મહારાજ, નહિ તેડી જાયે એને આજ । એની પડોસણ્યનો જે તન, તેને તેડી જાશું કહે જીવન ।।૧૭।।
પછી તેહને તેડીને ચાલ્યા, બહુ લોકને દર્શન આલ્યાં । દિઠા સહુએ પ્રકટ પ્રમાણ, થયું સત્સંગી કુસંગીને જાણ ।।૧૮।।
એમ પ્રકટ પરચો દઇ, ચાલ્યા બીજા બાળકને લઇ । નહિ છાનું એ પ્રકટ જાણો, કહે પરચો થયો એ પ્રમાણો ।।૧૯।।
કહે નાનો જોડી જુગ હાથ, ધન્યધન્ય દીનબંધુ નાથ । તમે દયાનિધિ છો દયાળ, દીનાનાથ દીનપ્રતિપાળ ।।૨૦।।
વળી વાત કહું એક સારી, હરિજનને છે હિતકારી । એક દ્વિજ બાપુ સરવરિયો, તેણે સમઝીને સત્સંગ કરિયો ।।૨૧।।
જોઇ સાચી રીત સંતતણી, આવી પ્રતીત પોતાને ઘણી । વળી સાંભળી સંતની વાત, તેને ભાંગી છે મનની ભ્રાંત ।।૨૨।।
થયો સત્સંગી સ્વામીનો ખરો, બેપ્રવાઇ સિપાઇ આકરો । ઝાલી ટેક મુવે નવ મેલે, સિર કરમાં લઇને ખેલે ।।૨૩।।
નિષ્કપટ મતિ અતિ ઘણી, કહું વાત હવે તેહતણી । એનો સુત તે રામસેવક, થયો માંદો શરીરમાં છેક ।।૨૪।।
આવ્યો સમો એને અંતકાળ, ગરૂડે ચડી પધાર્યા દયાળ । સંગે સંતતણું બહુ વૃંદ, મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ ।।૨૫।।
ગોપાળાનંદ સ્વામી છે સાથ, જળ ઝારી ભરી ધરી હાથ । નિત્યાનંદજી કરે ચમર, એમ પધાર્યા શ્યામસુંદર ।।૨૬।।
દીઠા સત્સંગી કુસંગી જને, આવ્યા બાપુ ભાઇને ભવને । સહુ આવીને નામે છે શીશ, કહે ભલે આવ્યા જગદીશ ।।૨૭।।
ત્યારે નાથ કહે આવ્યા આજ, તારા સુતને તેડવા કાજ । ત્યારે બાપુ કહે જોડી હાથ, સુખે તેડી જાઓ મારા નાથ ।।૨૮।।
એના ભાગ્યતણો નહિ પાર, આવ્યા આ સમે પ્રાણ આધાર । એવાં સુણી બાપુનાં વચન, કહે સાધુ સર્વે ધન્યધન્ય ।।૨૯।।
પછી સંત કહે જોડી હાથ, આજ મેલી જાઓ એને નાથ । ત્યારે મહારાજ કહે ઘણું સારૂં, જાઓ માન્યું એ વચન તમારૂં ।।૩૦।।
પછી દર્શન દઇ લોકને, ચાલ્યા બાપુનો ટાળી શોકને । દિઠા સહુએ પ્રકટ પ્રમાણો, થયો પરચો જન સહુ જાણો ।।૩૧।।
કહું એક દિવસની વળી, તેડી જમવા મુનિમંડળી । જમ્યા મુનિ રાખી નહિ મણા, તોય વધ્યા છે મોદક ઘણા ।।૩૨।।
કહે બાપુ જમ્યા નહિ સંત, માટે વધિયું અન્ન અત્યંત । ત્યારે બોલ્યા છે ગોપાળ સ્વામી, ભાઇ અમે રાખી નથી ખામી ।।૩૩।।
એમ કરતાં વધ્યું હશે અન્ન, જમશે કોઇ હરિના જન । ત્યારે બાપુને આવ્યો વિશ્વાસ, હમણાં આવશે કોઇ હરિદાસ ।।૩૪।।
