શ્લોક ૨૧૨

निजाश्रितानां सकलार्तिहन्ता, सधर्मभक्तेरवनं विधाता । 

दाता सुखानां मनसेप्सितानां, तनोतु कृष्णो।खिलमङ्गलं नः ।।२१२।।
इति श्रीसहजानन्दस्वामिलिखिता शिक्षापत्री समाप्ता 

પોતાના આશ્રિત ભક્તજનોની સમગ્ર પીડાને નાશ કરનારા, અને ધર્મ સહિત ભક્તિનું રક્ષણ કરનારા, તથા ભક્તોને મનવાંછિત સુખને આપનારા, એવા શ્રીકૃષ્ણ ભગવાન અમારાં સમગ્ર મંગળને વિસ્તારો. 

શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ભગવાન શ્રીકૃષ્ણ શરણે આવેલા જનોની સમગ્ર પીડાને હરનારા છે. જે જીવો ભગવાનને શરણે થાય છે, અને રક્ષણનો સંપૂર્ણ ભાર જ્યારે ભગવાનને સમર્પિત કરી દે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ રક્ષણના ભારની જવાબદારી સ્વીકારીને ભક્તોની પીડાને હરે છે. અને એ શરણાગત ભક્તને મૃત્યુરૂપી સંસાર સાગરથી રહિત કરીને નિર્ભય પણાને પમાડે છે. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે. नान्यत् तव पदाम्भोजात् पश्यामि शरणं नृणाम् । बिभ्यतां मृत्युसंसारादीश्वरस्यापवर्गिकात् ।। इति ।। આ શ્લોકમાં કુંતાજી ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે, હે કૃષ્ણ ! જે મનુષ્યો મૃત્યુરૂપી સંસારસાગરથી ભય પામેલા હોય, એ મનુષ્યોને તમારા ચરણકમળનું જે શરણ છે એજ નિર્ભયપણાને પમાડનાર છે. કુંતાજી કહે છે કે, હે પ્રભુ ! ભય પામેલા પુરુષને તમારાં ચરણકમળની પ્રાપ્તિ સિવાય બીજું કોઇપણ શરણું હું જોતી નથી. જ્યારે પુરુષ તમારાં ચરણકમળનું જ શરણું સ્વીકારે, ત્યારે જ એ પુરુષ સંસારના ભયથી રહિત થઇને મોક્ષપદને પામે છે. અને વળી मर्त्यो मृत्युव्यालभीतः पलार्यंल्लोकान् सर्वान्निर्भयं नाध्यगच्छत् । त्वत्पादाब्जं प्राप्य यदृच्छाया।द्य स्वस्थः शेते मृत्युरस्मादपैति ।। इति ।। આ શ્લોકમાં દેવકીજી ચતુર્ભુજ શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કહે છે કે, મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભય પામીને સર્વ લોકમાં દોડે છે.પણ કોઇ જગ્યાએ નિર્ભય સ્થાનને પામતો નથી. અને પછી જ્યારે દૈવ ઇચ્છાથી તમારા ચરણકમળનું શરણું સ્વીકારે છે. ત્યારે જ એ પુરુષ મૃત્યુરૂપી સર્પના ભયથી રહિત થઇને સુખપૂર્વક શયન કરે છે. પણ જે જીવો ભગવાનને શરણે જ થતા નથી, તેની પીડાને ભગવાન હરતા નથી.

અને વળી પરમાત્મા શ્રીકૃષ્ણ ધર્મ સહિત ભક્તિનું રક્ષણ કરનારા છે. અર્થાત્ ભાગવત ધર્મનું રક્ષણ કરનારા છે. ભગવાનના અવતારો પણ ભાગવત ધર્મના રક્ષણને માટે જ થાય છે. 

અને વળી પરમાત્મા શ્રીકૃષ્ણ પોતાના આશ્રિતોને મનવાંછિત સુખને આપનારા છે. માણસ જેવા ભાવથી પરમાત્માને ભજે છે, તેવા જ ફળનો ઉદય થાય છે. આવા જે શ્રીકૃષ્ણ ભગવાન સર્વે કાર્યોમાં અમારું મંગળ વિસ્તારો. सर्वदा सर्वकार्येषु नास्ति तेषामङ्गलम् । येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः ।। इति ।। આ શ્લોકમાં ભીષ્મપિતામહે યુધિષ્ઠિર રાજા પ્રત્યે કહેલું છે કે, હે રાજન્ ! જેઓના હૃદયમાં મંગલમૂર્તિ એવા શ્રીકૃષ્ણ ભગવાન બિરાજમાન થયેલા હોય, એવા પુરુષોનું હમેશાં સર્વકાર્યોમાં અમંગળ થતું નથી. સર્વદા મંગળ જ થાય છે. કારણ કે શ્રીકૃષ્ણભગવાન પોતે જ મંગળમૂર્તિ છે. આ રીતે શ્રીજીમહારાજે અંતમાં શ્રીકૃષ્ણભગવાનને સંભારીને મંગલાચરણ કરેલું છે. અને હવે આ ભાષ્યના અંતમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામીએ પણ પ્રભુની પ્રાર્થના કરીને મંગલાચરણ કરેલું છે- ''इत्यर्थदीपिका टीका शिक्षापत्र्या यथामति । रचिता।।र्षप्रमाणाढय तया प्रीतो।स्तु मे हरिः'' ।। इति ।। શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી પ્રભુની પ્રાર્થના કરતાં કહે છે કે, મારી બુદ્ધિને અનુસારે મેં આ શિક્ષાપત્રીની વ્યાખ્યા કરેલી છે, પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. 

।। इति श्रीमदुद्धवसंप्रदायप्रवर्तक श्री सहजानंदस्वामिलिखिता शिक्षापत्र्याः शतानंदविरचिता।र्थदीपिकाख्या टीका समाप्ता ।।