મંગળાચરણ
રાગ સામેરી-
મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રી સહજાનંદ સુખરૂપ । ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સમરૂં સદાય અનુપ ।।૧।।
પરમ દયાળુ છો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ । પ્રથમ તમને પ્રણમું, નામું વારમવાર હું શીષ ।।૨।।
અતિ સુંદર ગોલોક મધ્યે, અક્ષર એવું જેનું નામ છે । કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે ।।૩।।
અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર । પરમપદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહે નિર્ધાર ।।૪।।
એવા અક્ષરધામમાં તમે, રહો છો કૃષ્ણ કૃપાળ । પુરૂષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।।૫।।
પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુ ઇશ્વર વેદ કહે વળી । એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।।૬।।
ક્ષર અક્ષર પર સર્વજ્ઞા છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી । સર્વકારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।।૭।।
સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંતકોટિ ઉપાસે મળી । અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ ને લય વળી ।।૮।।
પ્રકૃતિ પુરૂષ કાળ પ્રધાન, મહત્તત્ત્વાદિક શક્તિ ઘણી । તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમે ધણી ।।૯।।
એવા શ્રીકૃષ્ણ કિશોર મૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો । આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાં કારજ કરો ।।૧૦।।
પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રગટયા પૂરણ કામ । નરનારાયણ નાથજી, તમે રહ્યા બદ્રિકા ધામ ।।૧૧।।
ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટયા મથુરામાંય । અનંત અસુર સંહારવા, કરવા નિજ સેવકની સહાય ।।૧૨।।
ત્યાર પછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર । ભક્તિ ધર્મને પીડવા, અસુરે લીધા અવતાર ।।૧૩।।
સત્ય વાત ઉત્થાપવા, આપવા ઉપદેશ અવળા । એવા પાપી પ્રગટ થયા, ઘરોઘર ગુરુ સઘળા ।।૧૪।।
ભક્તિ ધર્મ ભય પામિયાં, રહ્યું નહિ રહેવા કોઇ ઠામ । ત્યારે તમે પ્રગટિયા, કોસલ દેશમાં ઘનશ્યામ ।।૧૫।।
નરનાટક ધરી નાથજી, વિચરો વસુધામાંય । અજ્ઞાની જે અભાગિયા, તે એ મર્મ ન સમજે કાંય ।।૧૬।।
સમર્થ છો તમે શ્રીહરિ, સર્વોપરી સર્વાધાર । મનુષ્ય તન મહાજ્ઞાનઘન, જન મન જીતનહાર ।।૧૭।।
મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુ દોષ રહિત । કરૂણાનિધિ કૃપાળુ કોમળ, શુભ શાન્તિગુણે સહિત ।।૧૮।।
ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ । દીનબંધુ દયાળુ દલના, પરમાર્થી પૂરણકામ ।।૧૯।।
જે જન તમને આશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ । કાળ કર્મ માયાથી મુકાવી, આપીયું સુખ અમાપ ।।૨૦।।
પીડે નહિ પંચ વિષય તેને, જે શરણ તમારૂં આવી ગ્રહે । કામ ક્રોધ લોભ મોહાદિ, અધર્મ ઉરમાં નવ રહે ।।૨૧।।
શૂન્યવાદી ને શુષ્કજ્ઞાની, નાસ્તિક કુંડ વામી વળી । એહના મતરૂપ અંધારૂં, તે તમારે તેજે ગયું ટળી ।।૨૨।।
ઇશ અજ અમરાદિ આપે, યોગી મન જીતે નહિ । તેહ તમારા પ્રતાપથી, નિજજન મન જીત્યા કહિ ।।૨૩।।
એવા સમર્થ શ્યામ તમે, બહુનામી બળ પ્રબળ છો । નરનાટયક જન મનરંજન, અજ્ઞાનીને અકળ છો ।।૨૪।।
નરતન માટે નાથજી, સ્વામી રામાનંદ સેવિયા । મહામંત્ર ત્યાં પામી પોતે, સદ્ગુરુના શિષ્ય થયા ।।૨૫।।
સહજાનંદ આનંદ કંદ, જગવંદ જેહનું નામ છે । સમરતાં અઘઓઘ નાશે, સંતને સુખધામ છે ।।૨૬।।
એવા નામને પામી આપે, અકળ આ અવનિ ફરો । દઇ દર્શન જનને, અનેક જીવનાં અઘ હરો ।।૨૭।।
એવા સમર્થ સ્વપ્રભુ, શ્રીહરિ શુદ્ધ બુદ્ધિ દીજીયે । નિજદાસ જાણી દીનબંધુ, કૃપાળુ કૃપા કીજીયે ।।૨૮।।
તવ ચરિત્ર ગાવા ચિત્તમાં, ઉમંગ રહે છે અતિ । શબ્દ સર્વે થાય સવળા, આપજ્યો એવી મતિ ।।૨૯।।
વળી સાચા સંતને હું, લળી લળી લાગું પાય । કરો કૃપા ગ્રંથ કરતાં, વિઘન કોઇ ન થાય ।।૩૦।।
હરિજન મન મગન થઇ, એવી આપજ્યો આશિષ । શ્રીહરિના ગુણ ગાતાં સુણતાં, હર્ષ વાધે હંમેશ ।।૩૧।।
સર્વે મળી સહાય કરજ્યો, મન ધારજ્યો મેર્ય અતિ । પ્રકરણ સર્વે એમ સુઝે, જેમ અર્કમાં અણુ ગતિ ।।૩૨।।
સંસ્કૃત પ્રાકૃત શબ્દે, ગ્રંથ કવિએ બહુ કર્યા । મનરંજન બુદ્ધિ મંજન, એવી રીતે અતિ ઓચર્યા ।।૩૩।।
ગદ્ય પદ્ય ને છંદ છપય, સાંભળતાં બુદ્ધિ ગળે । એવું જાણી આદર કરતાં, મન પોંચે નહિ પાછું વળે ।।૩૪।।
તેને તે હિંમત દીજીયે, લીજીયે હાથ હવે ગ્રહી । આદર કરૂં આ ગ્રંથનો, પ્રતાપ તમારો લઇ ।।૩૫।।
તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચડે । તમારા પ્રતાપ થકી, અંધને આંખ્યો જડે ।।૩૬।।
તમારા પ્રતાપ થકી, મુકો મુખે વેદ ભણે । તમારા પ્રતાપ થકી, રંક તે રાજા બણે ।।૩૭।।
એવો પ્રતાપ ઉર ધરી, આદરૂં છું આ ગ્રંથને । વિઘ્ન કોઇ વ્યાપે નહિ, સમરતાં સમર્થને ।।૩૮।।
હરિકથા હવે આદરૂં, સદ્મતિ શ્રોતા જે સાંભળે । શ્રવણે સુણતાં સુખ ઉપજે, તાપ તનના તે ટળે ।।૩૯।।
ભવ દુઃખહારી સુખકારી, સારી કથા આ અનુપ છે । પ્રગટ ઉપાસી જનને, સાંભળતાં સુખરૂપ છે ।।૪૦।।
ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે મંગળાચરણ કર્યું એ નામે પ્રથમનું પ્રકરણમ્ ।। ૧ ।।