એમ કરતાં આવ્યા જગદીશ, સંગે સાંખ્યયોગી દશવીશ । કહે હરિ હોય ત્યાર અન્ન, છે આ ભૂખ્યા કરાવો ભોજન ।।૩૫।।
પછી બાપુએ જમાડયા તેહ, કરીતી રૂડી રસોઇ જેહ । હતા પાળા ને પ્રભુજી ક્યાંઇ, જમ્યા અલૌકિક અંગે ત્યાંઇ ।।૩૬।।
એમ આપ્યો છે પરચો એહ, વળી બીજો કહું સુણો તેહ । આપી મૂરતિ મહારાજે એક, પૂજી જળ લેવું આવી ટેક ।।૩૭।।
તેને અર્થે લાવ્યો એક હાર, ધર્યો મૂરતિ ને નિરધાર । હાર હળવો જોઇ મૂરતિ, નાખ્યો ફગાવી અળગો અતિ ।।૩૮।।
પછી બોલી છે મૂરતિ એમ, હાર હળવો ચડાવે છે કેમ । બીજે વાવરે છે બહુ ધન, ત્યાં તો મોકળું રાખે છે મન ।।૩૯।।
ત્યારે બાપુએ જોડયા છે હાથ, એતો ભૂલ્ય ઓળખાવી નાથ । ધન્ય સામર્થી તમારી સ્વામી, આજ પર્ચો પામ્યો હું બહુનામી ।।૪૦।।
વળી એક દને ગંગાબાઇ, બેઠી માનસી પૂજાને માંઇ । તિયાં કર્યો તો સુંદર થાળ, આવ્યા પ્રકટ જમવા દયાળ ।।૪૧।।
કરી દાતણને દિધિ ચિરૂં, જમ્યા જીવનજી ધિરૂં ધિરૂં । પ્રભુ પ્રકટ જમિયા થાળ, ચાલ્યા દર્શન દઇ દયાળ ।।૪૨।।
વધ્યાં ભોજન જમતાં જેહ, આપી પ્રસાદી સહુને તેહ । પામ્યા પ્રસાદી પ્રકટ સહુ, એવી વાત હું કેટલી કહું ।।૪૩।।
વળી એકદિને ગંગાબાઇ, કહું દિઠું જે સમાધિમાંઇ । થયાં મહારાજનાં દરશન, ભેળા દિઠા બહુ મુનિજન ।।૪૪।।
જાગી સમાધિમાંહિથી જ્યારે, લીધાં નામ સરવેનાં ત્યારે । જેને નાવડતું નામ એક, તેણે લીધાં છે નામ અનેક ।।૪૫।।
સહુ સાંભળી આશ્ચર્ય પામ્યાં, ધન્ય મહારાજ કહી શિશ નામ્યાં । વળી એક દિવસની વાત, સહુ સાંભળજ્યો સાક્ષાત્ ।।૪૬।।
એનો સુત તે રામસેવક, ભણતોતો ગણપતિ અષ્ટક । તેને મહારાજ સોણામાં આવી, ગયા કૃષ્ણાષ્ટક શિખાવી ।।૪૭।।
જાગી સવારે રામસેવક, કહ્યા કંઠેથી અષ્ટ તે શ્લોક । સહુ સાંભળી આશ્ચર્ય થયાં, ધન્ય નાથ કહે સર્વે રહ્યાં ।।૪૮।।
મોટા સુભાગી એ નરનાર, પામ્યા પરચા તે એમ અપાર । ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ, આપ્યાં જનને સુખ અમાપ ।।૪૯।।
તેતો કહ્યે લખ્યે નાવે પાર, કવિ બહુબહુ કરે વિચાર । જેજે આપ્યાં છે જનને સુખ, કહ્યું જાતું નથી તેતો મુખ ।।૫૦।।


ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને પિસ્તાળિસમું પ્રકરણમ્ ।।૧૪૫।।