અધ્યાય ૮૯ - ત્રણ દેવોની પરીક્ષા કરીને વિષ્ણુની મહત્તા વર્ણવતા ભૃગુઋષિ, તથા મૃત બ્રાહ્મણના પુત્રને પાછા લાવી આપતા શ્રીકૃષ્ણ ભગવાન.

શુકદેવજી કહે છે- હે રાજા ! સરસ્વતીને કાંઠે ઋષિઓ યજ્ઞા કરવા બેઠા હતા, તેઓને તર્ક ઉત્પન્ન થયો કે ''ત્રણ દેવોમાં કોણ મોટો હશે ?'' આ વાત જાણવાની ઇચ્છાથી તેનો નિશ્ચય કરવા સારૂ તેઓએ બ્રહ્માના પુત્ર ભૃગુઋષિને મોકલ્યા. ભૃગુઋષિ બ્રહ્માની સભામાં ગયા.૧-૨

બ્રહ્માની મહત્તાની પરીક્ષા કરવા સારૂ ભૃગુઋષિ બ્રહ્માને નમ્યા નહીં અને સ્તુતિ પણ કરી નહીં. પોતાના તેજથી પ્રકાશતા બ્રહ્માએ ભૃગુ ઉપર ક્રોધ કર્યો.૩

પછી બ્રહ્માએ પોતાના મનમાં ઉઠેલા ક્રોધને ''ભૃગુ મારો પુત્ર છે'' એમ કરીને શમાવ્યો. અગ્નિને શાંત કરવામાં જેમ અગ્નિથી ઉત્પન્ન થયેલું જળ કામ આવે તેમ બ્રહ્માનો ક્રોધ શાંત થવામાં ભૃગુનું પુત્રપણું કામ આવ્યું.૪

પછી ઋષિ કૈલાસ પર્વતમાં ગયા. ત્યાં સદાશિવે પ્રેમથી ઉભા થઇને તે પોતાના ભાઇ ભૃગુને મળવાનો આરંભ કર્યો.૫

''તું અવળે માર્ગે ચાલનાર છે'' એમ કહીને ભૃગુએ સદાશિવને મળવાની ઇચ્છા ન કરી, તેથી સદાશિવને ક્રોધ ચડયો. ભયંકર નેત્રવાળા શંકરે ત્રિશૂળ ઉપાડીને ભૃગુને મારી નાખવાનો આરંભ કર્યો.૬

પાર્વતીએ પગમાં પડીને વચનથી સદાશિવને શાંત કર્યા. પછી વૈકુંઠલોક કે જેમાં વિષ્ણુદેવ રહે છે ત્યાં ભૃગુ ઋષિ ગયા.૭

લક્ષ્મીના ખોળામાં વિષ્ણુ સૂતા હતા ત્યાં તેમની છાતીમાં ભૃગુએ લાત મારી. સત્પુરૂષોના શરણરૂપ ભગવાન, લક્ષ્મીજીની સાથે જાગી, પોતાના શયનમાંથી ઉતરીને, મસ્તકથી ભૃગુને પગે લાગ્યા. ભગવાને કહ્યું કે ''હે મહારાજ ! તમે ભલે આવ્યા, થોડીવાર આ આસન પર બેસો, હે પ્રભુ ! તમારા પધારવાને અમો જાણતા ન હતા. તેથી અમારા ઉપર આપ ક્ષમા કરવાને યોગ્ય છો.૮-૯

હે બાપ ! હે મોટા મુનિ ! તમારા પગતો બહુ જ સુકોમળ છે તે મારી છાતીમાં લાગવાથી દુઃખતા હશે.'' એમ કહી પોતાના હાથથી ઋષિના પગને ચાંપવા લાગ્યા.૧૦

વળી ભગવાન બોલ્યા કે- ''તીર્થોને પણ પવિત્રપણું આપનાર આપના ચરણ ધોવાના જળથી લોક સહિત મને તથા મારામાં રહેલા લોકપાળોને પવિત્ર કરો.૧૧

હે મહારાજ ! હું આજ લક્ષ્મીના અવિચળ સ્થાનકરૂપ થયો. તમારૂં ચરણ છાતીમાં વાગવાથી મારાં પાપ મટી ગયાં, તેથી હવે મારી છાતીમાં લક્ષ્મી અવિચળ રહેશે.''૧૨

વિષ્ણુ ભગવાન આ પ્રમાણે બોલતા હતા, ત્યારે ભૃગુઋષિ સુખ અને તૃપ્તિ પામીને ચુપ રહ્યા. ભક્તિથી ઉત્કંઠા થવાને લીધે ભૃગુના નેત્રમાં આંસુ આવ્યાં.૧૩

