અધ્યાય ૮૬ - સુભદ્રાનું હરણ કરતા અર્જુન તથા મિથિલા નગરીમાં જઇને જનકરાજા અને શ્રુતદેવ વિપ્રને આનંદ આપતા શ્રીકૃષ્ણ ભગવાન.

પરીક્ષિત રાજા પુછે છે- હે મહારાજ ! બળદેવ તથા શ્રીકૃષ્ણનાં બેન સુભદ્રા કે જે મારી દાદી હતાં, તેમને અર્જુન જેવી રીતે પરણ્યા તે જાણવાને ઇચ્છું છું.૧

શુકદેવજી કહે છે- સમર્થ અર્જુન તીર્થયાત્રા કરવા સારૂં પૃથ્વીમાં ફરતા પ્રભાસમાં ગયા હતા, ત્યાં તેમણે સાંભળ્યું કે- ''પોતાના મામા વસુદેવની દીકરી સુભદ્રાને બળદેવ દુર્યોધનને આપશે અને તે સગપણ કરવામાં બીજાઓનો મત નથી.'' આ ઉપરથી તે કન્યાને મેળવવાની ઇચ્છાને લીધે, અર્જુન ત્રિદંડી સંન્યાસી થઇને દ્વારકામાં ગયા.૨-૩

સ્વાર્થ સાધવા સારૂ તે અર્જુન ત્યાં ચોમાસાના ચાર મહિના સુધી રહ્યા અને ગામના લોકો તથા અજાણ્યા બળભદ્ર પણ તેમનો વારંવાર સત્કાર કરતા હતા.૪

એક દિવસ આતિથ્યનું નોતરૂં આપી ઘેર તેડી લાવીને બળદેવે શ્રદ્ધાથી ભિક્ષા આપી, તે અર્જુન પામ્યા.૫

ત્યાં વીરપુરૂષોના મનને હરનારી મોટી કન્યા તેમના જોવામાં આવી. જોઇને પ્રીતિથી જેનાં નેત્ર પ્રફુલ્લિત થયાં, એવા અર્જુનનું રતિની ઇચ્છાથી ક્ષોભ પામેલું મન તેમાં ગયું.૬

તેમજ તે કન્યા પણ સ્ત્રીઓના મનને પ્રિય લાગનાર અર્જુનની ઇચ્છા કરતી હતી, તેથી તે તેની સામું લજ્જીત થઇ હસવા લાગી. મનથી તેનો જ વિચાર કરવા લાગી, અને નેત્રથી તેને જ જોવા લાગી.૭

પછી તેનું જ ધ્યાન કરતા, હરણ કરવાનો લાગ જોતા અને અત્યંત બળવાન કામદેવથી જેમનું ચિત્ત ભમતું હતું, એવા અર્જુનને સુખ વળ્યું નહીં.૮

પછી મોટી દેવયાત્રાના પ્રસંગમાં રથમાં બેસીને ગઢમાંથી બહાર નીકળેલાં સુભદ્રાને તેમના માબાપ અને શ્રીકૃષ્ણની સંમતિથી મહારથી અર્જુન હરી ગયા.૯

રથમાં બેઠેલા અર્જુન ધનુષ લઇને, જે શૂરા યોદ્ધાઓ પોતાને રોકવા આવ્યા તેઓને ભગાડીને, સિંહ જેમ પોતાના ભાગને લઇ જાય તેમ સંબંધીઓનો કોલાહલ છતાં સુભદ્રાને લઇ ગયા.૧૦

આ વાત સાંભળી, પુનમની રાતમાં સમુદ્ર જેમ ક્ષોભ પામે તેમ બળદેવજી બહુ જ ક્ષોભ પામ્યા, પણ શ્રીકૃષ્ણ તથા બીજાં સંબંધીઓ પગમાં પડતાં શાંત થયા.૧૧

પછી બલરામે ઘણા આનંદથી તે વરવહુને ઘણા મૂલ્યવાન સરસામાન, હાથીઓ, રથ, ઘોડા, દાસ અને દાસીઓ આદિ પ્રીતિથી આપવાના પદાર્થો મોકલાવ્યા.૧૨

