એકસો ને બીજું પ્રકરણ

પૂર્વછાયો-
અનંત લીળા અનંત ચરિત્ર, અનંત સામર્થ્ય સોઇ । અનંત પ્રતાપ અનંત પરચા, કવિજન ન લખે કોઇ ।।૧।।
અપાર માહાત્મ્ય અપાર મહિમા, મોટપ્ય અપરમપાર । અપાર ગંભીર અપાર ગરવા, કવિ કોણ કરે નિરધાર ।।૨।।
પંખી જેમ પાંખ બળે, ઉડે પાર લેવા આકાશ । સરું તે નાવે શૂન્યનું, નિશ્ચે પામે તન નાશ ।।૩।।
એમ ચરિત્ર મહારાજનાં, છે જો અનંત અપાર । કેતાં કેતાં કહેવાય નહિ, એમ નિશ્ચય છે નિરધાર ।।૪।।
નર જે ઉત્તર પંથનો, ઇચ્છે આ તને લેવા અંત । પહોંચ્યાની પ્રતિત કરવી, એજ ભોળાઇ અત્યંત ।।૫।।
ઉડુગણ કણ ભૂમિતણા, જળકણ જાણે જન । વનપાત ગાતરોમાવળી, ગણે અન્નકણ ખડધન ।।૬।।
એહ સર્વે અપારનો પાર, લિયે કવિજન કોઇ । હરિચરિત્રનો પાર હજારૂં, સરું ન લિયે સોઇ ।।૭।।
જેનું વર્ણન કરતાં વાણી થાકે, મનન કરતાં મન । ચિંતવન કરતાં ચિત્ત થાકે, એમ નિશ્ચે જાણજ્યો જન ।।૮।।

ચોપાઇ-
ધરી હરિકૃષ્ણ અવતાર, કરે લીળા અનંત અપાર । ઉઠે બેસે બોલે જુવે જમે, હાલે ચાલે હરિ હસે રમે ।।૯।।
સુવે જાગે માગે કાંઇ જેહ, આવે જાય ઉભા રહે તેહ । ચાલે ચટકે લટકે ચાલ, કરે કરનાં લટકાં લાલ ।।૧૦।।
કહે સાંભળે ને લિયે દિયે, કેમ લખાય જે પાય પીયે । પૂજે પૂજાવે પીરસે હાથે, અતિ હેત કરે જન માથે ।।૧૧।।
પહેરે પહેરાવે વસ્ત્ર ઘરેણાં, સર્વે ચરિત્ર છે સુખદેણાં । ત્યાગે તગાવે વઢે વખાણે, માને મનાવે જણાવે જાણે ।।૧૨।।
કરે દાતણ ને મુખ ધુવે, વસ્ત્ર લાસે ઝીણે મુખ લુવે । ચોળે તનમાં તેલ ફુલેલ, નાય ઉને નીરે અલબેલ ।।૧૩।।
જેજે ક્રિયા છે કૃપા સિંધુની, લખવા જેવી જે દીનબંધુની । ધિરા ઉતાવળા પાવ ધરે, ચાલે ચાલ્ય લાલ મન હરે ।।૧૪।।
ખીજે રીજે રાજી રહે રાખે, કાંઇક ભૂત ભવિષ્યનું ભાખે । ડરે ડરાવે દેખાડે બીક, રાખે રખાવે ઠેરાવે ઠીક ।।૧૫।।
બુધ્ધિપાર રે વિચાર કરે, ધરે ધ્યાન જ્ઞાન અનુસરે । ગાયે ગવરાવે ત્રોડે તાન, સુણે સુણાવે સમજાવે સાન ।।૧૬।।
જેજે લીળા કરે ભગવાન, તેતે લખવા જેવી નિદાન । સદા સાંભળવી વળી કહેવી, સર્વે ધાર્યા વિચારવા જેવી ।।૧૭।।
ધોતી પોતી પીતાંબર શાલ, જામો જરી સોય સુરવાલ । પાઘ કસુંબિ સોનેરી કોરે, ધર્યું છોગલિયું ચિત્ત ચોરે ।।૧૮।।
વેઢ વિંટી કર કડાં કાજુ, શોભે પોંચિ અંગુઠી ને બાજુ । હીરાસાંકળી હૂલર હાર, શોભે અંગોઅંગ શણગાર ।।૧૯।।
કાને કુંડળ કલંગી તોરો, માથે મુગટ કંઠે સોનાદોરો । સોનાસાંકળાં ઉતરી ઓપી, મોતીમાળા કંઠમાં આરોપી ।।૨૦।।
