છોતેરમું પ્રકરણ

રાગ સામેરી-
હવે ગુજરધરમાં સંત ફરતા, કરતા હરિની વારતા । પંચવ્રતે પૂરા શૂરા, પ્રભુને સંભારતા ।।૧।।
તેણે મનમાં વિચારિયું, હજી નાથજી કેમ નાવીયા । આજ કાલ કરતાં, દર્શન વિના દિન બહુ ગિયા ।।૨।।
એમ શોચ કરીને સંત સુતા, તેને સ્વપ્નમાં આવિયા હરિ । સખા સંગે શ્યામળો, જાણું પધાર્યા દયા કરી ।।૩।।
શ્વેત વસ્ત્ર પહેરી લેરી, જાણું આવિયા અશ્વે ચડી । સંત મન મગન થઇ, કહે ધન્ય ધન્ય આજ ઘડી ।।૪।।
એક કહે મહારાજને મેં, ગુંજાહાર પહેરાવીયા । બાજુ કાજુ કુંડળ કરી, ફુલના તોરા ધરાવીયા ।।૫।।
એક કહે જાણું ચંદન ઘશી, ચરચ્યું મારા હાથશું । એક કહે જાણું અલબેલાને, ભેટીયો ભરી બાથશું ।।૬।।
એક કહે જાણું નાથનાં, ચરણ છાપ્યાં છાતિએ । એક કહે એવી દિઠી મૂરતિ, તેતો નવ્ય જાય કહ્યે ।।૭।।
એક કહે મેં સખા દીઠા, સંગે સુંદર શ્યામને । એમ સંતે સ્વપ્નમાંહી, દીઠા પૂરણકામને ।।૮।।
પ્રભાતે ઉઠી પરસ્પર, વાત કરવા લાગીયા । જાણ્યું પધાર્યા વાલ્યમો, સંત સહુનાં દુઃખ ભાંગીયાં ।।૯।।
પછી નાહી જન જીવનની, વાટ જુવેછે સહુ મળી । એમ કરતાં પધારીયા, વાલ્યમજી પોતે વળી ।।૧૦।।
જેવા દિઠાતા સ્વપ્નમાંઇ, તેવાના તેવા પધારીયા । દર્શન દઇ દાસને, નવલા તે નેહ વધારીયા ।।૧૧।।
જન સહુ મગન થયા, નિર્ખિ નટવર નાથને । પાય લાગી પાસળે, વળી ઉભા જોડી હાથને ।।૧૨।।
પછી પ્રભુજી બોલિયા, જાઓ તેડાવો સર્વે જનને । સંતને ખબર કરજ્યો, મર કરે આવી દર્શનને ।।૧૩।।
પછી સાંભળીને સર્વે આવ્યા, સતસંગી ને સંત વળી । નાથ નિરખિ હૈયે હરખી, લાગ્યા પાય પ્રભુને લળી ।।૧૪।।
સંત મંડળ સર્વે આવ્યાં, બેઠા જોઇ જીવનને । અલબેલે અમૃતદૃષ્ટે, જોયા સર્વે જનને ।।૧૫।।
અનંત સુખ આપ્યાં વાલે, કાપ્યાં દુઃખ દાસતણાં । મીઠી વાણ્યે બોલી મોહન, રાજી કર્યા સંત ઘણા ।।૧૬।।
પછી દિવસ વળતે, આવી અવલ એકાદશી । સતસંગી નરનારી સહુ, રહ્યા વ્રત મળી ઋષિ ।।૧૭।।
જેતલપુરની જાગ્યમાં, મનુષ્ય તો માયાં નહિ । પછી પ્રભુજી વિરાજીયા, તડાગતટે વટે જઇ ।।૧૮।।
ત્યાં અનંત જન આવિયા, લાવિયા પૂજા પ્રીતશું । અંબર ભૂષણ અંગે અરપિ, ચરણ ચિંતવ્યાં ચિત્તશું ।।૧૯।।
પછી સંત શ્રીખંડ ઘશી, લાવ્યાતા ભાજન ભરી । મરજી જોઇ મહારાજની, સર્વે અંગમાં અર્ચા કરી ।।૨૦।।
સુંદર હાર સુમનના, પ્રભુને પહેરાવિયા । પોંચી બાજુ કાજુ કુંડળ, ગજરા તોરા ધરાવિયા ।।૨૧।।
ધૂપ દીપ કરી આરતિ, સહુ લળિ પાયે લાગિયા । પછી પ્રભુજી ગામમાં, ઘોડે ચડી જમવા ગિયા ।।૨૨।।
જમી જીવન આવિયા, નાયા પછી નીરમાં । ચોળી ચંદન ઉતારીયું, જે ચરચ્યું હતું શરીરમાં ।।૨૩।।
પછી પહોર પાછલે, વાલો પધાર્યા વાડિયે । એમ સુખ અલબેલડો, દિયે દાસને દાડિદાડિયે ।।૨૪।।