હે રાજા ! ભૃગુઋષિએ બ્રહ્મવાદી મુનિઓના યજ્ઞામાં પાછા આવીને જે કાંઇ પોતાના જાણવામાં આવ્યું તે સર્વે કહી સંભળાવ્યું.૧૪

આ વાત સાંભળી વિસ્મય પામેલા મુનિઓએ સંશય છોડી દઇને વિષ્ણુને મોટા માન્યા કે જે વિષ્ણુમાં શાંતિ અને અભય છે.૧૫

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, આઠપ્રકારની સિદ્ધિઓ અને અંતઃકરણના મેલને મટાડનાર યશ જેમાં રહેલ છે, તે વિષ્ણુ સર્વોત્તમ છે એમ માન્યું.૧૬

સર્વને અભય આપનાર, શાંત, સમચિત્તવાળા અને અભિમાન રહિત સાધુ મુનિઓના જે શરણરૂપ કહેવાય છે તે વિષ્ણુને મોટા માન્યા.૧૭

શુદ્ધ સત્વગુણ જેના પ્રિય શરીરરૂપ છે, બ્રાહ્મણો જેના ઇષ્ટદેવ છે અને શાંત તથા નિપુણ બુદ્ધિવાળા નિષ્કામ લોકો જેને ભજે છે તે વિષ્ણુને મોટા માન્યા.૧૮

ભગવાનની ત્રિગુણાત્મક માયાથી સર્જાએલા રાક્ષસો, અસુરો અને દેવતાઓ આ ત્રણ પ્રકારની વિષ્ણુની જ આકૃતિઓ છે, અર્થાત્ વિષ્ણુનાં શરીરો છે. ''દેવતાઓ સત્વગુણ પ્રધાન છે, અસુરો રજોગુણ પ્રધાન છે, અને રાક્ષસો તમોગુણ પ્રધાન છે.'' આ ત્રણે ત્રિગુણાત્મક અને ભગવાનનાં શરીરો હોવાથી સર્વપ્રકારે ભગવાનને આધીન છે. માટે સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણે ભાવો ઉપાસનીય નથી. ત્રણે ગુણોથી પર જે શુદ્ધ સત્વ છે, એ જ વિષ્ણુની પ્રાપ્તિનું સાધન છે.૧૯

શુકદેવજી કહે છે- આ પ્રમાણે મનુષ્યોના સંશય ટાળવાને માટે નિશ્ચય કરી ભગવાનના ચરણારવિંદની સેવા કરવાથી સરસ્વતીને કાંઠે રહેનારા બ્રાહ્મણો ભગવાનના સ્વરૂપને પામ્યા હતા.૨૦

સૂત શૌનકને કહે છે- આ પ્રમાણે શુકદેવજીના મુખ કમળમાંથી નીકળેલ સુગંધી જેમાં રહેલી છે એવો અમૃત સમાન, સંસારના ભયને ટાળનાર અને વર્ણન કરવા યોગ્ય આ ભગવાનના યશને સંસારરૂપી માર્ગમાં ફરનારો જે પુરૂષ કાનરૂપી પડીઆથી વારંવાર પીએ; તેને સંસારરૂપી માર્ગમાં ભટકવાનો પરિશ્રમ મટી જાય છે.૨૧

શુકદેવજી કહે છે- હે રાજા ! એક દિવસે દ્વારકામાં કોઇ બ્રાહ્મણની સ્ત્રીનો દીકરો જન્મતાં જ ધરતીને અડીને મરી ગયો.૨૨

આતુર અને રાંક મનનો બ્રાહ્મણ એ શબને લઇ રાજદ્વારમાં મૂકીને વિલાપ કરતાં આ પ્રમાણે બોલ્યો.૨૩

બ્રાહ્મણ કહે છે- બ્રાહ્મણોનો દ્વેષ કરનાર, લોભી, વિષયોમાં લંપટ અને શઠ બુદ્ધિવાળા ક્ષત્રિયોનાં કુકર્મને લીધે મારો બાળક મરણ પામ્યો છે.૨૪

હિંસાને વિહારરૂપ માનનારા, અજીતેન્દ્રિય અને દુષ્ટ સ્વભાવવાળા રાજાને ભજનારી પ્રજા પીડાય છે, દરિદ્રી રહે છે અને નિરંતર દુઃખી જ કહેવાય છે.૨૫