એક શ્રુતદેવ નામનો ઉત્તમ બ્રાહ્મણ શ્રીકૃષ્ણનો ભક્ત હતો. એ બ્રાહ્મણ કેવળ ભગવાનની જ ભક્તિથી પોતાને કૃતાર્થ માનનાર, શાંત, વિદ્વાન અને વિષયોમાં વૈરાગ્યવાળો હતો.૧૩

વિદેહ દેશથી મિથિલા નગરીમાં એ ગૃહસ્થાશ્રમી બ્રાહ્મણ રહેતો હતો. ઉદ્યમ વગર જે કાંઇ અન્નાદિક આવે તેથી પોતાની ક્રિયાઓ કરતો હતો.૧૪

દરરોજ દેવગતિથી તેને નિર્વાહ જેટલું મળી રહેતું હતું, એ બ્રાહ્મણ તેટલાથી જ સંતોષ રાખીને યથાયોગ્ય ક્રિયાઓ કરતો હતો.૧૫

હે પરીક્ષિત રાજા ! એ દેશનો રાજા જનકના વંશનો બહુલાશ્વ પણ એવી જ રીતે અહંકાર રહિત અને ભગવાનનો ભક્ત હતો, એ બન્ને શ્રીકૃષ્ણને પ્રિય હતા.૧૬

તે બન્નેની ઉપર પ્રસન્ન થયેલા શ્રીકૃષ્ણ ભગવાન રથમાં બેસીને મુનિઓની સાથે વિદેહ દેશમાં પધાર્યા.૧૭

નારદ, વામદેવ, અત્રિ, વેદવ્યાસ, પરશુરામ, અસિત, અરૂણિ, હું, (શુકદેવજી) બૃહસ્પતિ, કણ્વ, મૈત્રેય અને ચ્યવનાદિ મુનિઓ તેમની સાથે હતા.૧૮

હે રાજા ! વિદેહ દેશમાં જતાં ભગવાન જ્યાં જ્યાં આવ્યા ત્યાં નગરના અને દેશના લોકો હાથમાં અર્ઘ્ય લઇને તેમની સામા આવતા હતા. ગ્રહોની સાથે ઉગેલા સૂર્યને જેમ માન આપે, તેમ સર્વે લોકો મુનિઓની સાથે આવતા શ્રીકૃષ્ણને માન આપતા હતા.૧૯

આનર્ત, ધન્વ, કુરૂ, જંગલ, કંક, મત્સ્ય, પાંચાલ, કુંતિ, મધુ, કેક્ય, કોસલ અને ઋણ દેશમાં રહેનારાં તથા બીજાં પણ પુરૂષો અને સ્ત્રીઓ ઉદાર હાસ્ય અને સ્નેહ ભરેલી દૃષ્ટિવાળા તે ભગવાનના મુખારવિંદને નેત્રોથી પીતાં હતાં.૨૦

પોતાનાં દર્શનથી જેઓનું અજ્ઞાન નાશ પામ્યું હતું એવા તે લોકોને અભય તથા તત્ત્વજ્ઞાન આપતા અને દિશાઓના છેડા સુધી ફેલાએલી, અશુભ મટાડનારી તથા દેવ અને મનુષ્યોએ ગાયેલી પોતાની ઉજ્વળ કીર્તિને સાંભળતા શ્રીકૃષ્ણ ભગવાન ધીરે ધીરે વિદેહ દેશમાં પધાર્યા.૨૧

હે રાજા ! ભગવાનને આવેલા સાંભળી, રાજી થયેલા નગરના તથા દેશના લોકો હાથમાં પૂજનના પદાર્થો લઇને તેમની સામે આવ્યા.૨૨

તે મોટી કીર્તિવાળા ભગવાનને તથા પૂર્વે સાંભળેલા મુનિઓને જોઇ, જેઓનાં મુખ અને અંતઃકરણ પ્રીતિથી પ્રફુલ્લિત થયાં હતાં, એવા તે લોકો જેઓના ઉપર અંજલિઓ ધરી હતી એવાં માથાઓથી તેઓને પગે લાગ્યા. અર્થાત્ માથા ઉપર હાથ જોડીને પગે લાગ્યા.૨૩

તે જગતના ગુરૂ ભગવાનને પોતાના ઉપર અનુગ્રહ કરવા સારૂ આવેલા માની, બહુલાશ્વ રાજા અને શ્રુતદેવ બ્રાહ્મણ ભગવાનના ચરણમાં પડયા.૨૪

