એકસો ને પાંચમું પ્રકરણ

ચોપાઇ-
ત્યારે બોલિયા સરવે સંત, તમે સાંભળો શ્રી ભગવંત । વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારી ।।૧।।
શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી । તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો ।।૨।।
એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ । તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર ।।૩।।
ધરી કમઠરૂપ સુજાણ, મથ્યો મંદ્રાચળ તે મેરાણ । દેવ દાનવે નેતરૂં તાણી, બળે વલોયું સમુદ્રપાણી ।।૪।।
એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા । એવા કામ ક્રોધ લોભ ભારી, સુરાસુર મુક્યા જેણે મારી ।।૫।।
તેનો નાશ કર્યો નિરધાર, તેથી કોણ મોટો અવતાર । ધરી વરાહરૂપ મહારાજ, હણ્યો હિરણ્યાક્ષ પૃથવી કાજ ।।૬।।
હિરણ્યાક્ષ મહા બળવંત, બહુ પ્રાક્રમી યુધ્ધે અત્યંત । લઇ ગદા ગયો સ્વર્ગલોક, દેખી દેવ પામ્યા બહુ શોક ।।૭।।
લાગ્યો ભય ભાગ્યા સહુ સુર, દઇ ડારો ને વળ્યો અસુર । પછી કઇ કાળ સિંધુમાં ફર્યો, લેરી સાથે ગદા યુધ્ધ કર્યો ।।૮।।
ત્યાંથી ગયો વરૂણને પાસ, માંહિ દુષ્ટ ને ઉપર દાસ । જોડી હાથ જાચ્યો યુદ્ધ જાણો, તે વરૂણથી નવ અપાણો ।।૯।।
એવો મહાબળિયો જોરાણ, તે પણ કામ ક્રોધનો વેચાણ । એવા કામ ક્રોધ લોભ લોંઠા, જેણે સહુને કર્યા પારોંઠા ।।૧૦।।
એવા કામાદિ કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર । ધરી નૃહરિરૂપ અનૂપ, માર્યો હિરણ્યકશિપુ ભૂપ ।।૧૧।।
હિરણ્યકશિપુ મહા બળવાન, કરી તપ થયો ભગવાન । મહાતપે તેજે પરતાપી, લીધું રાજ્ય ઇંદ્રનું ઉત્થાપી ।।૧૨।।
આપ તપ બળે કરી ભૂપ, થયો દશ દિગપાલરૂપ । ઓગણપચાસ વાયુ અનૂપ, થયો તે બાર સૂર્ય સ્વરૂપ ।।૧૩।।
અષ્ટ વસુ વળી લોકપાળ, થયો સર્વે રૂપે તે ભૂપાળ । લોકપાળ ગુણ પોતે ગ્રહિ, યજ્ઞાભાગ લિયે આપે જહિ ।।૧૪।।
એવો હતો પ્રાક્રમી જે અતિ, તેને મોહ લોભે લીધો જીતી । કામ ક્રોધ મન ઇન્દ્રિસાથ, એને આગળ વરત્યો અનાથ ।।૧૫।।
એવા કામ ક્રોધ લોભ મોહ, મન ઇન્દ્રિય આદિ જે સંમોહ । તેને વશ કર્યા છે આ વાર, એથી કોણ મોટો અવતાર ।।૧૬।।
વામનરૂપ ધરીને દયાળ, કરી ઇંદ્રતણી પ્રતિપાળ । ઇંદ્ર સુરતણો અધિપતિ, જેને ઘેર શચી જેવી સતી ।।૧૭।।
તેને પણ કર્યો કામે કંગાલ, ઋષિઘેર જઇ થયો બેહાલ । એવા કામાદિક જે કરૂર, જેથી બચ્યા નહિ સુરાસુર ।।૧૮।।
એવા પાપીનો કીધો પ્રહાર, એથી કોણ મોટો અવતાર । ધરી પરશુરામ અવતાર, માર્યા ક્ષત્રિય એકવીશ વાર ।।૧૯।।
કર્યું તાત હેત એહ કાજ, હતા તાત તને તપિરાજ । હૈહયે કર્યું એવું કામ, બીજા જીવનું શું પુછો નામ ।।૨૦।।
એવો ક્રોધ વા કામ કે લોભ, એણે સહુનાં મન કર્યાં ક્ષોભ । તેનો શોધીને કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર ।।૨૧।।