ચર્ચ્યાં ચંદન કેશર સુગંધ, તોરા ગજરા ને બાજુબંધ । હૈયે હાર અપાર ફુલના, પહેર્યા મહારાજે મોંઘા મુલના ।।૨૧।।
બેઠા ડોળે હિંડોળે દયાળ, કરે પૂજા આરતી મરાળ । જેજે લીળા કરી અવિનાશ, તેતે લખવા જેવી છે દાસ ।।૨૨।।
કેસુ કેશર કસુંબી રંગ, પ્રીત્યે રીત્યે કઢાવ્યો પતંગ । રંગ સોરંગ ગેરા ગુલાલ, ભરે ઝોળી રંગે ટોળી લાલ ।।૨૩।।
અલબેલ ખેલ અતિ કરે, માંહોમાંહિ અંગ રંગ ભરે । જોઇ જન તન ભાન ટળે, થાય સમાધિ અંતરે વળે ।।૨૪।।
વળી દેખાય દેશ પ્રદેશ, પ્રેમીજનનાં હેત હમેશ । એવી લીળા અનંત અપાર, કહો કેમ આવે કહેતાં પાર ।।૨૫।।
ગજ બાજ રથ વેલ્ય જેહ, મેના સુખપાલ પાલખી તેહ । જેજે વાહને બેસે વાલ્યમ, તેતે વિસારવા જેવા કેમ ।।૨૬।।
ખાટ પાટ પલંગ ખુરશી, જીયાં બેઠા શ્રીહરિ હુલશી । ખેલ લૌકિક અલૌકિક કરે, નાવે પાર લખ્યે તેનો સરે ।।૨૭।।
કોટિ બ્રહ્માંડ રહે જેને રોમ, કવિ કોટિ રવિ શશિ સોમ । તેતો ધરી નરતન નાથ, રમે ગોવિંદ સખાને સાથ ।।૨૮।।
જેનાં દર્શન દુર્લભ સહુને, આપે દર્શન તે જન બહુને । અધો ઉર્ધ્વ વિબુધ વિમાન, જુવે દેવાંગના ભગવાન ।।૨૯।।
શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોકે, આવી મુક્ત મંડળ વિલોકે । નિર્ખિ નિરન્ન જાય નિજધામ, પામી પરમ સુખ વિશ્રામ ।।૩૦।।
એમ અલબેલો સુખ દિયે, નર નિર્જર નિરન્ન લિયે । લોકે પરલોકે આનંદ આલે, તેતો લખ્યા વિના કેમ ચાલે ।।૩૧।।
કરે લીળા અવનિ ઉપર, ધન્ય ધ્યાન કર્યા જેવી ધર । ધન્ય રમ્યા ભમ્યા જીયાં રિહ્યા, સ્પર્શિ રજ મળે કહો કિયાં ।।૩૨।।
ધન્ય આંબા આંબલીની છાય, બેઠા જ્યાં હરિ કરી સભાય । ધન્ય ગિરિગહ્વર વાટી વન, જીયાં જીયાં ભમ્યા ભગવન ।।૩૩।।
ધન્ય નદી તાલ વાપી કૂપ, જીયાં નાહ્યા શ્યામ સુખરૂપ । તીર્થ ક્ષેત્ર પવિત્ર જે ધામ, ધન્ય ફર્યા જ્યાં સુંદરશ્યામ ।।૩૪।।
ખંડ દેશ શહેર ગામ ઘોષ, ફરી હરિ કર્યા તે અદોષ । મેડી મોલ અગાશી અવાસ, જીયાં કર્યો વાલ્યમજીયે વાસ ।।૩૫।।
બહુ બંગલા હવેલી હોજ, જીયાં રહ્યા હરિ કરી મોજ । જ્યાં જ્યાં વાસ કર્યો મારે વાલે, તેતો લખ્યા વિના કેમ ચાલે ।।૩૬।।
મળ્યા યોગી ભોગી જે ભૂપાળ, કોઇ જટી મુંડી કંઠમાળ । પીર ફકીર જંગમ જેહ, ભટ પંડિત પુરાણી તેહ ।।૩૭।।
જ્યાં જ્યાં મળી કરી ચરચાય, જીતી વાદી લગાડીયા પાય । શૈવી શક્તિ વૈષ્ણવી વેદાંતિ, તેને અંતરે થઇ અશાંતિ ।।૩૮।।
બહુ જીવ હતા જે બેહાલ, મળી નાથને કર્યા નિહાલ । દઇ દરશ સ્પરશ આપ, ટાળ્યા પાપીના પાપ સંતાપ ।।૩૯।।
