ચોપાઇ-
હવે કહું વ્રત નિરલોભી, જેણે કરી રહ્યા સંત શોભી । જેમ નારીનો નહિ પ્રસંગ, તેમ તજ્યો છે દ્રવ્યનો સંગ ।।૧।।
એવા સંતનો મળે સમાજ, માંહોમાંહિ બોલે મુનિરાજ । જેને મળ્યા પુરૂષોત્તમ રાય, તે તો પૂરણકામ કહેવાય ।।૨।।
તેને ન્યૂન ન મનાય મન, લાધ્યું અખૂટ જેને મહાધન । ધુતા ન ધુતે ચોર ન લુંટે, ખાતાં ખરચતાં નવ ખૂટે ।।૩।।
એવું મળ્યું મહાધન જેને, તે કેમ ધાશે આ ધાતુ ધનને । જેમાં અનેક રહ્યા અનર્થ, સંચે ત્યાગી તો વણસે અર્થ ।।૪।।
ચોરી હિંસા અનૃત અપાર, કામ ક્રોધ ને દંભ ભંડાર । મદ ભેદ ને વૈર વ્યસન, સ્મય સ્પર્ધાદિ છે જીયાં ધન ।।૫।।
મદ્ય પાન સ્ત્રિયા સંગ થાય, દ્યૂતવિદ્યા ને વિશ્વાસ જાય । રહ્યાં એટલાં દ્રવ્યમાં મળી, જેમ જળમાં જળજંતુ વળી ।।૬।।
દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વૈર વિકર્મ । દ્રવ્ય કરાવે કપટ છળ, દ્રવ્ય કરાવે કોટિ કકળ ।।૭।।
દ્રવ્ય કરાવે દગા દુષ્ટતાઇ, દ્રવ્ય કરાવે કામ કસાઇ । દ્રવ્ય કરાવે ઉચ્ચ ને નીચ, દ્રવ્ય કરાવે પાષંડ પેચ ।।૮।।
દ્રવ્ય કરાવે જાતિ વિટાળ, દ્રવ્ય ચડાવે સાચા ને આળ । દ્રવ્ય કરાવે હાલ બેહાલ, દ્રવ્ય કરાવે કૃપણ કંગાલ ।।૯।।
દ્રવ્ય કરાવે ચોરી ચાકરી, દ્રવ્ય કરાવે ટેલ્ય આકરી । દ્રવ્ય કરાવે જીવની ઘાત, દ્રવ્ય કરાવે પિંડનો પાત ।।૧૦।।
દ્રવ્ય ન્યાય અન્યાય કરાવે, દ્રવ્ય જુઠી તે સાંખ્ય ભરાવે । દ્રવ્ય લેવરાવે લાંચ ભાડય, દ્રવ્ય કરાવે રાંકશું રાડય ।।૧૧।।
દ્રવ્ય સતીનું સત્ય મુકાવે, દ્રવ્ય જતિનું જત ચુકાવે । દ્રવ્ય મુનિનું મૌન બગાડે, દ્રવ્ય તપિને તપથી પાડે ।।૧૨।।
દ્રવ્ય અર્થે પૃથ્વીએ ફરે છે, દ્રવ્ય અર્થે લડીને મરે છે । દ્રવ્ય અર્થે વેચે નિજ તન, તજે જીવિતવ્ય ન તજે ધન ।।૧૩।।
દ્રવ્ય અર્થે વળી વાંણે ચડે, દ્રવ્ય અર્થે પહાડે ચડી પડે । દ્રવ્ય અર્થે ઘાત ઘણી ઘડે, થાય અનર્થ બહુ દ્રવ્ય વડે ।।૧૪।।
દ્રવ્ય ધર્મમાંહિથી ચળાવે, દ્રવ્ય નીચના ધર્મ પળાવે । જે જે જાય છે નરકમાં જન, તેનું મૂળ કારણ છે ધન ।।૧૫।।
કામ ક્રોધ ને મોહ કહેવાય, હર્ષ શોક લોભ થકી થાય । માન ઇરષા મમતા તાણ્ય, લોભ સર્વેનું કારણ જાણ્ય ।।૧૬।।
પામે છે જીવ જુજવા ક્ષોભ, તેતો જેને જેવડો છે લોભ । લોભ સંતશું હેત ત્રોડાવે, લોભ દુષ્ટશું પ્રીત જોડાવે ।।૧૭।।
લોભ કરાવે ન કર્યાનાં કામ, લોભ કરાવે જીવત હરામ । જેજે અવળું જગતમાં થાય, તેતો સર્વે દ્રવ્યથી કહેવાય ।।૧૮।।
દ્રવ્યે પુત્ર તે પિતાને મારે, દ્રવ્યે શિષ્ય ગુરુને સંહારે । થાય દ્રવ્યે મહાપંચ પાપ, થાય દ્રવ્યે કૃતઘ્ની આપ ।।૧૯।।
એવું અઘ જગે નહિ કોય, જે કોઇ દ્રવ્ય મળતાં ન હોય । દ્રવ્ય મુકાવે જ્ઞાનીનું જ્ઞાન, દ્રવ્ય મુકાવે ધ્યાનીનું ધ્યાન ।।૨૦।।
દ્રવ્ય મુકાવે માનીનું માન, દ્રવ્ય કરાવે નિર્લજ્જ નિદાન । કહિ કહિ કેટલા કહેવાય, જે કોઇ દ્રવ્યથી અનર્થ થાય ।।૨૧।।
એવા લોભમાંહિ જે લેવાણા, તેતો તૃષ્ણાને પૂરે તણાણા । તેને ઉગરવા સઇ આશ, એવું જાણી દૂર રહેવું દાસ ।।૨૨।।
લોભે સુર ને અસુર લડે, દૈત્ય ભૂત દુઃખી લોભવડે । યક્ષ રાક્ષસ સહુ લોભે હેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૩।।
લોભે કરાવ્યો કુટુંબે કળો, પડયો પાંડવ કૌરવમાં સળો । માંહોમાંહિ લડી ખોયા પ્રાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૪।।
લોભે લડે ભૂમિએ ભૂપતિ, લોભે બળે પતિ સંગે સતિ । લોભ કરાવે પ્રાણની હાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૫।।
