પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચવિંશઃ પ્રકાર ૨૫<br />

દોહા -
વળતું વાલમે વિચારીયું, ઉત્સવ કરવા અનેક ।
સહુ જન મળે સાંમટા, સમઝાય સહુને વિવેક ।।૧।।
વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર ।
એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર ।।૨।।
અખંડ રહેશે ઉત્સવ એહ, નથી એક બે વરસની વાત ।
માટે ઉપાય બીજો કરૂં, જેથી થાશે સહુ રળીયાત ।।૩।।
મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારૂં માંય ।
સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય ।।૪।।

ચોપાઇ -
જિયાંલગિ દર્શન અમે દૈયેરે, વળી સમૈયે અમે આવિયેરે ।
પણ અવાય નહિ સમૈયેરે, દરશન વિના દાઝે જન હૈયેરે ।।૫।।
માટે મૂર્તિયો અતિ સારીરે, કરી મંદિર દિયો બેસારીરે ।
તેને પૂજે પ્રેમ વધારીરે, ત્યાગી ગૃહી વળી નરનારીરે ।।૬।।
એમ વાલમે કર્યો વિચારરે, માંડયાં મંદિર કરવા તે વારરે ।
અમદાવાદમાં કરાવિ મંદિરરે, તિયાં બેસારિયા બેઉ વીરરે ।।૭।।
નર નારાયણ સુખરાશીરે, પધરાવી કરાવી ચોરાશીરે ।
જેજે દર્શન કરશે એનાંરે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાંરે ।।૮।।
(દોહા - મંગલમૂર્તિ મહાપ્રભુ , શ્રીસહજાનંદ શ્યામ ।
સુખસાગર સંતાપ હરન, રટુ નિરંતર નામ ।।૧।।
ગોવિંદને ગમતું સદા, ગામ વ્રતાલ વિશેષ ।
જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ ।।૨।।)
વરતાલ મંદિર આદર્યુંરે, તેતો સહુથી સરસ કર્યુંરે ।
નવ મંદિર સુંદર સારાંરે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાંરે ।।૯।।
પૂરવ દિશાનાં મંદિર ત્રણરે, માંય મૂર્તિઓ મન હરણરે ।
લક્ષ્મીનારાયણ જાણો જોડયરે, એતો બેસાર્યા શ્રીરણછોડરે ।।૧૦।।
ઉત્તર મંદિરે ધર્મ ભગતિરે, પાસે પોતાની મૂરતિરે ।
દક્ષિણ દેરામાંહિ રાધાકૃષ્ણરે, જોઇ જન મન થાય પ્રશ્નરે ।।૧૧।।
વળી પોતાની મૂર્તિ બેસારીરે, તેતો સહુથી છે બહુ સારીરે ।
એહ મૂર્તિ મંગળ રૂપરે, સહુ જનને સુખ સ્વરૂપરે ।।૧૨।।
વસ્યા આવી વરતાલ ગામરે, ધર્મનંદને કર્યું નિજ ધામરે ।
તિયાં વર્ષોવરષ આવે જનરે, આવે ઉત્સવે કરે દરશનરે ।।૧૩।।
ઉત્સવ વિના પણ આડે દિનેરે, આવે અનેક જન દરશનેરે ।
જેજે દરશન કરે કોય દાસરે, તેતો પામે બ્રહ્મમો'લે વાસરે ।।૧૪।।
એવું ધાર્યું છે ધર્મનંદનેરે, તેની કોણ કરે કહો મનેરે ।
જેનો હુકમ પાછો ન ફરેરે, તેતો જેમ ધારે તેમ કરેરે ।।૧૫।।
આજ મહારાજે ધાર્યું છે એમરે, કેનું ફેરવ્યું ફરશે કેમરે ।
માટે એ વાટે કલ્યાણ જાણોરે, કહ્યું શ્રીમુખે સત્ય પ્રમાણોરે ।।૧૬।।
નથી વાત આ વડાઈ સારૂંરે, સાચી લખતાં શીદ શંકા ધારૂંરે ।
માટે બહુ રીતે તારવા કાજરે, આજ આવ્યા છે પોતે મહારાજરે ।।૧૭।।
તાર્યા આવીને જીવ અનેકરે, વરતાલે તો ૧વાળ્યો વસેકરે ।
જોયા ઉત્સવ સમૈયા જેણેરે, કરી લિધું છે કારજ તેણેરે ।।૧૮।।
જેણે કરી મંદિરની સેવારે, વળી પૂજ્યા સંત મુક્ત જેવારે ।
કરી ભક્તિ અતિ ભલે ભાવેરે, તેને તુલ્ય કહો કોણ આવેરે ।।૧૯।।
એનું ફળ છે અક્ષરધામરે, પામી થાશે તે પૂરણકામરે ।
એતો વાત છે સાચી સઘળીરે, શ્રીમુખથી મેં જો સાંભળીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે પંચવિંશઃ પ્રકારઃ ।।૨૫।।