કઇક યજ્ઞા જનોઇનાં કાજ, સદાવ્રત જમે મુનિરાજ । વિવા વાજન ને ખર્ચજાન, જીયાં ગયા થયા મજમાન ।।૪૦।।
કર્યા સારા ઉત્સવ સમૈયા, તેતો કેમ જાય લખ્યા કહીયા । દેશ પ્રદેશે પરચા દીધા, બહુ જીવ સનમુખ કીધા ।।૪૧।।
સર્વે સંભારી લખી જો લૈયે, બ્રહ્મા શત સરીખા જો હૈયે । નહિ રસના શેષના સમ, ગિરા શારદા સમ નહિ ગમ ।।૪૨।।
લખ્યે લંબોદર કર નથી, સુણે પૃથુસમ કાન ક્યાંથી । નથી આયુષ લોમશતણી, નથી બુધ્ધિ તે વિધિથી ઘણી ।।૪૩।।
નથી કવિ વાલ્મીક વ્યાસ, કરે સર્વે ગુણનો પ્રકાશ । એવા એવા સમર્થ અપાર, બુધ્ધિસાગર બહુ વિચાર ।।૪૪।।
તેહતણી પણ સુણી વાણી, સહુ રહ્યા છે અગમ જાણી । કિયાં એહ ને આપણે જાણો, ખગ ભાનુ ખદ્યોત પ્રમાણો ।।૪૫।।
અલ્પ આયુષ ને અલ્પ બુધ્ધિ, અલ્પ સામર્થ્ય ન લહિ શુધ્ધિ । કહ્યું કાલાવાલા કરી કાંઇ, હશે સમું વસમું તે માંઇ ।।૪૬।।
આગે કહેવા રહી અભિલાષ, હુવાં ક્ષીણ આ નેણ પ્રકાશ । હતી હૈયામાંહિ ઘણી હામ, લખવા ચરિત્ર સુંદર શ્યામ ।।૪૭।।
પણ જીયાં લગી પ્રાણ રહેશે, જીભા સ્વામી સહજાનંદ કહેશે । તેહ વિના કહે બીજું કેમ, પડી આંટી અંતરમાં એમ ।।૪૮।।
કાન નહિ સુણે બીજો ઉચ્ચાર, નેત્ર નહિ જુવે બીજો આકાર । ત્વચા નહિ કરે ભેટય બીજાની, નાસા નહિ લિયે સુગંધ નાની ।।૪૯।।
મન નહિ કરે મનન અન્ય, બુધ્ધિ નહિ કરે નિશ્ચે હરિ વિન્ય । ચિત્ત ન ચિંતવે બીજી વાત, અહંકાર હું હરિનો સાક્ષાત ।।૫૦।।
શિશ નહિ નમે અન્ય પાય, રુદે બીજું ધ્યાન નહિ ધરાય । કર નહિ જુતે અન્યને આગે, બીજે પંથે નહિ ચલાય પાગે ।।૫૧।।
માટે જ્યાં લગી રહે તન શ્વાસ, તજું નહિ ત્યાંલગી એ અધ્યાસ । હરિગુણ ગાતાં છૂટે તન, તેમાં મગન છે મારૂં મન ।।૫૨।।
ધન્ય શ્રવણ રીઝયા હરિ જશે, ધન્ય ત્વચા પ્રભુ પદ સ્પર્શે । ધન્ય નેણ જુવે હરિમૂર્તિ, ધન્ય જીભા કહે હરિ કીર્તિ ।।૫૩।।
ધન્ય ધન્ય એ સર્વે સમાજ, જેણે કરી રીઝે મહારાજ । એ છે વાત અલેખામાં અતિ, ન પડે પ્રાકૃત જીવને ગતિ ।।૫૪।।
મન વાણી ને અગમ જેહ, પૂરણ પુરૂષોત્તમ તેહ । તેતો ધરી મનુષ્યનું તન, જન હેતે ફરે છે જીવન ।।૫૫।।
તેનાં લીળાચરિત્રને ગાતાં, થાય નિર્મળ જળ જશ નાતાં । માટે નામ ચરિત્ર સામર્થ, કહેશું નહિ ખોયે જનમ વ્યર્થ ।।૫૬।।
નિજધર્મે વર્તે જન જેહ, કહેશું સર્વે સંભારીને તેહ । અતિ પવિત્ર ચરિત્ર ગાતાં, નથી મુજથકી તે મૂકાતાં ।।૫૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે પુરૂષોત્તમનો મહિમા કથન નામે એકસોને બીજું પ્રકરણમ્ ।।૧૦૨।।