એકસો ને દશમું પ્રકરણ

ચોપાઇ-
હવે કહું નર નિરમાન, જેને ભેટયા છે શ્રીભગવાન । તે પ્રભુ છે સહુના સ્વામી, કર્તા નિયંતા અંતરજામી ।।૧।।
જેની ભ્રકુટિ વિલાસમાંય, કોટિ બ્રહ્માંડ ભાંગે ને થાય । એવા સમર્થ શ્રીમહારાજ, સર્વે ઉપર છે અધિરાજ ।।૨।।
જે જે ધારે તે કારજ્ય કરે, તે ફેરવ્યું કેનું નવ ફરે । સર્વે કારણના કારણ જેહ, તેણે ધર્યું પૃથ્વીપર દેહ ।।૩।।
એવા પુરૂષોત્તમ પરબ્રહ્મ, જેને નેતિનેતિ કહે નિગમ । તેહ થઇ મનુષ્ય આકાર, કરે બહુ જીવનો ઉધ્ધાર ।।૪।।
મેલી પોતાની મોટયપ નાથ, મળી રહ્યા મનુષ્યને સાથ । થઇ નાથ આપે નિરમાન, કરે સંસારીનું સનમાન ।।૫।।
વળી સહે જગ ઉપહાસ, તોય ન કરે માન અવિનાશ । જોને ઋષભદેવે કેવું સહ્યું, અતિશે નિરમાનને ગ્રહ્યું ।।૬।।
જોને કપિલદેવ દયાળ, જેને મારવા ધાયા ભૂપાળ । જોને વામનજી નિરમાની, બળિદ્વારે વશ્યા વરદાની ।।૭।।
જોને રામ કેવા નિરમાન, નાગપાશે બંધાણા નિદાન । જોને કૃષ્ણ કેવા સમરથ, મેલી માન તાણ્યો ઋષિરથ ।।૮।।
એહ આદિ બહુ અવતાર, કહેતાં આવે નહિ તેનો પાર । જુવો વર્તમાન કાળે આજ, કેવા નિર્માની છે મહારાજ ।।૯।।
આપે સમર્થ ને સર્વે સહે, એવું નિરમાનીપણું ગ્રહે । કરે તુચ્છ જીવ તિરસ્કાર, તે પર રોષ ન કરે લગાર ।।૧૦।।
હવે એવા પ્રભુના જે દાસ, કહો કેમ ન સહે ઉપહાસ । જેના નિરમાની ભગવાન, તેના જનને જોયે કેમ માન ।।૧૧।।
માન રાખે તે રાક્ષસ દૈત્ય, જન હોય સદા માનજીત । માન જોઇએ હિરણ્યાક્ષ અંગ, જેણે યુધ્ધ કર્યો લેરી સંગ ।।૧૨।।
માન હિરણ્યકશિપુને જોઇએ, જેને જગમાં જીત્યા નહિ કોઇએ । માન જોઇએ રાવણ જેવાને, એહ આદિ રાક્ષસ એવાને ।।૧૩।।
માન જોઇએ કંસ ભૂપાળને, બીજા શાલવ શિશુપાળને । માન જોઇએ તે જરાસંધને, માન જોઇએ ધૃતરાષ્ટ્ર અંધને ।।૧૪।।
માન દુર્યોધનને તે જોઇએ, એહ આદિ એવા બીજા કોઇએ । એવા દુષ્ટને માનજ ઘટે, હરિજન તો માનથી હટે ।।૧૫।।
માને કરીને જય વિજય, વૈકુંઠ થકી પડિયા તેય । માને પડયો ઇંદ્ર સુરપતિ, માને પડયો નહુષ ભૂપતિ ।।૧૬।।
માને પડિયો રાજા યયાતિ, બીજા સુરાસુર પડયા અતિ । માને ચિત્રકેતુ કર્યો ચુર, થયો તેહ વળી વૃત્રાસુર ।।૧૭।।
માને દક્ષ પામ્યો અતિદુઃખ, થયું મોત ને વણશું મુખ । માને ગયું રાવણનું રાજ, માને થયું બહુનું અકાજ ।।૧૮।।
માને ગયું કૌરવનું કુળ, માને ગયું છે કંસનું મૂળ । માને સુર અસુર છે દુઃખી, માન રાખી થયા કોણ સુખી ।।૧૯।।
સ્વર્ગ મૃત્યુ પાતાળ મોઝાર, માને મારી મુક્યા નરનાર । કામ ક્રોધ લોભ કદિ જાય, પણ માન તેતો ન મુકાય ।।૨૦।।
નથી બીજા કોઇનો તે વાંક, માને રોળ્યા છે રાજા ને રાંક । એવો નર નજરે ન આવે, જેના મનને માન ન ભાવે ।।૨૧।।
ઘર તજી જાય કોઇ વન, એકાંત્યે બેસી કરે ભજન । અન્ન મુકી ફળ ફુલ ખાય, પણ માન તેતો ન તજાય ।।૨૨।।
કોઇ કરે તે નામ રટન, કોઇ કરે અવનિ અટન । ગંગા યમુના સરસ્વતી નાય, પણ માન તેતો ન તજાય ।।૨૩।।