શુકદેવજી કહે છે- આ બાળકને લાવીને બ્રાહ્મણ જેમ રાજદ્વારમાં બોલ્યો, તેમજ બીજીવારના અને ત્રીજીવારના બાળકને પણ રાજદ્વારમાં મૂકીને તે પ્રમાણે જ બોલ્યો. (આવી રીતે આઠ બાળક મરણ પામ્યાં.)૨૬

પછી એક દિવસે ભગવાનની પાસે અર્જુન બેઠા હતા, ત્યાં નવમીવારનો બાળક મરણ પામતાં એ બ્રાહ્મણ એ પ્રમાણે જ બોલ્યો, તે સાંભળીને અર્જુને બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું.૨૭

અર્જુન કહે છે- હે બ્રાહ્મણ ! તારા ગામમાં કોઇ ધનુષધારી ક્ષત્રિય નથી શું ? ધન, સ્ત્રી અને પુત્રોમાં લાગી રહેલા આ યાદવો તો યજ્ઞામાં જમવા ભેળા થયેલા બ્રાહ્મણો જેવા જણાય છે. જે ક્ષત્રિયોના જીવતાં બ્રાહ્મણો શોક કરે તે પેટભરા ક્ષત્રિયો તો ક્ષત્રિયના વેષથી નટ લોકો જ જીવે છે એમ સમજવું.૨૮-૨૯

હે મહારાજ ! દીન એવાં જે તમો બન્નેનું હું રક્ષણ કરીશ, અને જો આ મારી પ્રતિજ્ઞાને સાચી નહીં કરી શકું તો હું અગ્નિમાં પ્રવેશ કરીને પવિત્ર થઇશ.૩૦

બ્રાહ્મણ કહે છે- બળદેવ, કૃષ્ણ, ધનુષ ધરનારાઓમાં ઉત્તમ પ્રદ્યુમ્ન અને જેની સામો યુદ્ધમાં કોઇ ઉભો રહી શકે નહીં, એવા અનિરૂદ્ધથી પણ મારા બાળકોનું રક્ષણ કરી શકાયું નથી, તો જે કામ જગતના ઇશ્વરોને પણ કરવું કઠણ લાગ્યું છે, તે કામને તું મૂર્ખપણાથી કેમ કરવા ધારે છે ? તારી વાતનો અમે વિશ્વાસ રાખતા નથી.૩૧-૩૨  

અર્જુન કહે છે- હે બ્રાહ્મણ ! હું, બળદેવ, કૃષ્ણ, પ્રદ્યુમ્ન કે અનિરૂદ્ધ નથી પણ હું તો અર્જુન છું, કે જેનું ગાંડીવ નામનું ધનુષ પ્રખ્યાત છે.૩૩

જેથી મહાદેવ પણ પ્રસન્ન થયા હતા, એવા મારા પરાક્રમનું તારે અપમાન કરવું નહીં, યુદ્ધમાં મૃત્યુને જીતીને પણ હું તારી પ્રજાને લાવી આપીશ.૩૪

શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે અર્જુને વિશ્વાસ આપતાં, અર્જુનના પરાક્રમોને સંભાળતો તે બ્રાહ્મણ રાજી થઇને પોતાને ઘેર ગયો.૩૫

સ્ત્રીને પ્રસવનો સમય પાસે આવતાં આતુર થયેલા તે ઉત્તમ બ્રાહ્મણે ''મારી પ્રજાની મૃત્યુથી રક્ષા કરો'' એમ અર્જુનને કહ્યું.૩૬

અર્જુને પવિત્ર જળનું આચમન લઇ, શ્રીકૃષ્ણને બ્રાહ્મણોની ઉપેક્ષા કરનાર જાણી, તેમને નમસ્કાર નહીં કરતાં મહાદેવજીને નમસ્કાર કરીને, દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કરી, દોરી ચઢાવેલું ગાંડીવ ધનુષ ઉપાડયું.૩૭

અનેક અસ્ત્રોથી જોડેલાં બાણોવતે આડું, ઉંચું અને નીચું સૂવાવડીના ઘરને રોકીને બાણોનું પાંજરૂં કરી દીધું.૩૮

પછી વિપ્રપત્ની થકી ઉત્પન્ન થયેલો બાળક વારંવાર રૂદન કરતાં કરતાં બ્રાહ્મણને ઘેર દીકરો આવ્યો કે તરત જ તેના શરીર સહિત આકાશમાર્ગે ગયો કે જે દેખવામાં પણ આવ્યો નહીં.૩૯

તે સમયમાં બ્રાહ્મણ શ્રીકૃષ્ણના સમીપમાં અર્જુનની નિંદા કરતાં કરતાં બોલ્યો કે- ''મારી મૂર્ખતા તો જુઓ, કે મેં નપુંસકના બકવાદ ઉપર વિશ્વાસ રાખ્યો.૪૦

