પૂર્વછાયો-
વળી કહું એક વારતા, સુણો તે સર્વે જન । ભિડય પડે જ્યારે ભક્તને, ત્યારે ભય હરે ભગવન ।।૧।।
કરે સહાય હરિ કષ્ટમાં, નિજસેવકની નરવીર । વસમી વેળાએ વાલ્યમો, સુખ આપે શ્યામ સુધીર ।।૨।।
સુખકારી દુઃખહારી, ધારી ટેક એ ધર્યની । દાસના અવિનાશ ત્રાસ, વિનાશન રીત ઘરની ।।૩।।
જીયાંજીયાં નિજજનની, જગજીવને કરી જતન । સુણાવું કંઇ સંક્ષેપે, સાંભળજ્યો સહુ જન ।।૪।।
ચોપાઇ-
એક વિપ્ર વાંકાનેર ગામ, હરિભક્ત નામ જીવરામ । પાળે નિજધરમ આચાર, કરે નિર્વાહ સારૂં વેપાર ।।૫।।
એમ કરી કરે ગુજરાણ, ભજે પ્રભુ પ્રકટ પ્રમાણ । પાળે પળે જેટલું વચન, કરે સ્વામી શ્રીજીનું ભજન ।।૬।।
એકવાર કણ લેવા કાજે, ગયો સિંધ દેશ બેસી ઝાઝે । વોરી ચોખા ને ભરીયું વાણ, વળ્યો સિંધથી દ્વિજ સુજાણ ।।૭।।
મળ્યા વાટમાં વળતા ચોર, મહાપાપી અધર્મી અઘોર । આડા આવીને રોકિયું ઝાઝ, માલ મિલકત લુંટવા કાજ ।।૮।।
બેડી સાથે બેડી બાંધી લીધી, કરી હાકલ ને હલાં કીધી । જ્યારે ચોર નાવે આવી ચડયા, ત્યારે ખેવટ પાણીમાં પડયા ।।૯।।
રહ્યો જીવરામ એક જેહ, તર્ત ઝાલી લીધો ચોરે તેહ । બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા છો સાત ।।૧૦।।
પછી જીવતો જળમાં નાખી, બેડી હાંકિગયા ઘેર આખી । પડયો જીવરામ જળમાંય, તરે તન જીવ નવ જાય ।।૧૧।।
પછી વિપરે કર્યો વિચાર, પડયું દુઃખ તે આજ અપાર । કેમ જાતા નથી હજી પ્રાણ, આશું બોળતો નથી મેરાણ ।।૧૨।।
કરે વિનંતિ વારમવાર, કરો સ્વામી સહજાનંદ સાર । આવો વહેલા છોડાવિયે તન, બીજી નથી ઇચ્છા હવે મન ।।૧૩।।
એમ કહી થઇ દીન અતિ, ત્યારે વારે આવ્યા પ્રાણપતિ । લાવ્યા સુંદર કોટિયું સાથ, છોડિયા બંધન થકી બેઉ હાથ ।।૧૪।।
બાંય ગ્રહિને બેસાર્યો બેડી, ચાલ્યા દયાળુ દાસને તેડી । હાલી હળવે હળવે હુડી, લાવ્યા પાર પ્રભુ રીત્ય રુડી ।।૧૫।।
ભૂખ પ્યાસની વેદના હરિ, બૂડતાં જળમાં સાય કરી । એમ ઉગારીયો નિજદાસ, આપ્યો પરચો એ અવિનાશ ।।૧૬।।
પછી ધીરેધીરે જીવરામ, ચાલ્યો આવતો તો નિજ ગામ । તેથી મોર સંભળાણી વાત, થયું જીવરામ તન પાત ।।૧૭।।
એવું સર્વે સંબન્ધી સાંભળી, આવ્યા જીવરામ ઘેર મળી । કહે સમાચાર એવો આવ્યો, જીવરામ તો ધામ સધાવ્યો ।।૧૮।।
ત્યારે બોલી એ દ્વિજની માત, એવી કરશો માં કોઇ વાત । મારો મુવો નથી જીવરામ, તમે જાઓ ઘેર કરો કામ ।।૧૯।।
પછી સહુએ બહુબહુ કહ્યું, ડોશી તારૂં છે કઠણ હયું । પણ જાય છે દ્વિજનો ધર્મ, વહુને કરાવિયે ચુડાકર્મ ।।૨૦।।
ત્યારે ડોશી થયાં દલગીર, ભર્યાં લોચનિયાંમાંહિ નીર । ત્યારે એ સમે આવિયા શ્યામ, ડોશી નથી મુવો જીવરામ ।।૨૧।।
બોલ્ય સહુને આગે હોડ બકી, કાલ બપોરે આવશે નકી । પછી ડોશીયે તેમજ કહ્યું, આવ્યો જીવરામ સત્ય થયું ।।૨૨।।
ઔએમ પરચો આપી મહારાજ, કર્યું ભક્ત બ્રાહ્મણનું કાજ । વળી વાત અનુપમ અતિ, સુણિ લેજ્યો સહુ શુભમતિ ।।૨૩।।
એક સત્સંગી ગોલિડું ગામ, ભજે સ્વામિનારાયણ નામ । સંત સાચા જાણે સ્વામિતણા, ગણે બીજાને કપટી ઘણા ।।૨૪।।
એવું ગામ બધું ગુણવાન, સુણે વાત હેતે દઇ કાન । તેમાં એક કુસંગી અભાગી, ફશ્યો ફેલમાં ન શક્યો ત્યાગી ।।૨૫।।
તેને લેવા આવ્યા જમરાણ, ધાયા કિંકર લઇ ધમસાણ । તિયાં ભક્ત રહે ભાઇ ચાર, રાજગુરુ બ્રાહ્મણ ઉદાર ।।૨૬।।