અનંત વાતો ત્યાં કરી, સુણી સંત સહુ મગન થિયા । પછી સખા સંગે શ્યામળો, મોલે મલપતા આવીયા ।।૨૫।।
જને ત્યાં જાગરણ કર્યું, ગાયાં કીર્તન અતિઘણાં । પાટે બેસી પાતળે, સુણ્યાં પદ સંતતણાં ।।૨૬।।
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ । અતિ રહસ્ય એકાંતની, એક વાલ્યપની વાત કહું ।।૨૭।।
આ સભામાં આપણ સહુનાં, તેજોમય તન છે । છટા છુટે છે તેજની, જાણું પ્રકટિયા કોટિ ઇંદુ છે ।।૨૮।।
વળી કહું એક વારતા, સર્વે કીધું આપણું થાય છે । સુખ દુઃખ વળી જય પરાજય, યત્કિંચિત જે કહેવાય છે ।।૨૯।।
જેજે આપણને નવ ગમે, તે જીવ કેમ શકે કરી । જુઓ સર્વે જક્તમાં, કોણ શકે છે ફેલ આચરી ।।૩૦।।
વળી રીત્ય આપણી, જે જીવને નથી ગમતી । જોઉંછું એવા જીવને, છે કેની કેની એવી મતિ ।।૩૧।।
તેને શોધી સાંમટો, એક દંડ દેવા તાન છે । કોઇ ન પ્રીછે પરચો, એવું કરવું મારે નિદાન છે ।।૩૨।।
જેવું અમારાં અંગમાં, સુખ દુઃખ રાખું છું સહિ । તેવું જાણજ્યો જક્તમાં, કહું સત્ય એમાં સંશય નહિ ।।૩૩।।
વળી આપણે રાખીયાં, ષટ રસનાં વ્રતમાન । તેદિ સર્વે જક્તમાં, કેને ખાવા ન રહ્યું ધાન ।।૩૪।।
જેદિ અમે છાના રહ્યા, અને વળી વધાર્યા કેશ । તેદિના આ ભૂ વિષે, સહુ નિસ્તેજ થયા નરેશ ।।૩૫।।
વળી અમે અંગમાં, આણ્યો હતો મંદવાડ । તે દાડે આ જક્તમાં, બહુ જીવનો ગયો બિગાડ ।।૩૬।।
એમ જણાય છે એકતા, મારા પિંડ બ્રહ્માંડમાં મળી । જે હોય આ અંગમાં, તે બ્રહ્માંડમાં હોય વળી ।।૩૭।।
તે માટે તમે સાંભળો, સતસંગી સહુ નરનાર । જેજે થાય છે જક્તમાં, તેનો બીજો નથી કરનાર ।।૩૮।।
સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજ્યો સ્થિર મતિ । જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ ।।૩૯।।
એમ કરતાં જો પંડ પડશે, તો આગળ સુખ છે અતિ ઘણું । પણ વ્રત ટેક જો ટાળશો તો, ભોગવશો સહુ સહુ તણું ।।૪૦।।
નહિં તો તમે નચિંત રહેજ્યો, કરવું તમારે કાંઇ નથી । જે મળ્યા છે તમને, તે પાર છે અક્ષરથી ।।૪૧।।
એમ વાત કરી હરિ, ત્યાર પછી પોતે પોઢિયા । સુણી વાત સતસંગીએ, અતિશે રાજી થિયા ।।૪૨।।
પછી પ્રભાતે ઉઠી પોતે, દયાળે દાતણ કર્યું । નાયા પછી નાથજી, જને હાર પહેરાવી છોગું ધર્યું ।।૪૩।।
પછી જને જમાડિયા, પ્રભુને પ્રીત્યે કરી । જમી પોતે શ્યામળે, પછી સંત જમાડયા ભાવે ભરી ।।૪૪।।
એમ દિન દશ સુધી, લટકાળે લીળા કરી । પછી પોતે પધારીયા, પશ્ચિમ દેશે શ્રીહરિ ।।૪૫।।
એવી અનુપમ કરી લીળા, જેઠ શુદિ એકાદશી દને । લીળા કરાવી જેતલપુરે, ગંગાદાસ આસજી જને ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે મહારાજે પુરૂષોત્તમપણું કહ્યું એ નામે છોતેરમું પ્રકરણમ્ ।।૭૬।।