પૂર્વછાયો-
વળી કહું એક વારતા, હરિજનની કરી હેત । સાંભળતાં સુખ ઉપજે, વળી તરે કુટુંબ સમેત ।।૧।।
સુંદર જશ સતસંગીનો, જે સુણશે વારમવાર । પરિશ્રમ વિના પામશે, આ ભવસાગરનો પાર ।।૨।।
કહેશે કથા કોડે કરી, વળી સુણશે થઇ સાવધાન । તેના મનોરથ પૂરશે, પ્રકટ શ્રીભગવાન ।।૩।।
એવી કારણિક છે કથા, સત્ય માનજ્યો સહુ કોય । હવે જશ હરિજનના, સંભળાવું વળી સોય ।।૪।।
ચોપાઇ-
એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલ્યે નામ છે કલો । કરે કૃષિ કણબીનું કર્મ, પાળે સતસંગના જે ધર્મ ।।૫।।
ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખખાણ । આવે સંત સ્વામીના જે ઘેર, કરે સેવા તેની સારીપેર ।।૬।।
સાચો સમજાણો સતસંગ, તેનો ચડયો અંગમાંહિ રંગ । વળી કરે કેફ ભરી વાત, સ્વામી પ્રભુ પોત્યે છે સાક્ષાત ।।૭।।
બીજે શીદ રહ્યા છો બંધાઇ, સહુ આવો સતસંગમાંઇ । એવી વાત કલાની સાંભળી, એના ભાઇ બીજા ઉઠયા બળી ।।૮।।
કહે ખેતવાડી ખેંચી લિયો, નાત્યમાંહિ બેસવા મ દિયો । સત્સંગ એનો દિયો મુકાવી, પછી દીન થઇ નમશે આવી ।।૯।।
પછી કુસંગીયે એમ કીધું, ખેતવાડી એનું ખેંચી લીધું । ત્યારે કલો ગયો દરબાર, કર્યો ત્યાં જઇ પોતે પોકાર ।।૧૦।।
પણ લોંઠે લાંચ ભરી તિયાં, તેણે કરી રાયે ન કર્યો નિયા । કહે કલો વાત ચિત્ત ધરો, મારો ધર્મન્યાય કોઇ કરો ।।૧૧।।
ત્યારે સહુએ વાત એમ ઝાલી, સાચા સમ ખાઇ લે તું ચાલી । પછી એજ કીધો નિરધાર, સમ ખાધા વિના નહિ પાર ।।૧૨।।
સમ વસમા દેવાને કાજ, ચાલ્યા વાડીયે લઈ સમાજ । આવ્યા સહુ સમનું સાંભળી, દેશ ગામના માલ્યક મળી ।।૧૩।।
કર્યો તપાવી લોહગોળો લાલ, કહે સાચો હો તો લઇ ચાલ્ય । જોઇ કલો કરે છે વિચાર, પ્રભુ કેમ ઉતારશો પાર ।।૧૪।।
મારે એક આધાર તમારો, વાલા આ સમે રખે વિસારો । એમ કહેતાં આવ્યા ભગવાન, દીધાં દાસને દર્શન દાન ।।૧૫।।
આવી બોલ્યા એમ અવિનાશ, કહે રહે નિર્ભય તુ દાસ । બીક તજી ગોળો લે બે હાથ, નહિ દાઝય કહે એમ નાથ ।।૧૬।।
પછી કલે ગોળો કર ઝાલી, લીધી પૃથવી પોતાની ચાલી । સહુ કહે સુણજ્યો સતસંગી, કાળું મોં લઇ ગયા કુસંગી ।।૧૭।।
એમ પરચો દઇ દયાળ, કરી નિજજન પ્રતિપાળ । વળી વાત કહું એક સારી, લેજ્યો હરિજન હૈયે ધારી ।।૧૮।।
એક ભક્ત કહીએ ભુલો નામ, રહે નકિ નંદાસન ગામ । અતિભોળો સરલ સ્વભાવ, જેને દગા પેચ નહિ દાવ ।।૧૯।।
કરે કણબી કૃષિનું કામ, ભજે સ્વામિનારાયણ નામ । વિશવાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુમાંહિ પ્રીત ।।૨૦।।
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તેની પડે નહિ સમજણ । એવી અતિશય છે ભોળાઇ, જેને સાન ગમાન ન કાંઇ ।।૨૧।।
તેતો દર્શન કરવા કાજ, ચાલ્યો તિયાં જીયાં છે મહારાજ । નહિ પોતાપાસે અન્ન જળ, માગી ખાય એવી નહિ કળ ।।૨૨।।
ડાબી જમણી ન જાણે વાટ, શીત ઉષ્ણનો નહિ ઉચ્ચાટ । એમ ચાલિયો દર્શન કાજ, ત્યારે આવિયા સામા મહારાજ ।।૨૩।।
વાલો વિપ્રતણો વેષ લઇ, ચાલ્યા ભક્ત પોતે ભેળા થઇ । પાતા પાણી ને આપતા અન્ન, લાવ્યા જનને કરી જતન ।।૨૪।।
ભેળા આવ્યા ભુજશહેર માંઇ, દેખાડી જાયગા ઝાલી બાંઇ । પછી એ રૂપ અદૃશ્ય કરી, આવી બેઠા પાટપર હરિ ।।૨૫।।
કીધાં ભક્ત ભુલે દરશન, નાથ નિરખીને થયો મગન । પછી નાથે પૂછયું એને એમ, કહો આવી શક્યા આંહિ કેમ ।।૨૬।।