ભીમ વશરામ રાઘવ રાણો, ચાર ભક્ત પ્રભુના પ્રમાણો । ઔતેણે દીઠું જમદળ જ્યારે, મને વિચારીયું મળી ચ્યારે ।।૨૭।।
ઔઆપણે શ્રી મહારાજના છીએ, એ જીવ જમને કેમ દઇએ । પ્રભુ પ્રતાપ ઉરમાં ધારી, ચાલો સહજાનંદજી સંભારી ।।૨૮।।
જ્યારે વાળીયે જમને પાછા, ત્યારે આપણે સત્સંગી સાચા । એમ પરિયાણી ભાઇ ચાર, આવ્યા જમને આડા તેવાર ।।૨૯।।
કહે પાપી પાછા વળો તમે, ગરવા ગામમાં નહિ દૈયે અમે । કહે જમ જાળવ્ય ઘર તારૂં, આખા ગામનું નહિ થાય વારું ।।૩૦।।
કહે ભક્ત આ સર્વે સ્વામીના, પ્રભુ પ્રકટ બહુનામીના । કહે જમ એ જુઠું સઘળું, એને લીધા વિના નવ વળું ।।૩૧।।
કહે ભક્ત ખાશો માર જ્યારે, પાપી ભાગશો તમે તે વારે । ત્યારે જમ કહે જા તારે ઘર, એમ કહીને ઉગામ્યો કર ।।૩૨।।
ત્યારે ભીમ રાણો ભડ ભારી, કૃતાંત દાંતમાં ડાંગ મારી । થયો કડાકો વસમી વીતિ, જમ ભક્તને ન શક્યા જીતી ।।૩૩।।
પામ્યા ભય ભાગ્યા જમરાણ, આતો જન દિસે છે જોરાણ । ભક્ત તમે સાચા સાચા સ્વામી, અમે જાઇએ છીએ હાર પામી ।।૩૪।।
એમ જન જીત્યા જમસાથે, કરી સાય સેવકની નાથે । જેને બળ બહુનામીતણું, માન્યું પોતાને સેવકપણું ।।૩૫।।
તેથી જાણો કોણ ન જીતાય, આ લોક પરલોકને માંય । એનું આશ્ચર્ય કાંઇ મ જાણો, આપ્યો પરચો એ પરમાણો ।।૩૬।।
ઔપછી આવ્યો એ પ્રાણીનો અંત, ત્યારે તેડવા આવિયા સંત । એમ આપ્યો પરચો એ નાથ, વળી સાંભળજ્યો એક ગાથ ।।૩૭।।
વીત્યાં વર્ષ માસ કાંઇ દન, આવી અવધ્યે તજ્યું રાણે તન । મુવા મોરે સહુને જણાવ્યું, કહે મોત માનો મારૂં આવ્યું ।।૩૮।।
જેને આવવું હોય જરૂર, ચાલો તેડીજાઉં બ્રહ્મપુર । એમ સહુને કહે વળીવળી, સહુ સામું જોઇ રહે સાંભળી ।।૩૯।।
પછી માત સુતે માની વાત, કહે અમે આવશું સંગાત । પછી તજ્યું રાણે જ્યારે અંગ, માત સુત લઈ ચાલ્યો સંગ ।।૪૦।।
એવો પ્રતાપ મહારાજતણો, શું કહિએ મુખથી ઘણોઘણો । કહું વારતા એક હું વળી, સહુ થાશો થકિત સાંભળી ।।૪૧।।
એક નાસ્તિકી આરજ્યા થઈ, મુંડાઇ માંડવધારે રઇ । તેને રહીગઇ એવી આશ, ખાધું સર્વસ્વ ન ખાધું માંસ ।।૪૨।।
પછી મરીને મરકી થઇ, માર્યા માંડવધારમાં કઇ । એક બાળી આવે ઘરબહાર, ત્યાંતો બીજું થયું હોય ત્યાર ।।૪૩।।
તેને ઉપાડી જઇ મુકે આગ્ય, ત્યાંતો ત્રીજું કરે તનત્યાગ । એમ અહોનિશ માનવી મરે, મરકી ભક્ષ માણસનો કરે ।।૪૪।।
પછી સત્સંગી મળી સુજાણ, આવ્યા પ્રભુ પાસે જોડી પાણ । કહે મહારાજ ત્યાં લગી આવો, રાંડ મરકીને મારી નસાવો ।।૪૫।।
ત્યારે નાથ કહે જાઓ તમે, સારૂં સંત ને આવશું અમે । પછી પધાર્યા સંત ને શ્યામ, ત્યારે મુકી ગઇ મરકી ગામ ।।૪૬।।
દીઠી સંતે તે મૂરતિમાન, ભર્યા દંત રૂધિરે નિદાન । એવા પરચા બીજા અપાર, કહેતાં લખતાં ન આવે પાર ।।૪૭।।
ધન્ય સતસંગી ધન્ય શ્યામ, પૂરી હરિએ હૈયાની હામ । જે જે જનની કરી સહાય, તેતો મુખથી કહ્યું ન જાય ।।૪૮।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા-નંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિમધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને છત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૬।।