બહુલાશ્વે અને શ્રુતદેવે હાથ જોડી ભગવાનને મુનિઓની સાથે, એક જ સમયમાં મહેમાનીનાં નોતરાં આપ્યાં.૨૫

એ નોતરાંનો સ્વીકાર કરી, બન્નેને રાજી કરવા સારૂ ભગવાન બ્રાહ્મણોની સાથે બે રૂપ કરીને બન્નેને ઘેર એક સમયમાં પધાર્યા, અને તે વાત બહુલાશ્વ તથા શ્રુતદેવના જાણવામાં આવી નહિ.૨૬

વૃદ્ધિ પામેલી ભક્તિથી હૃદયમાં બહુ રાજી થયેલા અને આંસુથી ભીનાં નેત્રવાળા ઉદાર જનક રાજાએ પોતાને ઘેર આવેલા અને નીચપુરૂષોના તો સાંભળવામાં પણ ન આવે, એવા એ મહાત્મા પુરૂષોને પોતે આણેલાં ઉત્તમ આસનો પર સારી રીતે બેસાડી પ્રણામ કરીને તેઓના પગ ધોયા, અને લોકોને પવિત્ર કરનારા પગ ધોવાના જળને પોતાના કુટુંબ સહિત માથે ચઢાવ્યું. ગંધ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર, ધુપ, દીપ, અર્ઘ્ય, ગાય અને બળદોથી તે મહાત્માઓનું પૂજન કર્યું.૨૭-૨૯

અન્નથી તૃપ્ત કરેલા એ મહાત્માઓને મધુર વાણીથી રાજી કરતા અને ખોળામાં લીધેલાં ભગવાનનાં ચરણને પ્રેમથી ધીરે ધીરે સ્પર્શ કરતા જનક રાજા આ પ્રમાણે બોલ્યા.૩૦

બહુલાશ્વ કહે છે- હે પ્રભુ ! આપ સર્વ પ્રાણીઓને ચેતના આપનાર સાક્ષી અને સ્વયંપ્રકાશ છો, એટલા માટે અમો કે જેઓ આપના ચરણારવિંદનું સ્મરણ કરનારા છીએ, તેઓને આપે દર્શન દીધું છે.૩૧

મારા સાચા ભક્ત કરતાં મને શેષનાગ, લક્ષ્મી કે બ્રહ્મા પણ વધારે પ્યારા નથી'' એમ જે આપે કહ્યું છે, તે આપના વચનને સત્ય કરવા સારૂં આપે અમને દર્શન દીધું.૩૨

આવાં આપનાં વચનને જાણનારો કયો પુરૂષ આપના ચરણારવિંદનો ત્યાગ કરે ? કે જે આપ નિષ્કિંચન અને શાંત મુનિઓને પોતાનું સ્વરૂપ આપો છો.૩૩

જેણે યદુવંશમાં અવતરી, અહીં જન્મ મરણ પામતાં મનુષ્યોને સંસારમાંથી છોડાવવા સારૂં ત્રિલોકના પાપને દૂર કરનારી કીર્તિ વિસ્તારી છે. તે અખંડ જ્ઞાનવાળા, અત્યંત શાંતિ ભરેલું તપ કરનાર, નારાયણ ઋષિરૂપ આપ શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કરૂં છું.૩૪-૩૫

હે પ્રભુ ! મુનિઓની સાથે કેટલાક દિવસ સુધી અમારા ઘરમાં રહો, અને ચરણરજથી આ નિમિરાજાના કુળને પવિત્ર કરો.૩૬ 

શુકદેવજી કહે છે- આ પ્રમાણે રાજાએ પ્રાર્થના કરતાં, લોકોના રક્ષક ભગવાન મિથિલા નગરીના પુરૂષો અને સ્ત્રીઓનું કલ્યાણ કરવા સારૂ ત્યાં રહ્યા.૩૭

પોતાને ઘેર આવેલા ભગવાન સહિત મુનિઓને પ્રણામ કરી, જનકરાજાની પેઠે બહુ જ રાજી થયેલો શ્રુતદેવ બ્રાહ્મણ પણ પોતાનું વસ્ત્ર હલાવીને નાચવા લાગ્યો.૩૮

