દોહા -
વરણવી વાત વરતાલની, કોટિ ઘણિમાંથી કિંચિત ।
ગાઉં રીતિ ગઢડાતણી, જિયાં ઉદ્ધારિયા અગણિત ।।૧।।
ઘણું ઘણું ઘનશ્યામ જિયાં, રહી કર્યાં માંગલિક કાજ ।
અનંત જીવ ઉદ્ધારિયા, મહા નિજબળે મહારાજ ।।૨।।
પાપી ૨સુરાપી ૩પલલભક્ષી, લખી ન જાયે અવળાઇ લેશ ।
એવા જન ઉદ્ધારિયા, આપી આપે ઉપદેશ ।।૩।।
વળી ઉત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જેજે જન ।
તે જનને પણ તારિયા, દઈ પોતે દરશન ।।૪।।
ચોપાઇ -
કર્યા ઉત્સવ અતિ અપારરે, જગજીવન જગ આધારરે ।
અષ્ટમી અન્નકોટ ઉત્સવરે, કર્યા ભવજળ તારવા ભવરે ।।૫।।
વસંતપંચમી ને ફુલદોલરે, તેદિ રંગ ઉડાડયો અતોલરે ।
રામનૌમી એકાદશી આદિરે, તેદિ લીળા કરી ૧રાયજાદિરે ।।૬।।
અષ્ટમી ઉત્સવે આવ્યા દાસરે, રાખ્યા ચોમાસાના ચાર માસરે ।
નિત્ય ના'વા જાતા સંત સાથરે, જન જોઈને થાતા સનાથરે ।।૭।।
ના'તા નૌતમ કરતા લીળારે, ભળી વળી પોતે સંત ભેળારે ।
ગાતા વાતા આવતા ઉતારેરે, જન જમાડતા તેહ વારેરે ।।૮।।
જમી આપે જમાડતા જનરે, ભાત્ય ભાત્યનાં અન્ન ૨વ્યંજનરે ।
દેતા દહી દુધ તે ૩દોવટેરે, સારા શોભતા સોનેરી પટેરે ।।૯।।
બહુવાર પંગત્યમાં ફરતારે, એમ અષ્ટમી ઉત્સવ કરતારે ।
અન્નકોટ ઉપર આવે દાસરે, તેને ઉઠી મળે અવિનાશરે ।।૧૦।।
હાર ઉતારી હૈયેથી દિયેરે, જન નમાવી મસ્તક લિયેરે ।
પછી પુછે સુખ સમાચારરે, એમ આપે સુખ અપારરે ।।૧૧।।
પછી અનેક ભાત્યનાં અન્નરે, કરી રાખ્યાં જે ભરી ૪ભાજનરે ।
તેતો પંક્તિ કરી પિરસ્યાંરે, જમી જન મનમાં હુલસ્યાંરે ।।૧૨।।
નિજ હાથે જમાડેછે નાથરે, મુકી જન માથે હરિ હાથરે ।
એમ આપેછે સુખ અલેખેરે, તેતો નર અમર સૌ દેખેરે ।।૧૩।।
એહ ઉત્સવમાં હતા જનરે, તેનાં ભાગ્ય માનો ધન્યધન્યરે ।
પણ એમાં તો ન હોય ભેળારે, કેડે સાંભળી જેણે એ લીળારે ।।૧૪।।
તેતો બ્રહ્મમો'લે ભલિ ભાત્યરે, જાશે બીજાને લઇ સંગાત્યરે ।
તેમાં સંશે કરશોમાં કાંઇરે, હરિએ ઇચ્છા કરી ઉરમાંઇરે ।।૧૫।।
વળી વસંત પંચમીએ વાલેરે, બહુ સખા રંગ્યા'તા ગુલાલેરે ।
પોતે ભરી ગુલાલની ઝોળીરે, નાંખી રંગ્યા હતા સંત ટોળીરે ।।૧૬।।
એહ સમો સંભારે જે જનરે, વળી સાંભળી કરે ચિંતવનરે ।
તેને અક્ષરધામનું બારરે, જાણો ઉઘડિયું છે આ વારરે ।।૧૭।।
શીદ શંકા રાખે જન મનરે, મળ્યે સહજાનંદ ભગવનરે ।
આજ બહુ જીવ તારવા સારૂંરે, કર્યા અલબેલે ઉપાય હજારૂંરે ।।૧૮।।
જીવ જોરેશું જાવા છે લઇરે, સુખી કરવા છે સુખ દઇરે ।
હશે જીવને જાવાનું બીજેરે, પણ જાવું પડશે રીઝે ખીજેરે ।।૧૯।।
એમાં નહિ પડે કેણે ફેરરે, શીદ કહેવરાવો વેરવેરરે ।
હરિ પ્રતાપે બ્રહ્મમો'લમાંરે, જાવા આવી ગયા છે તોલમાંરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે સપ્તવિંશઃ પ્રકારઃ ।।૨૭।।