રાગ ધન્યાસરી -
મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજન વલ્લભ શ્રીવ્રજરાજજી ।
મે'ર મુજ ઉપર કરો એવી આજજી, અંતર ઇચ્છેછે ગાવા ગુણ કાજજી ।।૧।।
ઢાળ – ગુણ ગાવા ગોવિંદ તમારા, ઇચ્છા તે મુજને અતિ ઘણી ।
૧ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી ।।૨।।
સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મેં પેખિયું ।
જપ તપ તીરથ જોગ યજ્ઞા, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।।
દાન પુણ્ય ને વ્રત વિધિ, કરે ભક્તિ નવધા કોય ।
સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન ઘૃત વીણ હોય ।।૪।।
નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં ફુલ ।
તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ૨ચંડૂલ ।।૫।।
પ્રેમ ૩પખિ છે લૂખી જો ભગતિ, કોઇ અનેક ગુણ ભાખે ભણે ।
ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ 4કોવિદને કોણ ગણે ।।૬।।
સ્નેહ વિના લૂખું લાગે, કથતાં તે કોરૂં જો જ્ઞાન ।
હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન ।।૭।।
સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું ।
પંકજનયનની પ્રીત વિના, અમથું શું રહેવું ઉદાસનું ।।૮।।
૫નેહનાં નયણે નીર વરસે, ગાતાં ગદગદ ગિરા નિસરે ।
કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને વિસરે ।।૯।।
પ્રીતે ચિત્ત ચરણે સોંપી, અને સ્નેહ સાચો જે કરે ।
નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। કડવું ।।૧।।