કોઇ વધારે નખ ને કેશ, કરે તીર્થ ફરે દેશોદેશ । પહેરે નહિ પગરખાં પાય, પણ માન તેતો ન તજાય ।।૨૪।।
કોઇ ઉઘાડા રહે અવધૂત, કોઇ ભૂંસે અંગમાં ભભૂત । ધન નારીને નિકટ ન જાય, પણ માન તેતો ન તજાય ।।૨૫।।
કોઇ જ્ઞાની થઇ કરે જ્ઞાન, કોઇ ધ્યાની થઇ ધરે ધ્યાન । કોઇ ભક્ત થઇ ગુણગાય, પણ માન તેતો ન તજાય ।।૨૬।।
કોઇ રાખે કંથા ને ગોદડી, કોઇ રહે જીયાં તિયાં પડી । સહે શીત ઉષ્ણ અંગમાંય, પણ માન તેતો ન તજાય ।।૨૭।।
કોઇ રહે મુખે મૌન સાધી, કોઇ જમે નહિ અન્ન રાંધી । કાચું પાકું મળે તેવું ખાય, પણ માન તેતો ન તજાય ।।૨૮।।
કોઇ તપી થઇ કરે તપ, કોઇ જપી થઇ કરે જપ । મેલે વસન ભૂષણ ઇછાય, પણ માન તેતો ન તજાય ।।૨૯।।
કવિ કોવિદ પંડિત પીર, યોગી યતી સતી શૂરવીર । માન ગયે મરવાને ચાય, પણ માન તેતો ન તજાય ।।૩૦।।
સર્વે મરે છે માનના માર્યા, માન આગળ્ય કઇક હાર્યા । એવા માનને મેલી મહાંત, ભાવે ભજે છે શ્રીભગવંત ।।૩૧।।
મેલી પિંડ બ્રહ્માંડનું માન, સંત સદા રહે ગુલતાન । અન્ય માનને જન ન ઇચ્છે, જેની મતિ તે મોટી થઇ છે ।।૩૨।।
આપે માને છે આતમારૂપ, સોહં મનાણું બ્રહ્મસ્વરૂપ । સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહ, જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ તેહ ।।૩૩।।
મન બુધ્ધિ ચિત્ત અહંકાર, પ્રાણ પંચ ઇંદ્રિય પરિવાર । પંચ દેવ સપ્ત ધાતુ જેહ, એહ સર્વે મળીને આ દેહ ।।૩૪।।
જેમ કહ્યો શરીરનો સાજ, તેમ બ્રહ્માંડનો છે સમાજ । તેને પાર પ્રકૃતિ પુરૂષ, તેથી પર બ્રહ્મ એક રસ ।।૩૫।।
સત ચિત્ત આનંદ સ્વરૂપ, એવું મનાણું આપણું રૂપ । પછી બ્રહ્માદિ કીટ પર્યંત, તેમાં મોહ પામે કેમ સંત ।।૩૬।।
આપે થયા છે આતમારામ, દાસ સુખિયા પૂરણકામ । મેલી પિંડ બ્રહ્માંડનું માન, થયા બ્રહ્મરૂપ ગુલતાન ।।૩૭।।
એવા માનમાં મસ્ત છે જેહ, બીજા માનને ન ઇચ્છે તેહ । અવરમાં નથી ઉતાર્યું મન, કરવા પુરૂષોત્તમ પ્રસન્ન ।।૩૮।।
એમ સમજ્યા સંત સુજાણ, તેને રહી નહિ કોઇ તાણ । એમ આદિ અંત્યે મધ્યે જન, તજી માન ભજ્યા ભગવન ।।૩૯।।
એવું સમજીને સંત આજ, કર્યું તન મને માન તાજ । થયા નિરમાની એમ સંત, જેને ભેટીયા શ્રીભગવંત ।।૪૦।।
તજી તનને મનનું માન, રહ્યા હરિમાંહિ ગુલતાન । કામ લોભ ને સ્વાદ સનેહ, મેલ્યા માન આદિ પંચ એહ ।।૪૧।।
શોધી શત્રુનો કર્યો સંહાર, જીત્યા જન થયો જેજેકાર । પંચ વૈરી મુવે ગયું પાપ, એહ પ્રકટ પ્રભુનો પ્રતાપ ।।૪૨।।
એહ પંચવૈરી પરચંડ, જેને વશ છે પિંડ બ્રહ્માંડ । તેને જીતીને પામ્યા આનંદ, જેને સ્વામી મળ્યા સહજાનંદ ।।૪૩।।

પૂર્વછાયો-
સહેજે રહે સતસંગમાં, પંચ વરતને પરમાણ । કામ લોભ સ્વાદને, તજી સ્નેહ માન સુજાણ ।।૪૪।।
એહ રીત ત્યાગીતણી, એમ મુનિ રહે અનેક । હવે કહું સુણજયો સહુ, સાંખ્યયોગી બાઇયોની ટેક ।।૪૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિરમાની વ્રતમાન કહ્યું એ નામે એકસો ને દશમું પ્રકરણમ્ ।।૧૧૦।।