ડાહ્યા શિયાણા પંડિત પીર, લોભે કર્યા સહુને અધીર । કવિ કોવિદ કર્યા વેચાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૬।।
સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાંય, લોભે લઇ લીધાં જન ત્યાંય । એવી પ્રસારી છે મોટી પાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૭।।
લોભે આપી છે અવળી મત્ય, મનાવ્યું છે અસત્યમાં સત્ય । તેની નરને નહિ ઓળખાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૮।।
લોભે નાખી ગળે જમ ફાંસી, લોભે લેરાવી લખચોરાશી । લોભ ફેરવે છે ચારે ખાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૯।।
જન્મમરણનું કારણ જેહ, સહુ જન જાણો લોભ તેહ । તેની મેલી દેવી જોઇયે તાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૦।।
જેને લોભે કબજામાં લીધા, તેને દીન દાલદરી કીધા । સહ્યાં શરીરે દુઃખ મેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૧।।
એવું સમજી સંત અસાર, તજ્યું દ્રવ્ય ને સર્વ પ્રકાર । મેલી તન મને તેની તાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૨।।
મણિ હીરા મોતી પરવાળાં, રત્ન આદ્યે જે નંગ રૂપાળાં । એતો જમની જાળ્ય જોરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૩।।
અન્ન જળ ને વસ્ત્ર છે જેહ, તેણે કરી રહે છે આ દેહ । તેના આપનારા અવિનાશ, એમ સમઝે છે હરિના દાસ ।।૩૪।।
અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પિવું તે પ્રાણને ટોવા । રહેવું અન્ય વસ્તુથી નિરાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૫।।
શીત ઉષ્ણ નિવારવા તન, રાખે અંગે વસ્ત્ર હરિજન । જેવું મળે તેવું રાખે પાસ, એમ સમજે છે હરિના દાસ ।।૩૬।।
તેહ વિના છે સર્વેનો ત્યાગ, વિષયસુખ સાથે છે વૈરાગ્ય । ક્યારે ઇચ્છે નહિ જાણી કાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૭।।
સોના રૂપામાં સુખ ન માને, જેને મહાપ્રભુ આવિયા પાને । કીટ બ્રહ્માલગી દેખે નાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૮।।
એક સમજાણું હરિમાં સુખ, બીજું સર્વે જણાણું છે દુઃખ । જેવો જમકિંકર કાળપાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૯।।
જેને મળ્યું છે મહાધન મોટું, બીજું સર્વે સમજાણું છે ખોટું । પાપ જાણીને ન કરે પ્યાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૦।।
અહિ વિંછિ ને વિષ અંગાર, કાક વિષ્ટામાંહિ શિયું સાર । એવું જાણી તજે સુખ આશ, એમ સમજે છે હરિના દાસ ।।૪૧।।
એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં । રહે છે અંતર સહુથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૨।।
એમ નર થયા નિરલોભ, કોઇ સુખે નહિ મનક્ષોભ । જેણે માન્યો બ્રહ્મમોલે વાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૩।।
એહ રીત્યે લોભને જીતાય, બીજો છે ઉપરનો ઉપાય । થાય અંતરે અભાવ જ્યારે, લોભ તજાય સમૂળો ત્યારે ।।૪૪।।
એમ લોભ લાલચને જીતી, કરી પુરૂષોત્તમ સાથે પ્રીતિ । તેને કામ ને લોભ ન વ્યાપે, સ્વામી સહજાનંદ પરતાપે ।।૪૫।।
પૂર્વછાયો-
નિષ્કામી નિરલોભી થઇ, ભજે છે ભગવંત । તેવાજ ત્યાગી સ્વાદના, જેહ નિરસ્વાદી સંત ।।૪૬।।
સર્વે રસ જાણી શ્યામમાં, અન્ય રસ જાણે અનિત્ય । નિરસ્વાદી એવા સંતની, કહું સાંભળજ્યો સહુ રીત ।।૪૭।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિર્લોભી વ્રતમાન કહ્યું એ નામે એકસોને સાતમું પ્રકરણમ્ ।।૧૦૭।।