શ્રીરામજી અવતાર ધારી, માર્યો રાવણ મહા અહંકારી । રાવણ તપે પામી વરદાન, થયો બહુ અજીત બળવાન ।।૨૨।।
જીત્યો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, થયો મહા અભિમાની ભૂપાળ । જીત્યા બ્રહ્મા ઇંદ્ર સુર સર્વ, રહ્યો નહિ કોઇનો તે ગર્વ ।।૨૩।।
જીત્યો ઘન પવન જમરાય, જીત્યા નવગ્રહ ને જરાય । એવો મહાબળી અહંકારી, તેને લીધો કામ ક્રોધે મારી ।।૨૪।।
તે કામ ક્રોધનો આણ્યો અંત, તેને કોણ ન કહે ભગવંત । કર્યાં કૃષ્ણે ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંહાર ।।૨૫।।
દુષ્ટ હતા બહુ બળવંત, પ્રાક્રમી ને માયાવી અત્યંત । આપ જોરે જીતી સહુજન, થયા પૃથ્વીએ પોતે રાજન ।।૨૬।।
જરાસંધ શિશુપાળ આદિ, અનમ્ર અહંકારી અનાદિ । જેની નમતિ નહિ પરછાય, મહા અભિમાની મનમાંય ।।૨૭।।
તેને કામ ક્રોધે લોભે મળી, નાખ્યા મોહ મમતાએ દળી । એવા કામ ક્રોધાદિક કોટા, જેને આગે હાર્યા છોટા મોટા ।।૨૮।।
એવા દુષ્ટ જે થકી હણાય, તેતો સર્વથી મોટા ગણાય । કામ ક્રોધ લોભ જે ચંડાળ, એથી ભુંડું થાય તતકાળ ।।૨૯।।
સ્વર્ગલોકથકી પાછા પાડે, વિધિલોકથી મૂળ ઉખાડે । પાડે વૈકુંઠલોકથી વળી, પાડે અન્ય લોક થકી મળી ।।૩૦।।
જે જે પ્રાપતિ માંહિથી પડયા, તેહ સર્વને એ શત્રુ નડયા । માટે એને દિયે જે વિદારી, તેતો અવતારના અવતારી ।।૩૧।।
સૂક્ષ્મદૃષ્ટિવાળાને એ સુજે, સ્થૂળદૃષ્ટિવાળા તે ન બુજે । માટે આજ છે વાત અલેખે, જાડી બુધ્ધિવાળા તે ન દેખે ।।૩૨।।
આગે થયા જેજે અવતાર, કર્યો દૈવી જીવનો ઉધ્ધાર । દૈવી આસુરી સંપત્તિવાળા, આજ સહુને કર્યા સુખાળા ।।૩૩।।
સાત્ત્વિક રાજસી તામસી જન, આજ સહુને કર્યા પાવન । જે કોઇ ધ્યાન ધારણા સમાધ્ય, પામ્યા તમથી જીવ અગાધ્ય ।।૩૪।।
નાડી પ્રાણનો કરી નિરોધ, કર્યો બહુ પ્રકારનો બોધ । અંતર ફેરવી આશ્રિત કીધા, બહુ જીવને શરણે લીધા ।।૩૫।।
અજજંઘથી થયા અદેવ, હતા જગે ગુરુ શિષ્ય એવ । યક્ષ રક્ષ જે અજે ઉપાવ્યા, પાછા તેહ મળી ખાવા આવ્યા ।।૩૬।।
બલિબગાસે નારી ત્રણ બની, પુંશ્ચલી ને સ્વૈરિણી કામિની । એવા ગુરુ શિષ્ય ને સંસારી, વળી ત્રણ પ્રકારની નારી ।।૩૭।।
એવા જીવ ઉધ્ધારિયા કઇ, માટે કહું હું મોટપ્ય સહિ । આજ પ્રકટાવ્યો છે પ્રતાપ, એવો આગળ્યે ન કર્યો આપ ।।૩૮।।
આજ જનને આપ્યાં જે સુખ, તેતો કહ્યું જાય કેમ મુખ । સર્વ થકી પાર છો મહારાજ, તે અમને મળ્યા તમે આજ ।।૩૯।।
દર્શ સ્પર્શ તમારૂં તે ક્યાંથી, થોડે ભાગ્યે કરી થાતું નથી । જાણ્યે અજાણ્યે જોડે જે હાથ, તે જન કેદિ ન થાય અનાથ ।।૪૦।।
અજાણ્યે કરે અમૃતપાન, તોય અમર કરે નિદાન । પારસ સ્પરશે લોહ અજાણે, થાય કંચન જગત જાણે ।।૪૧।।