તૃણમય ચટાઇ, બાજોઠ અને દર્ભાસન બિછાવી, તેના ઉપર ભગવાન શ્રીકૃષ્ણ અને મુનિઓને બેસાડી, સ્વાગત વચનથી સત્કાર કરી, પોતાની સ્ત્રી સહિત પ્રેમથી તેઓના પગ ધોયા.૩૯

ભાગ્યશાળી, બહુજ હર્ષ પામેલ અને જેના સર્વે મનોરથ પુરા થયા છે, એવા એ શ્રુતદેવ બ્રાહ્મણે તેઓના પગધોવાના જળથી પોતાના શરીરને અને ઘરના કુટુંબને નવરાવ્યા.૪૦

ફળ વાળાથી વાસેલાં શીતળ મીઠાં જળ, સુગંધી માટી, તુલસી, દર્ભ, કમળો, એ આદિ અનાયાસે પ્રાપ્ત થયેલી પૂજાની સામગ્રી અને સત્વગુણને વધારનાર અન્ન વડે, બની શકી તેવી પૂજાથી તે મહાત્માઓની આરાધના કરી.૪૧

એ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે- ''જે હું ઘરરૂપી ઊંડી ખાઇમાં પડેલો છું, તે મને સર્વ તીર્થોના સ્થાનકરૂપ શ્રીકૃષ્ણ અને તેમના પોતાના નિવાસ સ્થાનરૂપ મુનિઓનો સમાગમ શા પુણ્યથી થયો ?''૪૨

પછી સુખેથી બેઠેલા અને જેઓનું આતિથ્ય કર્યું છે. એવા એ મહાત્માઓની પાસે પોતાની સ્ત્રી, સ્વજન અને સંતાનોની સાથે બેઠેલો અને પગ ચાંપતો શ્રુતદેવ બ્રાહ્મણ આ પ્રમાણે બોલ્યો.૪૩ 

 શ્રુતદેવ કહે છે- જે આપ પરમપુરૂષ છો, તે આપ આજ જ અમને મળ્યા છો એમ નથી, પણ જ્યારે પોતાની શક્તિરૂપ સત્વાદિગુણથી આ જગતને સ્રજીને તેમાં પોતાની સત્તાથી પ્રવેશ્યા છો, ત્યારે જ મળ્યા છો, પરંતુ પ્રત્યક્ષ દર્શન આજે જ થયું, છે.૪૪

જેમ સૂતેલો પુરૂષ વાસનાને અનુસરનારા મનના સંકલ્પથી જ સ્વપ્ન અવસ્થાના બીજા દેહને સ્રજીને તેમાં જાણે પ્રવેશ્યો હોય તેમ લાગે છે. છતાં તેનાથી પૃથક્ છે. તેમ આપ પણ આ જગતને સ્રજીને જાણે તેમાં પ્રવેશ્યા હો એમ જણાઓ છો.૪૫

તમારૂં નિરંતર શ્રવણ કરતા, તમને પૂજતા, પ્રણામ કરતા અને તમારી જ વાતો કરતા નિર્મળ મનવાળા મનુષ્યોને પણ તમે હૃદયમાં જ દર્શન આપો છો, અને મને તો પ્રત્યક્ષ દર્શન દીધું, તેથી હું મારૂં અહોભાગ્ય સમજું છું.૪૬

તમે જો કે હૃદયમાં જ રહ્યા છો, તોપણ કર્મથી વિક્ષેપ પામેલી બુદ્ધિવાળાઓને અત્યંત દૂર રહ્યા છો. તેમજ તમે અહંકારાદિકથી વ્યવધાન પામેલા છો, તોપણ જેઓના અંતઃકરણમાં શ્રવણ, કીર્તનાદિકનો સંસ્કાર લાગેલો હોય છે તેઓને તમે પાસે જ છો.૪૭

જે તમો દેહાદિકના અભિમાનથી રહિત પુરૂષોને મોક્ષ આપનાર છો. અને દેહાદિકના અભિમાન ધરાવનાર, પુરુષને તમારા સંકલ્પથી જ મૃત્યુરૂપી સંસારને આપનારા છો. ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે કર્માધીનથી રહિત દિવ્ય શરીરને ધારણ કરનારા છો, અને જે પુરુષો માયાથી મોહિત થયેલા છે, તે પુરુષોને પોતાના સ્વરૂપનું જ્ઞાન નહિં આપનાર એવા તમોને મારા પ્રણામ હોજો.૪૮

