શ્લોક ૧૪

आत्मघातस्तु तीर्थे।पि न कर्तव्यश्च न क्रुधा । अयोग्याचरणात् क्वापि न विषोद्बन्धनादिना ।।१४।।

અને વળી મારા આશ્રિતો હોય તેમણે, તીર્થને વિષે પણ આત્મઘાત કરવો નહિ. અને ક્રોધના નિમિત્તે તથા અયોગ્ય આચરણના નિમિત્તે ઝેર ખાઇને કે ગળે ટુપો ખાઇને કે કૂવામાં પડીને ઇત્યાદિક કોઇ રીતે આત્મઘાત કરવો નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જેમ બીજા મનુષ્યના શરીરનો વધ કરવો નહિ, તેમ પોતાના શરીરનો પણ વધ કરવો નહિ. જગતમાં એમ કહેવત છે કે તીર્થમાં જઇને જો મરે તો એનો મોક્ષ થાય. એમ જો તીર્થમાં જઇને મરવાથી મોક્ષ થઇ જતો હોય, તો અંત વખતે સર્વે મનુષ્યો તીર્થમાં જઇને જ મરે, અને સર્વે મોક્ષભાગી થઇ જાય. શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- તીર્થમાં જઇને જે મરવું, એ મહા અધમ પાપ છે. તીર્થમાં જઇને મરવાથી ક્યારેય પણ મોક્ષ થતો નથી. પરંતુ ત્યાં જઇ ભગવત્સ્મરણ કરવાથી જ મોક્ષ થાય છે. પણ શરીર ત્યાગવાથી નહિ. તીર્થમાં જઇને શરીર ત્યાગવા વિષે કોઇ શાસ્ત્રોમાં વાક્યો જો આવતાં હોય તો એ સત્યયુગ પરત્વે છે, એમ સમજવું. પણ કળીયુગમાં નહિ. માટે અતિ તુચ્છ સ્વર્ગાદિકનાં સુખની પ્રાપ્તિને માટે કે મોક્ષની ઇચ્છાથી સમગ્ર પુરૂષાર્થોને સાધી આપનાર એવા મનુષ્ય શરીરનો વધ કરવો જ નહિ. આ મનુષ્ય શરીરથી ભગવાનની ભક્તિ થઇ શકે છે. અને ભક્તિવડે તો સર્વે પુરૂષાર્થોની પ્રાપ્તિ થાય છે. ભક્તિવડે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. અને જો આ શરીરનો નાશ કરી નાખે તો ભક્તિ પ્રાપ્ત થઇ શકે નહિ. અને ભક્તિ વિના તો કોઇ પુરૂષાર્થોની પ્રાપ્તિ થાય નહિ. અને સ્વર્ગ કે મોક્ષની પણ પ્રાપ્તિ થાય નહિ. અને નરકની પ્રાપ્તિ થાય છે. માટે શાસ્ત્રોમાં કદાચ કહેલો હોય છતાં કળીયુગમાં તો એ આત્મઘાત કોઇપણ પ્રકારે ક્યારેય કરવો નહિ. 


આ પ્રમાણે શાસ્ત્રીય આત્મઘાતનો નિષેધ કરીને, હવે કેટલીક વાર સ્વભાવને વશ થઇને આત્મઘાત થતો હોય છે, તેનો પણ નિષેધ કરે છે- આત્મઘાત ક્રોધથી પણ થાય છે. માણસમાં જ્યારે ક્રોધ વ્યાપે છે, ત્યારે એ માણસ એટલો બધો વિકળ બની જાય છે કે, એ વખતે વિચાર વિવેકનું ભાન રહેતું નથી. એ ક્ષણ અતિ ભયંકર અંધકારમય હોય છે. આત્મઘાત કરનારો કાંઇ પણ વિચારી શક્તો નથી. એને વિચારમાં અને દૃષ્ટિમાં અંધકાર દેખાય છે. અંધકારમાં ને અંધકારમાં માણસ આત્મઘાત કરી બેસે છે. માટે શ્રીહરિનો અભિપ્રાય એ છે કે- જ્યારે ક્રોધ આવે ત્યારે ધીરજ અને વિવેકે કરીને ક્રોધને દૂર કરવો. પણ ગળે ટુપો ખાઇને કે ઝેર ખાઇને અથવા કૂવામાં પડીને ઇત્યાદિક કોઇ રીતે આત્મઘાત કરવો નહિ.


અને વળી લોક લજ્જાથી પણ આત્મઘાત થતો હોય છે. પોતાથી બહુ ભયંકર એવું અયોગ્ય આચરણ થઇ ગયું હોય, અને સર્વે મનુષ્યો એમને ફિટકારતાં હોય, તિરસ્કાર પૂર્વક કરડી નજરે જોતાં હોય, સમાજમાં ક્યાંય મોઢું બતાવાય એવી સ્થિતિ ન હોય ત્યારે દૂર દેશમાં ચાલ્યા જવું અને ત્યાં પ્રાયશ્ચિત કરીને ભગવાનનું ભજન કરવું પણ આત્મઘાત કરવો નહિ. આત્મઘાત કરનારને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં શ્રુતિનું વાક્ય છે. आसुर्या नाम ते लोका अन्धेन तमसा वृत्ताः । तांस्ते प्रेत्या।भिगच्छन्ति ये के चात्महनो जनाः ।। इति ।। અર્થઃ- આત્મઘાત કરનારા મનુષ્યો ઘોર નરકને પામે છે. અને પોતે મનુષ્ય શરીરને વ્યર્થ ગુમાવેલું હોવાથી, અને મનુષ્ય શરીરની કિંમત સમજી ન હોવાને કારણે ફરીવાર, આત્મહત્યા કરનારા જનો મનુષ્ય જન્મને પામતા નથી. પરંતુ પશુ-પક્ષીના જન્મને પામે છે, આવો ભાવ છે. ।।૧૪।।