રવિ મળે રહે નહિ રાત, જળપાને પિયાસનો પાત । જેમ અજાણે અગ્નિને સંગે, શીત વ્યાપે નહિ વળી અંગે ।।૪૨।।
તેમ સ્પરશતાં પૂરણ બ્રહ્મ, જાય કોટિ જનમનાં કર્મ । થાય અભય જન તે અંગે, પ્રકટ પુરૂષોત્તમ પ્રસંગે ।।૪૩।।
શશિમાંયથી વરસે આગ્ય, રવિ કરે કિરણનો ત્યાગ । વિદ્યુતમાંહિથી વહની વટે, ચંદનમાંથી શિતળતા ઘટે ।।૪૪।।
શૂન્ય તજે તે શબ્દ પ્રસંગ, વાયુ તજે સ્પરશ અંગ । તજે તેજ રૂપ રસ તોય, તજે ગંધ પૃથવીને જોય ।।૪૫।।
એમ થાય કોઇ કાળે વળી, એવી વારતા નથી સાંભળી । પણ કદાચિત એમ હોય, હરિ મળ્યે અભદ્ર ન તોય ।।૪૬।।
વસુધાનું વેજું કોઇ કરે, તેની ચોટ ઠાલી કેમ ઠરે । તેમ પુરૂષોત્તમ સ્પરશે, તેનું અકાજ કહો કેમ હશે ।।૪૭।।
કોઇ રીત્યે પુરૂષોત્તમ ભજે, તેનું અકાજ ન હોય રજે । કામભાવે ભજી વ્રજનાર, માત તાત તજી પરિવાર ।।૪૮।।
સનેહે વસુદેવ દેવકી, દુષ્ટ ભાવે કરી ભજી બકી । ભયે ભજીયો કંસ ભૂપાળ, વૈરદ્વેષે ભજ્યો શિશુપાળ ।।૪૯।।
સખાભાવે ભજ્યા અરજુને, ભક્તિભાવે ભજ્યા નારદજને । દાસભાવે હનુ ને ખગેશ, સ્નેહભાવે યુધિષ્ઠિર નરેશ ।।૫૦।।
એતો સર્વે પામ્યા સુખ અંગે, રહી પ્રકટને પરસંગે । પુરૂષોત્તમ પ્રકટ હોય જ્યારે, ક્રિયા સાધન ન લેવું ત્યારે ।।૫૧।।
આપે દરશ સ્પરશ દઇ, કરે ભવપાર જીવ કઇ । માટે આજ પુરૂષોત્તમ તમે, નિશ્ચય કરીને જાણ્યા છે અમે ।।૫૨।।
વળી કોટિ કોટિ રવિ શશિ, તેના તેજ સમૂહનો રાશિ । વળી પ્રકૃતિ પુરૂષથી ઇનામ, એવું અક્ષરબ્રહ્મ જે ધામ ।।૫૩।।
તેમાં બ્રહ્મરૂપ જે સકળ, કોટિ કોટિ મુક્તનાં મંડળ । તેને મધ્યે રહ્યા એવા તમે, તે તમને જાણ્યા પ્રભુ અમે ।।૫૪।।
વળી અક્ષરધામ ગોલોક, એહાદિ બીજાં ધામ અશોક । તેનું ઐશ્વર્ય જે જે કહેવાય, તે તો સર્વે રહ્યું તમ માંય ।।૫૫।।
વળી પ્રકૃતિ પુરૂષાદિ ધામ, અતિ ઐશ્વર્ય જે અભિરામ । તે તમારા ધ્યાન કરનાર, સર્વે દેખે છે તેહ મોઝાર ।।૫૬।।
વળી સહુ અવતાર સ્વરૂપ, એનાં ઐશ્વર્ય જે જે અનૂપ । તે તમમાં દેખે ધ્યાનવાન, માટે સહુના કારણ ભગવાન ।।૫૭।।
છો અવતારી જે અવતાર કહીએ, તેનાં ચરિત્ર તે તમારાં લહીએ । એહ વાતમાં નથી સંદેહ, વળી કહીએ જણાય છે જેહ ।।૫૮।।
જેહ જન તમારા આશ્રિત, વૈરાગ્ય જ્ઞાન સ્વધર્મ સહિત । મહાત્મ્ય યુક્ત ભક્તિ અનન્ય, કરે તમારે પ્રતાપે જન ।।૫૯।।
એવો પ્રતાપ અતિ અપાર, તમે પ્રકટાવ્યો છે આ વાર । તે તો સહુ જાણે નરનાર, નથી છાની એ વાત લગાર ।।૬૦।।
એવા તમે જેને મળ્યા મહારાજ, તેને કરવું ન રહ્યું કોઇ કાજ । તોય રખાવો છો રૂડી રીત, કહું તેહ પરમ પુનિત ।।૬૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે મુનિજને રામકૃષ્ણાદિ અવતાર કરતાં શ્રીજી મહારાજનું અધિક સામર્થ્ય કહ્યું એ નામે એકસોને પાંચમું પ્રકરણમ્ ।।૧૦૫।।