પ્રદ્યુમ્ન, અનિરૂદ્ધ, બળદેવ અને શ્રીકૃષ્ણ જેનું રક્ષણ કરી શક્યા નહીં તેનું રક્ષણ કરવાને બીજો કોણ સમર્થ થાય ?૪૧

ખોટું બોલનારા અર્જુનને ધિક્કાર છે. પોતાના વખાણ કરનાર અર્જુનના ધનુષને ધિક્કાર છે, કે જે દુર્બુદ્ધિવાન અર્જુન દૈવે નહીં રાખવા ઇચ્છતા પદાર્થને મૂઢતાથી રાખવા ધારે છે.૪૨

આ પ્રમાણે બ્રાહ્મણ ગાળો દેતાં, અર્જુન વિદ્યાનો ઉપયોગ કરી તરત સંયમનીપુરીમાં ગયા, ત્યાં યમપુરીમાં પણ બ્રાહ્મણનો પુત્ર નહીં દેખતાં, ત્યાંથી હથિયાર ઉપાડીને ઇંદ્ર, અગ્નિ, સોમ, વાયુ અને વરૂણની પુરીઓમાં ગયા. ત્યાં પણ નહીં દેખવામાં આવતાં પાતાળમાં સ્વર્ગમાં અને બીજાં સ્થાનકોમાં પણ ગયા.૪૪

કોઇ સ્થાનકમાં બ્રાહ્મણનો પુત્ર નહીં મળતાં પ્રતિજ્ઞા પૂરી નહીં થવાને લીધે અર્જુને અગ્નિમાં પ્રવેશ કરવાને ધાર્યું, ત્યાં તેને શ્રીકૃષ્ણ ભગવાને ના પાડીને કહ્યું કે- ''હું તમને બ્રાહ્મણના પુત્રો દેખાડું છું, કે જેથી નિંદા કરનારા માણસો જ તમારી કીર્તિને અવિચળ કરશે. તમે પોતાથી પોતાનું અપમાન ન કરો.૪૫-૪૬

એમ કહી શ્રીકૃષ્ણ અર્જુનની સાથે પોતાના દિવ્ય રથમાં બેસીને પશ્ચિમ દિશામાં ચાલ્યા.૪૭

સાત દ્વીપ, સાત સમુદ્ર, સાત પર્વત અને લોકાલોક પર્વતને મૂકીને ભારે પ્રબળ અંધારામાં પ્રવેશ્યા.૪૮

હે રાજા ! અંધારામાં પેસતાં શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બાલાહક નામના ચાર ભગવાનના ઘોડા ચાલતાં અટક્યા.૪૯

એ જોઇને શ્રીકૃષ્ણ ભગવાને હજાર સૂર્ય જેવા પોતાના ચક્રને આગળ ચલાવ્યું.૫૦

બહુ ભારે તેજથી એ પ્રકૃતિના પરિણામરૂપ, એ ઘાટા અંધારાને કાપી નાંખતું એ ભગવાનનું ચક્ર, જેમ દોરીમાંથી છૂટેલું રામનું બાણ, રાવણની સેનાઓમાં જતું, તેમ મન સરખા વેગથી ચાલવા લાગ્યું.૫૧ 

ચક્રે કરી આપેલા માર્ગમાં ચાલતાં અંધારાથી ઘણું છેટું, અંત અને પાર વગરનું તથા વ્યાપ્ત થતું પરમ તેજ જોવામાં આવ્યું. તેને જોઇને આંખો અંજાઇ જતાં અર્જુને બન્ને આંખો મીંચી દીધી.૫૨

પછી ભારે પવનથી ઉછળતા મોટા મોટા તરંગોથી શોભી રહેલાં જળમાં પ્રવેશ કર્યો. ત્યાં મોટા પ્રકાશ વાળું અને શોભી રહેલા હજારો મણિઓના થાંભલાઓથી દીપતું અદ્બુત ઘર જોવામાં આવ્યું.૫૩

એ ઘરમાં મહાભયંકર અને માથા ઉપર ફણોમાં રહેલા મણિઓની કાંતિઓથી શોભતા, ભયંકર બેહજાર નેત્રવાળા, ધોળા પર્વત સરખા અને કંઠ તથા જીભો જેની શ્યામ છે એવા શેષનાગ જોવામાં આવ્યા.૫૪

