શ્લોક ૧૫૦

स्वाचार्यान्न ऋणां ग्राह्यं श्रीकृष्णस्य च मन्दिरात् । ताभ्यां स्वव्यवहारार्थं पात्रभूषांशुकादि च ।।१५०।।


અને વળી મારા આશ્રિત ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, પોતાના આચાર્ય થકી તથા ભગવાનના મંદિર થકી ઋણ ગ્રહણ કરવું નહિ. અને વળી પોતાના આચાર્ય થકી તથા ભગવાનના મંદિર થકી પોતાના વ્યવહારને માટે પાત્રો, ઘરેણાં અને વસ્ત્રાદિક માગી લાવવાં નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ગુરૂનું કે દેવનું દ્રવ્ય ક્યારેય ગ્રહણ કરવું નહિ. ''प्राणापदं विना नैव ऋणं कार्यं हि कस्यचित् । देवद्रव्यं गुरुद्रव्यं विषवद्दूरस्त्यजेत्'' ।। इति ।। આ અંગીરામુનિના વાક્યનો એ અર્થ છે કે, પ્રાણની આપત્તિ વિના કોઇનું પણ ઋણ કરવું નહિ. અને તેમાં પણ દેવના દ્રવ્યનો અને ગુરૂના દ્રવ્યનો ઝેરની પેઠે દૂરથી જ ત્યાગ કરી દેવો. કારણ કે તેમાંથી અનેક વિવાદો સર્જાય છે. આ મંદિર અને આચાર્ય એક એવું સ્થાન છે કે તેમના માટે સર્વત્ર સમભાવ હોવો જોઇએ. મંદિર થકી કે આચાર્ય થકી જો એકને ઋણ આપવામાં આવે તો બીજો પણ લેવા માટે આવે. અને તેને જો ન આપીએ તો સંપ્રદાયમાં ભેદભાવ ઉભો થાય છે. અને જે આવે એ સર્વેને આપવા માંડે તો ધર્મસ્થળ એક બેન્ક બની જાય છે. અને વળી આપણે મંદિરમાંથી કે આચાર્ય થકી ઋણ લીધેલું હોય તેને બીજો કોઇ જાણતો ન હોય. અને કદાચ અચાનક આપણો દેહ પડી જાય અને ઋણ પાછું ન આપી શકાય તો મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે. કારણ કે દેવનું અને ગુરૂનું દ્રવ્ય આપણા ઘરમાં રહી ગયું. તેથી વંશપરંપરા પણ દુઃખી થઇ જાય છે. માટે ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે પોતાના આચાર્ય થકી અને મંદિર થકી ઋણ ગ્રહણ કરવું નહિ, આવો અભિપ્રાય છે.


અને વળી આપણે ઘેર લગ્ન જેવા વ્યાવહારિક પ્રસંગો આવે, તો એ વ્યવહારના પ્રસંગોમાં પોતાના આચાર્ય પાસેથી કે ભગવાનના મંદિર થકી ત્રાંસ, કડાયાં આદિક પાત્રો, તથા કુંડલાદિક અલંકારો, વસ્ત્રો તથા વાહનાદિક કોઇપણ વસ્તુ ગ્રહણ કરવી નહિ. કારણ કે એ વસ્તુ ધર્માદાની હોય, તેથી કોઇ ધર્મપ્રસંગ હોય તેમાં વાપરી શકાય, પણ વ્યવહારિક પ્રસંગમાં ધર્માદાની વસ્તુ વાપરી શકાય નહિ. અને જો ધર્માદાની વસ્તુ પોતાના વ્યવહારકાર્યમાં વાપરે છે તો એ જરૂર દુઃખી થાય છે. આ બાબતમાં એક સ્મૃતિવાક્ય પ્રમાણરૂપ છે. ''इष्टकाकाष्ठाश्मलौहान् देवालयगतान् गृहि । गृहणीयान्नात्मगेहार्थं गृान् प्राप्नोति यातनाः'' ।। इति ।। આ યમરાજાનું વાક્ય છે. યમરાજા કહે છે કે, ભગવાનના મંદિરમાં કોઇ ઇંટ, કાષ્ટ કે પથ્થર રહેલો હોય, અથવા તો કોઇ લોખંડની વસ્તુ રહેલી હોય તો એ વસ્તુને ગૃહસ્થાશ્રમી પુરુષોએ પોતાના ઘરને માટે ક્યારેય પણ લેવી નહિ. અને જો લે તો એ યમયાતનાને પામે છે. અર્થાત્ યમરાજા કહે છે કે- અમારે ત્યાં યમપુરીમાં આવીને જરૂર તેને દુઃખ ભોગવવું પડે છે. અને વળી એજ રીતે ગુરૂ બ્રાહ્મણ અને કોઇપણ તપસ્વિ પુરુષના વસ્ત્રાદિક દ્રવ્યને પોતાને માટે ગ્રહણ કરવાં નહિ. અને આપણે એમની સેવા કરતા હોઇએ અને રાજી થઇને સેવાના પુરસ્કાર રૂપે આપે તો ગ્રહણ કરવામાં દોષ નથી. એજ રીતે આપણે મંદિરની અંદર સેવા કરતા હોઇએ અને સંતો જો રાજી થઇને પુસ્તક કે માળા આદિક કોઇપણ વસ્તુ આપે તો લેવામાં દોષ નહિ. પણ આપણે જો મંદિરમાં કાંઇપણ સેવા કરતા ન હોઇએ છતાંપણ મંદિરમાંથી સંતો પ્રસાદી આપે તો લેવી નહિ. કારણ કે, એ પ્રસાદી પણ ધર્માદાની હોય છે, તેથી અવશ્ય પોતાને માટે ભારરૂપ બને છે, અને દેનારને પણ ભારરૂપ બને છે. માટે શ્રીજીમહારાજનો અભિપ્રાય એવો છે કે, પોતાના આચાર્ય થકી કે શ્રીકૃષ્ણના મંદિર થકી હરામની કોઇપણ વસ્તુ લેવી નહિ. ।।૧૫૦।।