અઠ્ઠોતેરમું પ્રકરણ

રાગ સામેરી-
પછીપ્રભુજી બોલિયા, અમે કરી લીળા અનેક । હવે વર્ષોવર્ષમાં, ઉત્સવ કરશું એક ।।૧।।
હોળી દિવાળી ને અષ્ટમી, રામનવમી ને શિવરાતરી । જયા વિજયા અકાદશી, પાપમોચની ને ધાતરી ।।૨।।
એહ દિવસ ઉત્સવ કર્યા, ત્યાં તેડાવિયા હરિજન । હવે અણતેડે આવજ્યો, પ્રબોધની એકાદશી દન ।।૩।।
કાર્તિકસુદી એકાદશી, તેહનું પ્રબોધની નામ । તેદિ સતસંગી સંત સહુ, આવજ્યો વડતાલ ગામ ।।૪।।
એવું સાંભળી શ્રવણે, ચાલ્યા દેશોદેશથી દાસ । ઉત્સવ ઉપર આવિયા, બ્રહ્મચારી સંત સંન્યાસ ।।૫।।
પૂર્વદેશ અયોધ્યા પ્રાંતથી, આવ્યા છે જન અનંત । કાશી મિથિલા પ્રાંતથી, આવ્યા ગંગાસાગરના સંત ।।૬।।
શોણભદ્ર પ્રાંતના, પ્રયાગ પ્રાંતના જન । ગયા પુરૂષોત્તમપુરીથી, આવ્યા કરવા દરશન ।।૭।।
મથુરા વૃંદાવન પ્રાંતમાં, જે હતા મુમુક્ષુ જીવ । અવંતિ નગરીથી આવિયા, નયણે નિરખવા પિવ ।।૮।।
ઉત્તરદેશથી આવિયા, કાશ્મીર ને કુરુક્ષેત્રથી । હરદ્વાર પુષ્કર પ્રાંતના, આવ્યા અર્બુદાચળ પવિત્રથી ।।૯।।
મારુદેશ સિધ્ધપદ પ્રાંતના, એહ આદિ દેશ અપાર । દર્શન કરવા દયાળનાં, સહુ આવિયાં નરનાર ।।૧૦।।
પશ્ચિમ દેશથી આવિયા, સિંધુપ્રાંતના સેવનાર । કચ્છ વાગડ વાલાક સોરઠ, આવ્યા પાંચાળના રહેનાર ।।૧૧।।
સૌભીર આભીર હાલારના, જીયાં જીયાં હતા જન । તેહ સર્વે આવિયા, કરવા હરિદર્શન ।।૧૨।।
દક્ષિણદેશથી દર્શને, આવ્યા જન ઉમંગથી । સેતુબંધ રામેશ્વરના, આવ્યા વેંકટ્રાદ્રિ શ્રીરંગથી ।।૧૩।।
પદ્મનાભ પ્રાંતના, આવ્યા મલિયાદ્રિપ્રાંતિ મળી । શિવ વિષ્ણુકાંચી પ્રાંતના, દંડકારણ્ય પ્રાંતના વળી ।।૧૪।।
વિંધ્યાચળ પ્રાંતના, વળી તપતી નર્મદાતટના । આવ્યા સહુ સહુ દેશથી, રટતા નારાયણ રટના ।।૧૫।।
કેટલેક જોડયાં ગાડલાં, કેટલાકને રથ વેલ્ય વળી । કેટલાંક બેઠાં ઘોડલે, બીજાં પગપાળાં આવ્યાં મળી ।।૧૬।।
બાળ જોબન વૃધ્ધ વનિતા, ઘેરે કોઇ ન રહ્યા ખમી । નારાયણને દર્શને, આવ્યાં ચાર વર્ણ ચાર આશ્રમી ।।૧૭।।
મહી સાભર વાત્રજ વચ્ચે, રૂડો ચડોતર દેશ । વૃક્ષ જીયાં વિધવિધનાં, વળી ફુલે ફળે હમેશ ।।૧૮।।
અંબ કદંબ ઉદંબરા, વળી અવલ આંબલી આંમળી । મઉડાં રૂડાં બકુલ બિલાં, શ્રીફળ શોભે સિતાફળી ।।૧૯।।
પિંપર વડ ગળી પિપ્પળા, જાંબુ લિંબુ ને જામફળી । રૂડી રાણ્ય ને રોહિડા, કોઠી કોટિમ ને કદળી ।।૨૦।।
કેશર કણેર કેવડા, અવલ છાંયા આસુતણી । સુંદર વૃક્ષ સોયામણાં, તેની જાતિ નવ જાય ગણી ।।૨૧।।
ફુલ વેલી ફુલી તિયાં, એકએકથી અતિઘણી । ચંપા ચમેલી ગુલાબ ગેરા, શી કહું શોભા તેતણી ।।૨૨।।