તે શેષનાગના શરીર ઉપર સુખપૂર્વક બિરાજેલા, મોટા પ્રભાવવાળા, અને મનુષ્યો તથા ઇંદ્રાદિક દેવો કરતાં ઉત્તમ એવા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કરતાં પણ ઉત્તમ ઘાટા મેઘની સમાન શ્યામ કાંતિવાળા, પીળાં વસ્ત્રો ધારી રહેલા, પ્રસન્ન મુખકમળથી યુક્ત અને સુંદર તથા લાંબા નેત્રોવાળા એવા ભૂમાપુરૂષ ભગવાન, શ્રીકૃષ્ણ અને બળદેવજીના જોયામાં આવ્યા.૫૫

અનેક મોટા મણિઓવાળા કિરીટ અને કુંડળની કાંતિથી કેશનો યથ્થો ચળકતો હતો. લાંબી અને સુંદર આઠ ભુજાઓ હતી. કૌસ્તુભમણિ ધર્યો હતો. શ્રીવત્સને શોભા આપનારી વનમાળાથી વીંટાયા હતા.૫૬

નંદ અને સુનંદ આદિ પોતાના પાર્ષદો, ચક્ર આદિ આયુધો, પુષ્ટિ, લક્ષ્મી આદિ આઠ સિદ્ધિઓ સેવતી હતી. અક્ષરધામના અધિપતિ સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતાના અવતારભૂત ભૂમાપુરુષને નમસ્કાર કર્યા. તેવી જ રીતે ભૂમાપુરૂષ ભગવાનનાં દર્શનથી ભક્તિપૂર્વક, જેને ભય ઉત્પન્ન થયેલો છે. એવા અર્જુને પણ વંદન કર્યાં, તે સમયે બ્રહ્માદિકોના પણ ઇશ્વર ભૂમા ભગવાને બે હાથ જોડી, હસીને ગંભીર વાણીથી આ પ્રમાણે કહ્યું.૫૭-૫૮ 

    ભૂમા ભગવાન કહે છે- તમારાં દર્શનની ઇચ્છાથી બ્રાહ્મણના પુત્રને હું અહીં લાવ્યો છું. તમો બન્ને આ પૃથ્વી ઉપર ધર્મનું રક્ષણ કરવા માટે જ્ઞાનના પૂર્ણાંશથી અવતરેલા છો, એટલા જ માટે પૃથ્વીના ભારરૂપ દૈત્યોને મારીને સ્વધામ જતી વખતે અમારા સ્થાનને વિષે ફરીવાર પણ મને દર્શન આપવા માટે મારી સમીપે શીઘ્ર પધારજો.૫૯

જે તમો ઋષિ નરનારાયણના અવતારરૂપ અને સર્વોત્તમ છો, તે તમો જગતની સ્થિતિ અને મર્યાદા રાખવા સારૂં ધર્મનું આચરણ કરો છો.૬૦

શુકદેવજી કહે છે, ભૂમાપુરૂષે આ પ્રમાણે આજ્ઞા કરતાં રાજી થયેલા શ્રીકૃષ્ણ અને અર્જુન તેમની આજ્ઞાને માથે ચઢાવી બ્રાહ્મણના પુત્રોને લઇ, ભૂમાપુરૂષને પ્રણામ કરીને જે માર્ગેથી આવ્યા હતા તે જ માર્ગેથી પાછા દ્વારકામાં આવ્યા. બ્રાહ્મણને પ્રથમના જેવા જ રૂપ અને અવસ્થાવાળા તેના પુત્રો આપ્યા.૬૧-૬૨

વિષ્ણુનું ધામ જોઇને બહુજ વિસ્મય પામેલા અર્જુને માન્યું કે- ''જે કાંઇ પુરૂષોમાં પુરૂષાર્થ હોય તે સર્વે ભગવાનની કૃપાથી જ હોય છે.''૬૩

આ લોકમાં એવાં અનેક પરાક્રમો દેખાડતા શ્રીકૃષ્ણ ભગવાન સંસાર સંબંધી વિષયોને ભોગવતા હતા અને મોટા સમૃદ્ધિવાળા યજ્ઞોથી યજન કરતા હતા.૬૪

શ્રેષ્ઠપણાને ધારણ કરતા ભગવાન ઇંદ્રની પેઠે બ્રાહ્મણાદિક પ્રજાઓના સમયસર સર્વે મનોરથો પુરતા હતા.૬૫

અધર્મ કરનારા રાજાઓને મારીને તથા અર્જુનાદિકની પાસે મરાવીને યુધિષ્ઠિર આદિ ધાર્મિક રાજાઓદ્વારા અનાયાસથી ધર્મની પ્રવૃત્તિ કરાવતા હતા.૬૬