હે દેવ ! તે પરમેશ્વર આપ પોતાના દાસ અમ લોકોને આજ્ઞા કરો. અમો શું કામ કરીએ ? આપનાં પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે મનુષ્યોના કલેશનો અંત થાય છે.૪૯

શુકદેવજી કહે છે- આ પ્રમાણે શ્રુતદેવનાં વચન સાંભળી; ભક્તોની પીડાને હરનાર ભગવાને પોતાના હાથથી તેનો હાથ પકડી, હસીને આ પ્રમાણે કહ્યું.૫૦

ભગવાન કહે છે- હે બ્રાહ્મણ ! ''આ મુનિઓ તમારા ઉપર અનુગ્રહ કરવા સારૂં આવેલા છે એમ જાણો. પોતાની ચરણરજથી લોકોને પવિત્ર કરતા, આ મુનિઓ મારી સાથે ફરે છે.૫૧

દેવ, ક્ષેત્રો અને તીર્થો, દર્શન સ્પર્શ અને પૂજનથી ઘણે કાળે પવિત્ર કરે છે; અને આ મુનિઓ તો તરત જ પવિત્ર કરે છે. દેવાદિકમાં પવિત્ર કરવાની જે શક્તિ છે, તે પણ આવા મહાત્માઓની દૃષ્ટિ પડવાથી જ છે.૫૨

આ જગતમાં મુનિઓ સર્વે પ્રાણીઓમાં ઉત્તમ છે. તેમાં પણ જે બ્રાહ્મણ મુનિઓ તપ, વિદ્યા, સંતોષ અને મારી ઉપાસનાથી યુક્ત હોય તેની તો શી જ વાત કરવી ?૫૩

આ મારૂં ચતુર્ભુજરૂપ કરતાં પણ બ્રાહ્મણ મુનિઓ મને વધારે પ્યારા છે. બ્રાહ્મણ મુનિઓ સર્વે વેદમય છે અને હું સર્વે દેવમય છું, માટે દેવતાઓની સિદ્ધિ તેના પ્રમાણરૂપ વેદને આધિન હોવાને લીધે બ્રાહ્મણ મુનિઓ મને આ રૂપ કરતાં પણ વધારે પ્રિય છે.૫૪

ગુણમાં દોષનો આરોપ કરનારા અને મૂર્તિ આદિકમાં જ પૂજન બુદ્ધિ ધરાવનારા દુર્બુદ્ધિ લોકો આપ્રમાણે નહિ સમજીને ગુરૂ, હું અને આત્મારૂપ બ્રાહ્મણ મુનિઓનું અપમાન કરે છે.૫૫

આ સ્થાવર જંગમ જગત અને તેના કારણરૂપ મહત્તત્વાદિક પદાર્થો ભગવાનનાં જ રૂપ છે.'' એમ બ્રાહ્મણ સર્વે ઠેકાણે બ્રહ્માત્મક દૃષ્ટિથી પોતાના ચિત્તમાં જાણે છે.૫૬

હે બ્રાહ્મણ ! એટલા માટે મારા પર વિશ્વાસથી આ મુનિઓની પૂજા કરો, અને એમ કરશો તો જ સાક્ષાત્ મારૂં પૂજન થશે, આમ કર્યા વિના ઘણા વૈભવોથી પણ મારૂં પૂજન થતું નથી.૫૭

શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરતાં તે શ્રીકૃષ્ણ સહિત બ્રાહ્મણોની એક ભાવનાથી આરાધના કરી, શ્રુતદેવ બ્રાહ્મણ શુભગતિ પામ્યો, અને મિથિલાનો રાજા બહુલાશ્વ પણ શુભગતિ પામ્યો.૫૮

હે રાજા ! આ પ્રમાણે ભક્તોપર પરમ પ્રીતિ રાખનાર શ્રીકૃષ્ણ ભગવાન ત્યાં રહીને પોતાના ભક્ત એ બ્રાહ્મણ તથા રાજાને સન્માર્ગનો ઉપદેશ કરી, પાછા દ્વારકામાં પધાર્યા.૫૯