સઘન વન છાયા ઘણી, તેની ઢળી વળી લતા ખરી । જનમન રંજન જાણું, વન ભોવને મેલ્યા કરી ।।૨૩।।
તિયાં સારસ હંસ શુક મેના, કોકિલા કિલોલ કરે । મોર ચકોર ચાતક ચકવા, મીઠી વાણ્યે ઓચરે ।।૨૪।।
તિયાં સર સરિતા સોયામણાં, વળી વાવ્ય ને કુવા કઇ । અમળ જળ અખુટ ભર્યાં, જીયાં તોયનો ત્રોટો નહિ ।।૨૫।।
એવા ઉત્તમ દેશમાં, વળી વચ્ચે વરતાલ ગામ । અનેક ઉત્સવ કરી હરિ, કરીયું નિજધામ ।।૨૬।।
તિયાં સર્વે સતસંગી વળી, સંઘ લઇને ઉતર્યા । નારાયણને નિરખવા, અતિ હૈયામાં હરષે ભર્યા ।।૨૭।।
કૈક સર ને કૂપ તીરે, કૈક ઉતર્યાં ગામ ભવનમાં । કૈક ઉતર્યાં વૃક્ષ વાવ્યે, વળી કૈક વાડી વનમાં ।।૨૮।।
એમ સર્વે સીમમાં, વળી મનુષ્ય માય નહિ । ગાય પદ ગોવિંદનાં, જયજય શબ્દ રહ્યો થઇ ।।૨૯।।
પરસ્પર પૂછે મળી, અલબેલો કૈયે આવશે । જ્યારે જોશું જગપતિ, ત્યારે નયણાં સુફળ કાવશે ।।૩૦।।
સુંદર મૂરતિ શ્યામની, નખશિખાસુધી નિરખશું । અંગોઅંગ અવલોકતાં, વળી હૈયામાં ઘણું હરખશું ।।૩૧।।
ઉર્ધ્વરેખા અષ્ટકોણ આદિ, જાંબુ જવ જોશું જૈયે । કેતુ કમળ કુલિશ જોતાં, અંતર સુખ થાશે તૈયે ।।૩૨।।
સ્વસ્તિ અંકુશ સોયામણાં, વળી દક્ષિણ પગમાં દેખશું । નવ ચિહ્ન નિરખશું, ત્યારે જન્મ સુફળ લેખશું ।।૩૩।।
વામ પગમાં વિલોકશું, મત્સ્ય ત્રિકોણ કળશ વ્યોમને । ધનુષ ધેનુપગ પેખી, સુખ થાશે જોયે સોમને ।।૩૪।।
એડી રૂડી આંગળી, પગ અંગોઠે રેખા નખે । ગુલફ જંઘા જાનુ જોતાં, ચિહ્ન દોય વળી વામ પખે ।।૩૫।।
કરભસમ સરખા ઉરુ, નાભિ ઉંડી ગંભીર ઘણી । ઉર તરુ તમાલ શોભે, ક્યારે જોશું છબી છબીલાતણી ।।૩૬।।
કંઠ કંબુસમાન સુંદર, ભુજ ગજકરસમ વળી । હસ્તકમળ અરુણ ઓપે, કલિ વલિ એવી આંગળી ।।૩૭।।
અજબ કર આજાન બાહુ, નખ નિરખી જોશું જૈયે । કંઠમાં તિલ અવલ જોતાં, સુખ ત્યારે થાશે હૈયે ।।૩૮।।
ચિબુક અધર દશન દેખી, લેખશું લાવો લોચને । નાસિકાપાસે તિલ નિરખી, પુરશું મનોરથ મને ।।૩૯।।
કમળ નયણ સુભગ, વામ કાને એક તિલ વળી । ભ્રકુટિ ભાલનું ચિહ્ન ચિંતવતાં, દુઃખ સર્વે જાશે ટળી ।।૪૦।।
શિરે સુંદર શિખા સારી, જોશું નિહાળી નયણે । એવી મૂર્તિ અવલોકશું, વાલો બોલાવશે મીઠે વયણે ।।૪૧।।
એમ પરસ્પર કરે વાતો, અલબેલો જૈયે આવશે । દઇ દરશન દાસને, હરિ હેતે સહુને બોલાવશે ।।૪૨।।
વાટ જુવે વાલ્યમતણી, વળી જુવે વારુણી દિશે । મોહનજીને મળવા, સહુ હરિજન મનમાં હિસે ।।૪૩।।
ઉચ્ચો શબ્દ સાંભળે જૈયે, તૈયે જાણે આવ્યા જગપતિ । નાથજીને નિરખવા, અંતરમાં આતુર અતિ ।।૪૪।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સર્વે હરિજન મહારાજને દર્શને આવ્યા એ નામે અઠ્ઠોતેરમું પ્રકરણમ્ ।।૭૮।।