એકસો ને પાંત્રિશમું પ્રકરણ

પૂર્વછાયો-
વળી કહું એક વારતા, સાંભળી છે સુંદર સોય । સામર્થી શ્રીમહારાજની, સાંભળજ્યો સહુ કોય ।।૧।।
સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ । મુક્ત જક્તમાંહિ જોઇને, બળી ઉઠયા માયાના બંધ ।।૨।।
તેણે ઉપાધી આદરી, કરે સાધુને સંતાપ । મનસુબો કરે મારવા, એવું પાપીને મન પાપ ।।૩।।
સંત ફરે સર્વે દેશમાં, કરવા પ્રભુની વાત । ભેખ અસુર ભેળા થઇ, માંડયો અતિ ઉતપાત ।।૪।।

ચોપાઇ-
ભેખધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામીના સાધુ ફરે છે । તેને મરાવી નાખીયે જ્યારે, થાય આપણને સુખ ત્યારે ।।૫।।
માટે સહુ મળીને વિચારીયે, એના મોટા મોટાને મારીયે । મુક્તાનંદ આદિ જે મોટેરા, છે અધિકારી સતસંગ કેરા ।।૬।।
મોરથી એનો આણિયે અંત, તો સહુ થાયે આપણે નચિંત । પછી અમદાવાદને માંઇ, સ્વામી મુક્તાનંદ હતા ત્યાંઇ ।।૭।।
તેને આપિયું હળાહળ વિષ, પાપીયે પરસાદિને મિષ । તિયાં શ્રીહરિયે કરી સહાય, પ્રસાદી ન મેલી મુખમાંય ।।૮।।
પણ ચંદનમાં હતું મૃત, તેતો ચર્ચિયું અંગમાં તુર્ત । અતિ આકરૂં ઝેર છે જેહ, સ્પર્શે રહે નહિ કેનું દેહ ।।૯।।
તેતો ચર્ચ્યું મુક્તાનંદ તને, તિયાં સહાય કરી ભગવને । મુક્તાનંદને ન આવ્યો આલ, ગઇ ચર્ચનારા કરખાલ ।।૧૦।।
જેણે નજર ભરી જોયું એજ, તેનું ક્ષીણ થયું નેણતેજ । એવું હળાહળ વિષ ભારી, તેથી મુક્તને લીધા ઉગારી ।।૧૧।।
એમ શ્રીહરિએ કરી સાર, મુક્તાનંદજીની વાલે વાર । બીજી વાત કહું એક વળી, સહુ મુદિત થાશો સાંભળી ।।૧૨।।
મોટી મંડળી બાંધી મહંત, ગયા સુરત શહેરમાં સંત । અતિ ત્યાગી ધન ત્રિયાતણા, જ્ઞાની ધ્યાની ને ભજની ઘણા ।।૧૩।।
મુમુક્ષુને મેળવે મહારાજ, આપી ઉપદેશ કરે કાજ । બીજે ભેખે ભર્યું સારૂં શહેર, જેને ધર્મ દયા નહિ મહેર ।।૧૪।।
તેણે સાચા સંતને સાંભળી, ભેખ ઉઠયા ઠામો ઠામ બળી । અતિ દ્વેષે વસાવિયું વેર, આપ્યું ભિક્ષાની ઝોળીમાં ઝેર ।।૧૫।।
ખાધું ષટદશ સંતે મળી, જમતાં વેંત પડયા ભોંયે ઢળી । મળ્યો કંઠ પડી જીભ ટુંકી, નાડી સહુની ગઇ ઘર મુકી ।।૧૬।।
તેહ સમે આવ્યા મહારાજ, વિષ જનનું વાળવા કાજ । આપ્યાં અલૌકિક દરશન, નિરખી જન થયા છે મગન ।।૧૭।।
હતું વિષનું દુઃખ અપાર, નાથ નિરખી ન રહ્યું લગાર । એમ ઉગારિયા નિજજન, આપી પરચો એ ભગવન ।।૧૮।।
વળી વાત એક સુણો સહુ, સંત સહાય કરે હરિ બહુ । એક ગામ નામે જલસેણ, તિયાં સંત ગયા સુખદેણ ।।૧૯।।
કરે હરિ કથા કરી પ્રીત, અતિ તને ત્યાગી ઇંદ્રિજીત । દિયે મોક્ષ મારગ દેખાડી, સત્ય અસત્ય વિગતિ પાડી ।।૨૦।।
એવા દેખી સાધુ શિરોમણિ, થઇ દુષ્ટ દલે દાઝય ઘણી । આતો ખરા વેરી છે આપણા, જાય જીવથી તો ન રહે મણા ।।૨૧।।