અતિવૃદ્ધ ને ન ચાલે પગ, કેમ લાધો આ દેશમારગ । હતું ખરચી ભાતું ભેળું કાંઇ, કેમ પહોંચ્યા ડોસા તમે આંઇ ।।૨૭।।
કહે ભક્ત બ્રાહ્મણ ભેળો હતો, આવ્યો અન્ન ને જળ આપતો । ઔમને તેડી આવ્યો એહ આંઇ, મેલી મંદિરમાં ગયા ક્યાંઇ ।।૨૮।।
ત્યારે નાથ કહે અમે હતા, આવ્યા તારી ખબર રાખતા । દીધાં વાટ ઘાટનાં એંધાણ, મળ્યાં નદી ગામનાં નિશાણ ।।૨૯।।
ત્યારે ભક્ત કહે સર્વે સત્ય, મને લાવિયા આપી હિમત્ય । એહ પરચો પુરણ પ્રમાણો, વળી વાત એક કહું જાણો ।।૩૦।।
ઔએક કાજુ કોટેસર ગામ, તિયાં ભક્ત રહે ઝવેરનામ । થયો બાલપણે સતસંગ, લાગ્યો કડવો સર્વે કુસંગ ।।૩૧।।
દૃઢ આશરો અંતર ધારી, ભજે સહજાનંદ સુખકારી । આખા ગામ માંહિ ઘર એક, બીજાં વસે ત્યાં પાપી વિષેક ।।૩૨।।
કરે અદાવત નાખે આળ, તે ન સમઝે ભક્ત દયાળ । પાપી કહે લાગ્યું તને પાપ, એક મુકી બીજો કર્યો બાપ ।।૩૩।।
ખોટા તમે ખોટો સતસંગ, ઠાલા અમથા ફુલો છો અંગ । જો જાણતા હો સાચું જ તમે, આપો પરચો તો માનિયે અમે ।।૩૪।।
કહે ભક્ત કેટલીક વાત, આપશે પરચો પ્રભુ સાક્ષાત । તોય તમથી નહિ મનાય, પડે પ્રતીત મને મનમાંય ।।૩૫।।
વારૂ માગો પરચો સહુ મળી, આપશે વાલો મારી સાંભળી । કહે વિમુખ આ ડેરે ચડી, જીવ તારો રહે ત્યાંથી પડી ।।૩૬।।
તો સાચા તમે ને સાચી વાત, સ્વામી પણ પ્રભુ તો સાક્ષાત । પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ, ચડયો શિવાલયે તતકાળ ।।૩૭।।
મેલ્યું ત્યાં થકી પડતું તન, સ્વામી સ્વામી કરતાં ભજન । પડયું અવનિ ઉપર અંગ, જાણ્યું થાશે કલેવર ભંગ ।।૩૮।।
રહ્યો આખી અણિએ નાવ્યો આળ, ન જણાણું વપુમાંહિ વાળ । કરી જગજીવને જતન, એમ ઉગારિયો નિજજન ।।૩૯।।
પાપી વિમુખ પાછેરા પડયા, સતસંગી અંગે રંગ ચડયા । આપ્યો પરચો એમ પ્રસિદ્ધ, કહું વાત બીજી કરી વિદ્ધ ।।૪૦।।
એક અમદાવાદને માંઇ, પ્રાણવલભ દ્વિજ રહે ત્યાંઇ । ભજે સ્વામિનારાયણ નિત્ય, બીજી વારતા જાણે અનિત્ય ।।૪૧।।
એકવાર ગોદાવરી ગયો, મરકી રોગમાંહિ માંદો થયો । રહ્યો નહિ રોગ ઘણા દન, તર્ત તજી ચાલ્યો જીવ તન ।।૪૨।।
આવ્યા તેડવા તેહને નાથ, ચાલ્યો વિપ્ર મહારાજ સાથ । કહે જીવન સાંભળ્ય જન, કાંઇ ઇચ્છા રહી તારે મન ।।૪૩।।
કહે દ્વિજ મેં ન કહ્યું કેને, મારો સંશય થાશે બહુ એને । કહેશે માનવી મરે છે બહુ, મુવો તેમજ કહેશે એ સહુ ।।૪૪।।
કહે નાથ તું જા દેહમાંઇ, કહી આવ્ય તું સહુને ત્યાંઇ । પછી પાછો આવ્યો જ્યારે પ્રાણ, ત્યાંતો તન લૈ ગ્યાતા મશાણ ।।૪૫।।
ખડક્યા કાષ્ટમાં સળવળ્યું તન, સહુ આશ્ચર્ય પામિયાં મન । એક કહે ગયો તો એ મરી, કેમ આવ્યો જીવ પાછો ફરી ।।૪૬।।
પામી વિસ્મય પૂછે છે વાત, ભાઇ તારી તું કહે વિખ્યાત । કહે દ્વિજ હું ગયો તો ધામ, આવ્યો પાછો હું એટલે કામ ।।૪૭।।
આતો કાળનો વેગ છે ભારી, નાખશે નરનારીને મારી । માટે સ્વામિનારાયણ કહો, તો તમે સર્વે જીવતા રહો ।।૪૮।।
માનો મારૂં એટલું વચન, તાળી પાડીને કરો ભજન । પછી ધુન્ય કરીને દેખાડી, તાળી ભેળી પોત્યે પણ પાડી ।।૪૯।।
પછી માગી શીખ મુક્યું તન, પામિયા આશ્ચર્ય લાખો જન । થયો પર્ચો એ પ્રસિદ્ધ જાણો, જાણી આનંદ અંગમાં આણો ।।૫૦।।
જુવો સર્વે સતસંગમાંઇ, સદા સુખ દુઃખ નહિ કાંઇ । નિત્ય સહાય કરે સહજાનંદ, જોઇ મગન રહે જનવૃંદ ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને સાડત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૭।।