એકસો ને પ્રકરણમ્ પ્રકરણ

પૂર્વછાયો-
વળી પરચા વર્ણવી, કહું હું કાંઇક તેહ । હરિ હરિજનના જશ, કહેતાં તે વાધે સનેહ ।।૧।।
દંઢાવ્ય દેશમાં રાજપુરે, કણબી ભક્ત જેકર્ણ । સર્વે કુટુંબ સહિત પોત્યે, સ્વામી શ્રીજીને શર્ણ ।।૨।।
તેને મહારાજે મોરથી, વર્ષ આગમ જણવી વાત । આજ થકી દ્વાદશ માસે, પિંડ થાશે તારૂં પાત ।।૩।।
તેને એકાદશ માસ વીત્યા, વળી આવી કહ્યું અવિનાશ । ચેતવું હોય તો ચેતજ્યે, રહ્યો મૃત્યુ આડો એક માસ ।।૪।।

ચોપાઇ-
પછી જેકરણે સતસંગી તેડી, કહી પોતાની વાત નિવેડી । ભાઇઓ આ તન પામશે નાશ, તેહ આડો રહ્યો એક માસ ।।૫।।
માટે મંદિર સંત ઉતરવા, કાલ્યથકી આદરીએ કરવા । ત્યારે સતસંગી કહે સારૂં, અમને કહ્યું એ ન કહેવું બારૂં ।।૬।।
પછી મંદિર સુંદર કરાવ્યું, ત્યાંતો મૃત્યુ તે નજીક આવ્યું । ત્યારે પત્ની પોતાનીને કહ્યું, મારે મરવા આડું નવ રહ્યું ।।૭।।
માટે મોર થકી તું તો ચાલ્ય, કેડયે હું પણ આવું છું કાલ્ય । પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડયે તજ્યું તન ।।૮।।
તેને દેન દઇ ઘેર આવ્યા, પછી મોટા મોટાને બોલાવ્યા । ભાઇઓ જુવો પ્રભુનો પ્રતાપ, આતો વાત મોટી છે અમાપ ।।૯।।
મને આવ્યાં છે લેવા વિમાન, બહુ સંત ભેળા ભગવાન । મારે જાવું છે કાલ્યે જરૂર, આવ્યું નજીક નથી એ દૂર ।।૧૦।।
માટે સુત એક લઇ સંગે, જાઇશ બ્રહ્મમહોલ ઉમંગે । કેડયે કહેશો જે ન કહ્યું કેને, નહિતો પૂછી જોત વાત એને ।।૧૧।।
પૂછો જેને પૂછવું જે હોય, કેડયે સંશય કરશો માં કોય । સ્વામી પોત્યે છે પૂરણ બ્રહ્મ, જેને મળ્યે બળે કોટી કર્મ ।।૧૨।।
એમ કહી પછી તજ્યું તન, જોઇ આશ્ચર્ય પામિયાં જન । બોલ્યા માંહો માંહિ એમ વળી, થયો પર્ચો કહે સહુ મળી ।।૧૩।।
એક કણબી જતન નામ, ભજે પ્રભુ રહે પુરગામ । કરે પોતાના ઘરનું કામ, જપે સ્વામિનારાયણ નામ ।।૧૪ ।।
પાળે સાંખ્યયોગી વ્રતમાન, ધરે પ્રભુ પ્રગટનું ધ્યાન । એમ કરતાં આવ્યો તેનો કાળ, આવ્યા તેડવા તેને દયાળ ।।૧૫।।
જોઇ જતને જોડીયા હાથ, ભલે પધારિયા મારા નાથ । કહે નાથ આવ્યા તુજ સારૂં, લાવ્યા વિમાન લાખ હજારૂં ।।૧૬।।
બેશ વિમાને મ કર વેળ, કહે એમ એને અલબેલ । પછી સંત હતા જેહ સાથ, કરી વિનતી જોડીને હાથ ।।૧૭।।
આજ દુઃખ કોગળીયા તણું, તેમાં મરે છે માણસ ઘણું । તેવામાં મરશે જો આ બાઇ, કહેશે લોક મુઇ રોગમાંઇ ।।૧૮।।
માટે એને મુકી જાઓ આજ, વળી પછી આવજ્યો મહારાજ । પછી વિમાનને પાછા વાળ્યાં, સર્વે ગામને મનુષ્યે ભાળ્યાં ।।૧૯।।
જોઇ આશ્ચર્ય પામ્યાં છે જન, થયો પરચો કહે ધન્ય ધન્ય । વળી એક ઉમરેઠ ગામ, દ્વિજભક્ત બાઇ જમુના નામ ।।૨૦।।
તિયાં પધાર્યા પોતે ભગવાન, દીધાં સહુને દર્શન દાન । સાત દિવસ સુધી રહ્યા ત્યાંઇ, પછી આવ્યા પણસોરા માંઇ ।।૨૧।।
જમુનાબાઇ તો રહી ઝંખતિ, જમ્યા વિના ગયા પ્રાણ પતિ । આકુળ વ્યાકુળ અંતરે થઇ, શરીરની શુદ્ધ ભૂલી ગઇ ।।૨૨।।
અંતરવરતિ ઉતરી જ્યારે, થયું મહારાજનું દર્શન ત્યારે । કહે આવ્યા અમે પાછા આજ, કરો રસોઇ અમારે કાજ ।।૨૩।।
આજ જમવું છે તારે હાથ, કહે જમનાને એમ નાથ । પછી જમુના જાગી તેહ વાર, કરી સુંદર રસોઇ સાર ।।૨૪।।