પછી પાપી નરે પરિયાણ્યું, મુનિ મારવાને વિષ આણ્યું । મુકી રાખ્યું તે અન્નમાં મેલી, નાખ્યું ઝોળીમાંહિ ઝેર ભેળી ।।૨૨।।
ખાધું સંત મળી વળી ચારે, પડયું પેટમાંહિ ચડયું ત્યારે । અતિ વિષ આકરૂં અગાધ, ખાતાં વેંત રહિ નહિ સાધ ।।૨૩।।
નીલા કાચસમ થઇ કાયા, આવી મુઝય ને સંત મુઝાયા । રૂંધ્યો કંઠ બોલી બંધ થઇ, ઉગરવાની આશા ન રહી ।।૨૪।।
કરે અંતરમાંહિ ભજન, આવો અંતકાળે ભગવન । એકવાર દરશન દીજે, સ્વામી સાર સેવકની લીજે ।।૨૫।।
એમ કહેતાં આવ્યા અવિનાશ, પ્રભુજી સંત પોતાના પાસ । આવ્યા અલૌકિકરૂપે આપ, હર્યો સંતનો તર્ત સંતાપ ।।૨૬।।
વિષ વાળી દિધું દરશન, નિરખી જન થયા પરસન । કહે ધન્ય ધન્ય મહારાજ, તમે મૃત્યુથી ઉગાર્યો આજ ।।૨૭।।
તમે આવત નહિ આવાર, અમે ચાલ્યા હતા સંત ચાર । એમ કહીને લાગિયા પાય, ધન્ય નાથ કરી તમે સાય ।।૨૮।।
એમ ઉગારિયા નિજજન, પૂર્યો પરચો એ ભગવન । જેહ સંતને આપ્યું આનંદ, તેનું નામ છે આતમાનંદ ।।૨૯।।
વળી વાત કહું કરી વિવેક, સ્વામી અનંતાનંદની એક । ગયા ફરવા કરવા વાત, પ્રભુ પ્રકટની તે સાક્ષાત ।।૩૦।।
શહેર બુરાનપુરમાં જઇ, કરે વાત પ્રભુની ત્યાં રઇ । એક દિવસે સંત બેચ્યાર, ગયા નાવાને તાપી મોઝાર ।।૩૧।।
ભોળા સંત પડયા પૂરમાંઇ, જેને સાન ગમાન ન કાંઇ । પાણી અથાહ વહે ભમરી, પડયા તે મધ્યે ન જાણે તરી ।।૩૨।।
લીધા ભમરીયે ઘાલ્યા તળે, જેમાં આવ્યો કોઇ ન નિકળે । તેહમાંહિ રહ્યા ઘડી ચ્યાર, આવ્યા વાલમ કરવા વાર ।।૩૩।।
મનોહર સુંદર મૂરતિ, છબી નૌતમ અલૌકિ અતિ । દિધું જળમાંહિ દરશન, નિરખી હરખિયા નિજજન ।।૩૪।।
પછી ઉછાળિ કાઢિયા બહાર, એમ કરી સેવકની સાર । આવ્યા આરે પૂછે મળી જન, મોટું આશ્ચર્ય રહ્યું જે તન ।।૩૫।।
કહે અનંતાનંદ એ ખરૂં, આજ નિશ્ચે નોતું જે ઉગરૂં । કરી મહારાજે મારી સહાય, કાઢયો નાથે મને ઝાલી બાંય ।।૩૬।।
વળી દરશન દીધું અલૌકિ, આપે ગયા આરે મને મૂકી । ત્યારે સહુ કહે ધન્ય ધન્ય, પામ્યા પરચો તમે સાધુજન ।।૩૭।।
એમ જળથી જન ઉગાર્યો, મહાદુઃખમાંથી તર્ત તાર્યો । એવા પરચા લાખ હજાર, પ્રભુ પૂરે છે વારમવાર ।।૩૮।।
કહેતાં લખતાં ન આવે અંત, જે પામ્યા છે પ્રભુજીથી સંત । ઘડિઘડિ પળપળમાંય, સ્વામી કરે સેવકની સાય ।।૩૯।।
એમ નાથ ન કરે જો વાર, પડે વિઘ્ન તો લાખહજાર । દેવ દાનવ પશુ પનંગ, ભૂત પ્રાણી નર ધર અંગ ।।૪૦।।
એવા વિઘ્નથી ઉગારે આપ, ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ । જે જે આપ્યું જનને આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૪૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી તથા આત્માનંદ સ્વામી તથા અનંતાનંદ સ્વામી એ આદિને પરચા પૂર્યા એ નામે એકસો ને પાંત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૫।।