પૂર્વછાયો-
ભક્તચિંતામણિ ગ્રંથ કહ્યો, સત્સંગીને સુખરૂપ । જેમાં ચરિત્ર પ્રકટનાં, અતિ પરમ પાવન અનુપ ।।૧।।
બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય । પણ પ્રકટ ઉપાસી જનને, આ જેવો નથી બીજો કોય ।।૨।।
જેમાં ચરિત્ર મહારાજનાં, વળી વર્ણવ્યાં વારમવાર । વણ સંભારે સાંભરે, હરિમૂર્તિ હૈયા મોઝાર ।।૩।।
હરિ ને હરિજનના, આ ગ્રંથમાં ગુણ અપાર । શુદ્ધ ભાવે જે સાંભળે, તે ઉતરે ભવપાર ।।૪।।
ચોપાઇ-
એવો ગ્રંથ અનુપમ અતિ રે, જેમાં પ્રકટ પ્રભુની પ્રાપતિ રે । પ્રકટ કલ્યાણ પ્રકટ ભજન રે, પ્રકટ આજ્ઞા પ્રકટ દર્શન રે ।।૫।।
પ્રકટ વાતો પ્રકટ વ્રતમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે । નથી ઉધારાની એકે વાત રે, જેજે જોઇએ તેતે સાક્ષાત રે ।।૬।।
બીજા કહે મુવા પછી મોક્ષ રે, વળી પ્રભુ બતાવે છે પ્રોક્ષ રે । કોઇ કહે છે કર્મે કલ્યાણ રે, એવા પણ બહુ છે અજાણ રે ।।૭।।
કોઇ કહે પ્રભુ નિરાકાર રે, એવા પણ અજાણ અપાર રે । કોઇ કહે છે વૈદિક કર્મે રે, કલ્યાણ છે જાણો એક બ્રહ્મે રે ।।૮।।
કોઇ કહે છે દેવી ને દેવ રે, કોઇ કહે મોક્ષદા મહાદેવ રે । એતો સર્વે વારતા છે સારી રે, પણ જનને જોવું વિચારી રે ।।૯।।
જ્યારે એમજ અર્થ જો સરે રે, ત્યારે હરિ તન શિદ ધરે રે । જ્ઞાન વિના તો મોક્ષ ન થાય રે, એમ શ્રુતિ સ્મૃતિ સહુ ગાય રે ।।૧૦।।
ઔમાટે પ્રકટ જોઇયે ભગવંત રે, એવું સર્વે ગ્રંથનું સિધાંત રે । જેમ પ્રકટ રવિ હોય જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે ।।૧૧।।
ઔજેમ પ્રકટ જળને પામી રે, જાય પ્યાસિની પ્યાસ તે વામી રે । જેમ પ્રકટ અન્નને જમે રે, અંતર જઠરા ઝાળ વિરમે રે ।।૧૨।।
તેમ પ્રકટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે । માટે પ્રકટ ચરિત્ર સાંભળવું રે, હોય પ્રકટ ત્યાં આવી મળવું રે ।।૧૩।।
જ્યાં હોય પ્રકટ પ્રભુ પ્રમાણ રે, તિયાં જનનું સહેજે કલ્યાણ રે । કાન પવિત્ર થાય તે વાર રે, સુણે પ્રકટના જશ જ્યારે રે ।।૧૪।।
ત્વચાતણું પાપ ત્યારે જાય રે, જ્યારે સ્પરશે પ્રકટના પાય રે । નયણાં નિષ્પાપ થાવા નિત્ય રે, નિર્ખે પ્રકટ પ્રભુ કરી પ્રીત રે ।।૧૫।।
જીહ્વા પવિત્ર ત્યારે જ થાય રે, જ્યારે ગુણ પ્રકટના ગાય રે । નાસા નિર્મળ થાવા નિદાન રે, સુંઘે હાર પહેર્યા ભગવાન રે ।।૧૬।।
ચરણ પવિત્ર થાવા કોઇ કરે રે, તો પ્રકટ સામા પગ ભરે રે । ઔકર પવિત્ર થાવાને કાજ રે, જોડે પ્રકટ જીયાં મહારાજ રે ।।૧૭।।
મને મનન ચિત્તે ચિંતવન રે, કરતાં પ્રકટનું થાય પાવન રે । બુદ્ધિ નિશ્ચે અહં અહંકારે રે, કરે પ્રકટમાં શુદ્ધ ત્યારે રે ।।૧૮।।