પછી આવી જમ્યા જગદીશ, જે કોઇ અનંત શક્તિના ઇશ । કરે રસોઇ તે સમે સમે, તેને તજીને જન ઘેરે જમે ।।૨૫।।
એમ જમ્યા જમુનાને ઘેર, કરી મહારાજ શ્રીજીએ મહેર । પામ્યા આશ્ચર્ય ગામના વાસી, કહે ધન્ય ધન્ય અવિનાશી ।।૨૬।।
આપ્યો પરચો અંતરજામી, સુખદાયી સહજાનંદ સ્વામી । વળી મોરજ નામે છે ગામ, તિયાં કણબી પ્રભુદાસ નામ ।।૨૭।।
આવ્યો તેહના દેહનો કાળ, ત્યાગ્યું તન તેણે તતકાળ । ગયો બ્રહ્મ મોલમાં તે ભક્ત, તિયાં દીઠા છે અનંતમુક્ત ।।૨૮।।
દીઠું તેજ ત્યાં અતિ અપાર, જાણ્યું સૂર્ય હજારો હજાર । અતિ સુખ સુખ નાવે કહીએ, જાણું અખંડ આ સુખમાં રહીએ ।।૨૯।।
દીઠી મહારાજની ત્યાં મૂરતિ, તે તો સુખ સુખમય અતિ । લળીલળી લાગ્યો તેને પાય, નિર્ખિ હર્ષ હૈયામાં ન માય ।।૩૦।।
પછી પ્રભુ બોલ્યા એણીપેર, હવે ભક્ત જાઓ તમે ઘેર । પછી આવશું તેડવા અમે, ત્યારે આ ધામમાં રહેજ્યો તમે ।।૩૧।।
હમણાં તો વળી વહેલા જાઓ, હેતે ગુણ ગોવિંદના ગાઓ । પછી ભક્ત આવ્યો દેહ માંહિ, પહોર ચ્યારલગી રહી ત્યાંઇ ।।૩૨।।
કરી તિયાંની આ સર્વે વાત, સુણિ સહુ થયાં રળિયાત । કહે જન ધન્ય પ્રભુદાસ, તમે જઇ આવ્યા પ્રભુ પાસ ।।૩૩।।
પામ્યો પરચો અલૌકિક એહ, તેમાં નથી લગાર સંદેહ । વળી ગાના નામે એક ગામ, કણબી ભક્ત અવલબાઇ નામ ।।૩૪।।
તેણે સુણી સત્સંગીની વાત, માની ન માની રહી મનભ્રાંત । પછી આવી દરશનકાજ, નિરખ્યા મનમોહન મહારાજ ।।૩૫।।
નિરખી નાથને પાછીજ વળી, મૂર્તિ મહારાજની ચાલી મળી । નયણાં આગળ્યે રહ્યા નાથ, જીયાં જાય તિયાં આવે સાથ ।।૩૬।।
ઉઠે બેસે સુવે જાગે જ્યારે, દેખે અખંડ મૂરતિ ત્યારે । ખાતાં પિતાં ક્ષણું ન રહે દૂર, હાલે ચાલે ત્યાં દેખે હજૂર ।।૩૭।।
બોલતાં બોલે મુખમાં વળી, જોતાં સુણતાં ન રહે વેગળી । કરતાં સર્વે ઘરનું કામ, સદા ભેળા રહે તેને શ્યામ ।।૩૮।।
એ રહ્યું એને બહુ દન, તેનું મહાત્મ્ય ન જાણ્યું મન । કહેવા લાગી જેને તેને એહ, પછી મૂરતિ ન દીઠી તેહ ।।૩૯।।
એમ આપે છે સુખ મહારાજ, બહુપેરે કરે જન કાજ । વળી પૈજનામે એક ગામ, કણબી ભક્ત અવલ એનું નામ ।।૪૦।।
સાંખ્યયોગી પાળે વ્રતમાન, ભજે પોતે પ્રકટ ભગવાન । ધરે ધ્યાન તે પ્રકટતણું, તેણે કરી ભૂલી પોતાપણું ।।૪૧।।
ભૂલી તન બોલી બદલાણી, કહે સેવો મને સ્વામી જાણી । વળી પૂછો જે પૂછવું હોય, મને સંશય રાખશો માં કોય ।।૪૨।।
કહે હું સહજાનંદ સ્વામી, સરવેનો છું અંતરજામી । એમ કહી પછી માંડયું કહેવા, જેને મને ઘાટ હતા જેવા ।।૪૩।।
એમ ઐશ્વર્ય દેખાડે બહુ, જોઇ આશ્ચર્ય પામિયાં સહુ । જોજ્યો મહારાજનો પરતાપ, કહે છે યાંથી કહે જેમ આપ ।।૪૪।।
એમ રહ્યું દિન દોય ચાર, પછી ઉપજ્યો એમ વિચાર । હું તો દાસ શ્રી મહારાજ કેરી, કેમ બેઠાં આ મુજને ઘેરી ।।૪૫।।
આવું આસન ન ઘટે મને, એમ કહી પાય લાગી સહુને । એહ બાઇની વાત જે કહી, જોજ્યો વિચારી સાંસતાં રહી ।।૪૬।।
પળ એક આ દેહ ભુલાય, એવું કોઇ કાળે કેમ થાય । મોટો પ્રતાપ આ નાથ કેરો, શું કહીએ તે મુખે ઘણેરો ।।૪૭।।
નથી વાત એ લૌકિક લેશ, સર્વે અલૌકિક એ રહસ્ય । એમ આપે છે નાથ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૪૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને એકતાળીશમું પ્રકરણમ્ ।।૧૪૧।।