માટે પ્રકટ પ્રભુ જો ન હોય રે, ન થાય એ નિષ્પાપ કોય રે । જાણો પ્રકટમૂર્તિ ભવપાજ રે, સહજે ઉતરવાનો સમાજ રે ।।૧૯।।
જેમ સાગર તરવા નાવ રે, તે વિના બીજો નથી ઉપાય રે । માટે કહેવાં પ્રકટનાં ચરિત્ર રે, તેહ વિના ન થાય પવિત્ર રે ।।૨૦।।
પ્રકટમૂર્તિ તે નિર્ગુણ રે, સુખદાયક છે એ સદ્ગુણ રે । કહ્યું કૃષ્ણે ઉદ્ધવને એહ રે, એકાદશ ભાગવતે જેહ રે ।।૨૧।।
સત્વગુણમાંહિ તજે તન રે, પામે સ્વર્ગલોક તેહ જન રે । રજોગુણમાં તજે શરીર રે, નરલોક પામે તે અચિર રે ।।૨૨।।
તમોગુણમાં છુટે જો દેહ રે, પામે નરકમાં નિવાસ તેહ રે । હું પ્રકટ પામી તજે તન રે, તે નિર્ગુણ જાણો મારો જન રે ।।૨૩।।
મૂર્તિ પૂજ્યે ફળ માગે ત્યાગે રે, તે સાત્ત્વિક કર્મ અનુરાગે રે । તુચ્છ સંકલ્પે પૂજે મૂરતિ રે, એ રજોગુણ કર્મની ગતિ રે ।।૨૪।।
હિંસાપ્રાય પ્રતિમા પૂજન રે, તમોગુણી એ કર્મ છે જન રે । મને મળી કરે કર્મ જેહ રે, ઇછયું અણઇછયું નિર્ગુણ તેહ રે ।।૨૫।।
કેવળ જ્ઞાન તે સાત્ત્વિક કહીએ રે, શાસ્ત્રજ્ઞાન તે રાજસી લહીએ રે । પ્રાકૃત જ્ઞાન તામસી પ્રમાણો રે, મુંમાં નિષ્ઠા એ નિર્ગુણ જાણો રે ।।૨૬।।
વાસ સાત્ત્વિક તે વનવાસી રે, વાસ ગામની તેહ રાજસી રે । દ્યુતવિદ્યા દારુ ચોરી માંસ રે, તિયાં રહેવું એ તામસી વાસ રે ।।૨૭।।
મારા મંદિરમાં જે નિવાસ રે, જાણો નિર્ગુણ વાસ એ દાસ રે । જે જેમાં સંબંધ મુજતણો રે, તેતે સર્વે ગુણાતીત ગણો રે ।।૨૮।।
ફળ ન ઇચ્છે કરે જે જગન રે, તેહ સાત્ત્વિક કર્મ પાવન રે । કરે યજ્ઞા ઇચ્છે ફળ જેહ રે, કર્મ રાજસી જાણજ્યો તેહ રે ।।૨૯।।
પૂર્વાપર સ્મૃતિ વિભ્રમ રે, કરે જજ્ઞા એ તામસી કર્મ રે । મારે અર્થે કરે જે જગન રે, નિર્ગુણ પુરૂષ એ પાવન રે ।।૩૦।।
અધ્યાત્મશાસ્ત્રે શ્રદ્ધા જેને રે, સાત્ત્વિક શ્રદ્ધા જાણજ્યો તેને રે । કર્મકાંડે શ્રદ્ધા જેને થાય રે, તેતો રાજસી શ્રદ્ધા કહેવાય રે ।।૩૧।।
ઔશાસ્ત્રવિરોધ જેમાં અધર્મ રે, તેમાં શ્રદ્ધા એ તામસી કર્મ રે । હું પ્રત્યક્ષ મૂર્તિમાં પ્રીત રે, જેને શ્રદ્ધા તે ત્રિગુણાતીત રે ।।૩૨।।
ઉદ્યમ વિના જે ઉત્તમ અન્ન રે, તેહ આહાર સાત્ત્વિક ભોજન રે । મનવાંછિત જીહ્વાને પ્રિય રે, આહાર રાજસી જાણો તેય રે ।।૩૩।।
ઔઅશુદ્ધ દેહને દુઃખદાઈ રે, એવો આહાર તામસી ભાઈ રે । મારી પ્રસાદીનું અન્ન જેહ રે, અતિ ઉત્તમ નિર્ગુણ તેહ રે ।।૩૪।।
આત્મલાભ એ સાત્ત્વિક સુખ રે, વિષયસુખ રાજસી રહે ભૂખ રે । મોહાધીનપણે સુખ આવે રે, તેતો તામસી સુખજ કાવે રે ।।૩૫।।
હું પ્રત્યક્ષનો આશ્રય જેને રે, નિર્ગુણ સુખ કહિયે તેને રે । એમ કહ્યું એકાદશમાંહિ રે, પ્રભુ પ્રત્યક્ષની અધિકાઇ રે ।।૩૬।।
કહ્યું શ્રીકૃષ્ણે ઉદ્ધવ આગે રે, અધ્યે પચિશે ગુણવિભાગે રે । કહી કથા અનુપમ ઘણું રે, પ્રત્યક્ષમાં નિર્ગુણ પણું રે ।।૩૭।।
માટે પ્રત્યક્ષનાં જે ચરિત્ર રે, તેજ નિર્ગુણ પરમ પવિત્ર રે । જેજે રીત્યે પ્રત્યક્ષનો જોગ રે, તેજ નિર્વિઘન નિરોગ રે ।।૩૮।।
માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ આ તેવી રે । છે આ ભક્તચિંતામણિ નામ રે, જેજે ચિંતવે તે થાય કામ રે ।।૩૯।।
હેતે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે । સુખ સંપતિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે ।।૪૦।।
શિખે શિખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપ ન આવે રે । આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે ।।૪૧।।
કથા સુણી આપે દાન જેહ રે, અતિ ઉત્તમ ફળ લહે તેહ રે । અન્ન વસ્ત્ર વિપ્રને જે ધન રે, એહાદિ સુણી દેશે જે જન રે ।।૪૨।।
તેતો સહજે ભવસિંધુ તરશે રે, હશે નાસ્તિક તે સંશય કરશે રે । કુંડ ઢુંઢ ને જુલાહ જેહ રે, તેને ગ્રંથ દેવો નહિ એહ રે ।।૪૩।।
વામી સંપ્રદાઇ ને સંન્યાસી રે, બીજા હોય જે અન્ય ઉપાસી રે । તેને આગે આ કથા ન કહેવી રે, અજાણ્યે પણ લખી ન દેવી રે ।।૪૪।।
દંભી ધૂતા ધર્મના જે દ્વેષી રે, લોભી લંપટી ત્રિયા ઉપદેશી રે । તેને આપશે આ ગ્રંથ જેહ રે, મહાદુઃખને પામશે તેહ રે ।।૪૫।।
હોય આસ્તિક પ્રકટ ઉપાસી રે, હરિજન મને તે વિશ્વાસી રે । ધર્મ નિમમાંહિ દૃઢ અંગ રે, અનન્યભક્ત સાચો સત્સંગ રે ।।૪૬।।
અતિ પ્રકટમાં જેને પ્રીત રે, કહેવો સુણવો ગ્રંથ ત્યાં નિત્ય રે । એકાંતિકની વાત છે આમાં રે, બીજા સુણી શત્રુ થાશે સામા રે ।।૪૭।।
માટે બહુ ન કાઢવો બાર રે, આતો છે સતસંગનું સાર રે । તેતો સતસંગી આગે કહેવું રે, કુસંગીને સુંણવા ન દેવું રે ।।૪૮।।
એમ લખ્યું છે સમજી વિચારી રે, સતસંગીને છે સુખકારી રે । છે તો ઘૃત અમૃત અનુપ રે, પણ કીટને તે દુઃખરૂપ રે ।।૪૯।।
માટે વિમુખ જનને તારી રે, કહેજ્યો કથા આ સુંદર સારી રે । સમજુ હશે તે સમજશે સાને રે, હશે મૂરખ તે નહિ માને રે ।।૫૦।।
ગંગ ઉન્મત્ત તીરે છે ગામ રે, પુર પવિત્ર ગઢડું નામ રે । તિયાં ભાવેશું કથા આ ભણી રે, ભક્તપ્રિય ભક્તચિંતામણિ રે ।।૫૧।।
સંવત્ અઢાર વર્ષ સત્યાશી રે, આસો શુદી સુંદર તેરશિ રે । ગુરુવારે કથા પુરી કીધી રે, હરિભક્તને છે સુખનિધિ રે ।।૫૨।।
બીજી કથાતો બહુ સાંભળે રે, પણ આ વાત કયાં થકી મળે રે । જેમાં ચર્ણેચર્ણે છે આનંદ રે, પામે જન કહે નિષ્કુળાનંદ રે ।।૫૩।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગ્રંથનું મહાત્મ્ય કહ્યું તથા ગ્રંથની સમાપ્તિ કહી એ નામે એકસો ને ચોસઠયમું પ્રકરણમ્ ।।૧૬૪।।